વાયુ આયું ... વાયુ આયું ....


આખા ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ચર્ચા ચાલી ! છેક ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં બેઠેલા ગુજરાતીઓને આપણા ‘વાયુ’ની ચિંતા હતી…

અમુક લોકોએ વાવાઝોડાની સરખામણી પત્નીઓ સાથે કરી, તો અમુકે કહ્યું કે દરિયામાં ‘કાયમ ચૂર્ણ’ નાંખો ને… ‘વાયુ’ની છૂટ થઈ જશે !

ટુંકમાં, સઘળી જગાએ ચકચાર હતી કે –

***

વાયું આયું, વાયું આયું…

શું શું લાયું ? વાયુ આયું…

***

ટીવી માટે TRP લાયું

સરકાર માટે ટેન્શન લાયું

વાયુ આયું, વાયુ આયું…

***

પુરી-શાકનાં પેકેટો લાયું

હજારો નહિ, લાખોમાં લાયું

પેટમાં નહિ, દરિયામાં વાયુ !

અલ્યા, વાયુ આયું, વાયુ આયું.

***

દરિયામાં બી ‘વાયુ’ થાય ?

થાય તો થાય, પણ

આટલું જોરથી ‘છોડાય’ ?

શું વાયુથી ‘ગંધ’ ફેલાય ?

સુંઘી જુઓ લ્યા, વાયુ આયું…

***

સેટેલાઈટના ફોટા લાયું

વોટ્સએપના મેસેજો લાયું

સાચી ખોટી અફવા લાયું

સ્થળાંતરની જફા લાયું

આયું આયું… વાયુ આયું…

***

અલ્યા આયું… ?

કે ના આયું … ?

આયું તો લ્યા,

કેટલે આયું ?

તમારે આયું ? તમારે આયું ?

ફળિયામાં આયું ?

કે ધાબા પર આયું ?

કેવા કેવા ખબર-અંતર લાયું !

આયું આયું… વાયુ આયું…

***

શાળા-કોલેજોમાં

હોલિડે લાયું, ને

સરકાર માટે

ઓવર-ટાઈમ લાયું !

નવરાઓ માટે તમાશો લાયું

ને તમાશા માટે તેડું લાયું !

આયું આયું… વાયુ આયું..

***

કરી પ્રાર્થના હાથ જોડી !

‘વાયુ’ નીકળ્યું ડાહ્યું ડાહ્યું…

***

- મન્નુ શેખચલ્લી

Comments