એક કાંટાની અણી ઉપર
વસે ત્રણ ગામ,
બે ઉજ્જડ
ત્રીજામાં વસ્તી જ નહીં !
***
એ ગામમાં વસે
ત્રણ કવિ,
બે ડફોળ
ત્રીજામાં અક્કલ નહીં !
***
એ કવિએ લખી
ત્રણ ગઝલ,
બે બોબડી
ત્રીજામાં શબ્દો જ નહીં !
***
એ ગઝલ સુણાવી
ત્રણ શ્રોતાઓને,
બે બહેરા અને
ત્રીજો સાંભળે જ નહીં !
***
કવિને મળી
ત્રણ દાદ
બે મુંગી મુંગી
ત્રીજી હતી જ નહીં !
***
કવિના છપાયા
ત્રણ કવિતા સંગ્રહ,
બેનાં પાનાં કોરાં
ત્રીજામાં પાનાં જ નહીં !
***
સંગ્રહમાં હતી
ત્રણ કવિતા,
બે તો અઘરી
ત્રીજી સમજાય જ નહીં !
***
સંગ્રહના થયા
ત્રણ સમારંભ
બેમાં આમંત્રિતો નહીં
ત્રીજાનું તો સ્થળ જ નહીં !
***
કવિને મળ્યા
ત્રણ વિવેચક,
બે આંધળા
ત્રીજો વાંચે જ નહીં !
***
વિવેચકોએ કર્યા
ત્રણ રિવ્યુ,
બે અષ્ટમ્ પષ્ટમ્
ત્રીજામાં ઉલ્લેખ જ નહીં !
***
ત્યાં હતી ત્રણ
સાહિત્ય સંસ્થા,
બેનાં મકાન નહીં
ત્રીજામાં સભ્યો જ નહીં !
***
કવિને મળ્યાં
ત્રણ ઈનામ,
બેમાં પૈસા નહીં
ત્રીજામાં ‘કશું’ જ નહીં !
***
ઈનામમાં થઈ ગયા
ત્રણ વિવાદ,
બે દબાવી દીધા
ત્રીજાની ચર્ચા જ નહીં !
***
છેવટે કવિતા કરી
ત્રણ વાયરલ,
બે અપ-લોડ ના થઈ
ત્રીજીને ‘વ્યુ’ જ નહીં !
***
આમાં કવિને થયાં
ત્રણ દુઃખ,
બે તો ‘બે-દર્દ’
ત્રીજું ચચર્યું ય નહીં !
***
તેથી કવિએ લખ્યાં
ત્રણ મહાકાવ્યો,
બે હાઈકુ જેવડાં
ત્રીજું ત્રણ અક્ષરી !
***
આ કવિતા વડે
તમને મળશે ત્રણ શીખ,
બે લેવી નહીં
ને ત્રીજી… આપવી નહીં !
***
- મન્નુ શેખચલ્લી
Ha... Ha... Ha.....
ReplyDeleteજબરદસ્ત હ્યુમર... એન્ડ સુધી એન્ડલેસ મજા આવ્યે જ રાખે એવી કૃતિ.
ReplyDelete