વરસાદની વર્લ્ડ રકાબી ટુર્નામેન્ટ !


જે રીતે વરસાદ વર્લ્ડ-કપની મેચોમાં સાવ ફાલતુ ટીમોને મદદ કરી રહ્યો છે એ હિસાબે નબળી અને સાવ ટુણિયાટ ટાઈપની ટીમો માટેનો એક વરસાદ વર્લ્ડ-કપ હોવો જોઈએ !...

***

આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન જેવી ‘ધરખમ’ ટીમને પણ સામેલ નહિ કરવાની !

આમાં તો હોલેન્ડ, સ્કોટલેન્ડ, કેનેડા, બર્મુડા, યુએઈ, યુગાન્ડા, યુગોસ્લાવિયા જેવી ટીમોને રમાડો. (હા, યુગોસ્લાવિયા... એમને પણ રમાડો ને. દુનિયામાં ક્રિકેટનો ‘પ્રચાર’ થવો જરૂરી છે !)

***

આ ‘વર્લ્ડ-રકાબી’ ટુર્નામેન્ટમાં સાવ નબળામાં નબળી ટીમ કઈ છે તે શોધી કાઢવાની છે ! માટે એવોર્ડો કંઈક આવા હશે...

(1) ઓછામાં ઓછા રનનો એવોર્ડ

(2) ઓછામાં ઓછા બોલમાં ઝીરો રન કરવાનો રેકોર્ડ... ના, ના, સોરી. ‘વધુમાં વધુ’ બોલમાં ઝીરો રન કરવાનો એવોર્ડ !

(3) ઓછામાં ઓછા સમયમાં (વરસાદની સહાય વિના) ઇનિંગ પુરી કરવાનો એવોર્ડ !

(4) ઓછામાં ઓછી વાર સ્કોરબોર્ડ બદલવું પડ્યું હોય તે ટીમને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ !

***

અચ્છા, આખી વાતમાં વરસાદ ક્યાં આવ્યો ?

તો સાંભળો, આખી ટુર્નામેન્ટ ભર ચોમાસામાં રાખવાની રહેશે ! હવે બીજા નિયમો સાંભળી લો...

(1) જો મેચમાં વરસાદ નહિ પડે તો આખી મેચ કેન્સલ ગણાશે.

(2) ટોસ જીત્યા પછી ત્રણ કલાકમાં જેટલો વરસાદ પડે તે પહેલાં બેટિંગ કરનારી ટીમનો સ્કોર ગણાશે.

(3) એ જ રીતે બીજા ત્રણ કલાકમાં પડનારા વરસાદનો આંકડો બીજી ટીમનો ગણાશે.

(4) ડકવર્થ લુઈસનો નિયમ ઉલ્ટો લાગુ કરવામાં આવશે ! મતલબ કે જેમ જેમ વરસાદ વધારે પડે તેમ તેમ ટાર્ગેટ સહેલો થતો જશે !

(5) વરસાદ પાડવા માટે થઈને ટીમો ભજન વગેરે કશું કરી શકશે નહિ !

(6) હવામાન ખાતાના રિપોર્ટો ‘ગુપ્ત’ રાખવામાં આવશે ! (મેચમાં ‘સસ્પેન્સ’ જળવાઈ રહે એટલા માટે)

અને (7) જો ‘ટાઈ’ પડે તો જે ટીમ મેદાનમાં ‘તરી’ને સામેના છેડે વહેલી પહોંચે તેને વિનર જાહેર કરવામાં આવશે.

***

અને હા, મેદાનમાં ફિલ્ડીંગ ભરતી વખતે હોડીમાં બેસવાની મનાઈ હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments