શું ભણ્યા? શું કામનું?


આજે દેશમાં જે બેરોજગારો છે એમાં શહેરી વિસ્તારોમાં ‘ભણેલા બેકારો’ની સંખ્યા 47% જેટલી છે !

અમને લાગે છે કે આપણે સૌએ અમુક વિષયો ફરીથી ભણવાની જરૂર છે...

***

મેથ્સ ફરીથી...

જો KGમાં ભણતા બાળકની ફી 60,000 હોય અને કોલેજમાં ભણતા સ્ટુડન્ટની ફી 2,50,000 હોય. જો ભણવા પાછળ દરેકનાં 10 વરસ જતાં હોય... જો મોંઘવારીમાં દર વરસે 7 ટકા વધતી હોય અને જો એજ્યુકેશન લોન ઉપર 10 ટકા વ્યાજ હોય...

- તો એક ગ્રેજ્યુએટ પેદા કરવામાં મા-બાપના કેટલા રૂપિયા ખર્ચાઈ જાય છે ?

... આવાં અન્ય ‘ગણિતો’ શીખવા માટે ભણો મેથ્સ ફરીથી...

***

કોમર્સ ફરીથી...

જો સરકાર આયાતમાં, નિકાસમાં, સબસીડીમાં, ખેડૂત લોનમાં, કલ્યાણ યોજનાઓમાં, પેટ્રોલ-ડિઝલમાં, વીજળી – ઉત્પાદનમાં… બધે જ જંગી ખોટ કરે છે, ઉપરથી અબજો રૂપિયા ભ્રષ્ટાચારમાં ખવાઈ જાય છે, ખર્વો રૂપિયાનાં બેન્ક-કૌભાંડો થઈ જાય છે...

- છતાં આટલા બધા રૂપિયા વેડફવા માટે સરકારને આપે છે કોણ ?

... આવા અઘરા સવાલોના જવાબો શોધવા ભણો કોમર્સ ફરીથી...

***

લૉ (કાયદાશાસ્ત્ર) ફરીથી...

આપણે ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચલાવી દઈએ તો કેટલો દંડ થાય ? આપણે બેન્કોની ટોપી કરીને વિદેશ ભાગી જઈએ તો શું સજા થાય ? આપણે શેરબજારમાં કૌભાંડ કરીને રોકાણકારોના રૂપિયા ઓહિયાં કરી લઈએતો શું પગલાં લેવાય ?

- ખાસ તો, આ બધામાંથી બચવું હોય તો નવી છટકબારીઓ ક્યાં છે ?

... આવું બધું જાણવા માટે શીખો ‘લૉ’ ફરીથી...

***

ઈકોનોમિક્સ ફરીથી...

જો બટાકાનો ભાવ 10 રૂપિયે કિલો હોય તો એ જ બટાકામાંથી બનતી પોટેટો ચીપ્સનો ભાવ 200 રૂપિયે કિલો શી રીતે થઈ જાય છે ?

જો મકાઈના દાણા 19 રૂપિયે કિલો મળતા હોય તો એ જ દાણામાંથી બનતા 100 ગ્રામ પોપ-કોર્નના 90 રૂપિયા શી રીતે થઈ જાય છે ?

... એ સમજવા શીખો ‘ઈકોનોમિક્સ’ ફરીથી...

***

- મન્નુ શેખચલ્લી

Comments