ભારત પાક. મેચ પહેલાંની તૈયારીઓ !


આજે ઇન્ડિયા-પાકિસ્તાનની વૉર છે, સોરી મેચ છે !

આ મેચ ટીવીમાં જોતાં પહેલાં આટલી તૈયારીઓ જરૂરથી કરી રાખજો…

***

(1) હાઈ બ્લ્ડ-પ્રેશર, હાર્ટ એટેક વગેરેની ગોળીઓ તૈયાર રાખવી.

***

(2) વરસાદને ગાળો દેવી નહિ. અહીં બેઠા બેઠાં પાડેલી બૂમો ઇંગ્લેન્ડનાં વાદળોને સંભળાવવાની નથી.

***

(3) જનરલી પણ ગાળો બોલવી નહીં. એ કામ ભારતીય કેપ્ટન પોતે જવાબદારી સાથે સંભાળી જ રહ્યો છે.

***

(4) કોહલીએ શું કરવું અને શું ના કરવું જોઈએ એની સલાહો રેડી રાખો. ટ્વિટર ઉપર કામમાં આવશે.

***

(5) ભારતનો ફિલ્ડર કેચ છોડે ત્યારે ગુસ્સામાં કોઈ પણ ચીજ છૂટ્ટી ફેંકાય તેને ‘કેચ’ કરવા તૈયાર રહેવું.

***

(6) ભારતના બેટ્સમેનોની જોડી જામી ગઈ હોય ત્યારે વચમાં કોઈને ઊઠીને ક્યાંય જવા દેવામાં આવશે નહિ. પેશાબ કરવા માટે પણ નહીં.

***

(7) કોઈપણ ક્ષણે વરસાદ તૂટી પડશે. તેની તૈયારી રાખવી. છત્રી, રેઈનકોટ વગેરે લઈને જ બેસવું.

***

(8) પિચ-રીપોર્ટો કરતાં વેધર-રીપોર્ટ વધારે ધ્યાનથી સ્ટડી કરી લેવો.

***

(9) મેચ ચાલતી હોય એ દરમ્યાન ભૂલેચૂકે લીલા રંગનું ટી-શર્ટ પહેરીને પાનને ગલ્લે મેચ જોવા જવું નહિ. કારણ વિના માર પડી શકે છે.

***

(10) ફટાકડા ખરીદીને લાવવાના હો તો બે બાબત ચેક કરવી. એક, ‘વાયુ’થી હવાઈ નથી ગયા ને ? અને બે, કોંગ્રેસ કાર્યાલયનો વપરાયા વિનાનો સ્ટોક તો નથી ને ?

***

(11) અને છેલ્લું… ‘બાપ કૌન હૈ?’ ‘બાપ કૌન હૈ’?  એવું પૂછ-પૂછ ના કરતાં… ક્યાંક કોઈ તમારો DNA ટેસ્ટ ના માગી બેસે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments