સંસદમાં નવા સાંસદોએ શપથ લીધા એમાં તો ડ્રામા થઈ ગયા ! દસ-પંદર સાંસદોના શપથ પછી તો સૌને એ ઈંતેજારી હતી કે અંતે ‘જય શ્રી રામ’ બોલશે કે ‘ભારત માતા કી જય’ ?
જો કે આ તો બધો બહાર બતાડવાનો ડ્રામા હતો. ખરેખર સાંસદોના ‘મનમાં’ શું શપથ લેવાઈ રહ્યા હશે ? એક કલ્પના...
***
નમૂનો (1)
“હું શપથ લઉં છું કે પાંચ વરસ પછી હું જ્યારે ઉમેદવારી પત્ર ભરું ત્યારે મારી સંપત્તિ ડબલ થઈ જવી જોઈએ !”
***
નમૂનો (2)
“હું શપથ લઉં છું કે સૌથી વિવાદાસ્પદ બિલની ચર્ચા વખતે હું સૌથી વધુ ઘોંઘાટ ફેલાવીને કોઈ ચર્ચા સરખી રીતે ચાલવા જ નહિ દઉં !”
***
નમૂનો (3)
“હું એ પણ શપથ લઉં છું કે દેશને લગતી મહત્વની સમસ્યાઓની ચર્ચા વખતે હું ગેરહાજર રહીશ !”
***
નમૂનો (4)
“... જો હું ગૃહમાં હાજર રહીશ તો શપથ લઉં છું કે કેમેરામાં ઊંઘતો નહીં ઝડપાઉં !”
***
નમૂનો (5)
“જો હું ગૃહમાં હાજર રહીને જાગતો હોઉં તે વખતે મારા મોબાઈલમાં જો પોર્ન વિડીયો જોતો હોઈશ તો એવા એંગલથી જોઈશ કે બીજા કોઈના મોબાઈલમાં ના ઝડપાઈ જાઉં !”
***
નમૂનો (6)
“સંસદની કેન્ટિનમાં સાવ મફતના ભાવે મળતી વાનગીઓ ખાઈને દેશના પૈસા બચાવીશ અને સાથે સાથે ગરીબીનો જાત-અનુભવ પણ કરીશ !”
***
નમૂનો (7)
“દરેક સાંસદને દર વરસે મળતું બે કરોડનું વિકાસલક્ષી ફંડ મારા અંગત વિકાસ માટે શી રીતે વાપરીશ તેનું પ્લાનિંગ કરવા માંડીશ !”
***
નમૂનો (8)
“... અને હું જે કંઈ ભ્રષ્ટાચાર કરીશ તેને રાષ્ટ્રહિતમાં ગુપ્ત અને ગોપનીય રાખીશ ! જય હિંદ !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment