સાવ એવું પણ નથી ....


સાવ એવું પણ નથી કે તમારી કોઈ કદર નથી કરતું…

- ચાર રસ્તે ઊભેલો ભિખારી તમને ‘સાહેબ, સાહેબ’ કરતો હોય છે !

***

સાવ એવું પણ નથી કે 1 રૂપિયાની કોઈ કિંમત નથી…

- મોબાઈલમાં બેલેન્સ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પૈસામાં (0.001) કપાય છે !

***

સાવ એવું પણ નથી કે તમને કોઈ ઉધાર આપવા તૈયાર નથી…

- દિવસમાં ત્રણ બેન્કમાંથી ફોન આવે છે, ‘સર, લોન લેવી છે ?’

***

સાવ એવું પણ નથી કે કોઈ તમારી નોંધ જ નથી લેતું…

- ટ્રાફિકના રૂલનો ભંગ કરો તો તમારો ફોટો પડી જાય છે !

***

સાવ એવું પણ નથી કે જિંદગીમાં તમને કોઈ તક નથી મળતી…

- મોબાઈલમાં રોજ મેસેજ આવે છે : “એક લાખ રૂપિયા જીતવાની તક !”

***

સાવ એવું પણ નથી કે બધું જ ‘મોંઘું’ થઈ રહ્યું છે…

- ફેસબુકમાં આવતી કોમેન્ટો ‘ચીપ’ પણ હોય છે !

***

સાવ એવું પણ નથી કે તમારી લાઈફમાં ગ્લેમર જ નથી રહ્યું…

- સડક ઉપર જુઓ, આ ઉનાળામાં બુકાની બાંધેલી છોકરી ‘હોટ’ હોય છે !

***

સાવ એવું પણ નથી કે કોઈ તમને પૂછતું નથી…

- મફત છાશની લાઈનમાં ઊભા હો ત્યાં કોઈ આવીને જરૂર પૂછશે, “બોસ, શેની લાઈન છે ?”

***

સાવ એવું પણ નથી કે તમને કોઈ ‘ક્રેડિટ’ નથી આપતું…

- તમારી પત્ની ક્યારેક જરૂર કહેશે : મારી જિંદગી ‘તમારે લીધે જ’  બરબાદ થઈ ગઈ છે !

***

સાવ એવું પણ નથી કે તમારું કશું ‘ઉપજતું’ જ નથી.

- બજારમાં એક કિડનીના બબ્બે લાખ રૂપિયા ઉપજે છે ! બોલો.

***

સાવ એવું પણ નથી કે તમારી આ જિંદગીની યે કોઈ કિંમત નથી…

- કોઈ જીવન-વીમા એજન્ટને મળી જોજો. તમને નવાઈ લાગશે !

***

સાવ એવું પણ નથી કે તમને તમારા ગ્રહો નડે છે..

- મોટે ભાગે તો ટ્રાફિકમાં ઘૂસી જતી રીક્ષાઓ જ નડે છે !

***

સાવ એવું પણ નથી કે તમને કોઈ ગાંઠતું નથી…

“હડે… હડે…” કરવાથી કૂતરાં ભાગી જાય છે ! ટ્રાય કરી જોજો.

***

સાવ એવું પણ નથી કે અંગ-કસરતોના દાવ જોવાનો કંટાળો આવે છે.

- લોકો પોર્નોગ્રાફી પણ જોતા હોય છે !

***

સાવ એવું પણ નથી કે આફતની વેળાએ કોઈ સાથ નથી દેતું…

- લગ્નમાં અણવર તમારી સાથે જ હોય છે !

***

સાવ એવું પણ નથી કે લગ્ન પછી પુરુષોના જલસા બંધ થઈ જાય છે….

- લગ્ન પછી પત્ની ક્યારેક પિયર પણ જાય છે !

***

સાવ એવું પણ નથી કે જીવનમાં દરેક યાતનાનો ક્યારેક અંત આવે છે…

ટીવીમાં ‘કુમકુમ ભાગ્ય’ પછી ‘કુંડલી ભાગ્ય’ શરૂ થાય છે !

***

સાવ એવું પણ નથી હોતું કે તમારી ગેરહાજરીમાં લોકો તમારી નિંદા કરતા હોય…

- અમુક લોકો તમને મોં ઉપર જ ચોપડાવી દેતા હોય છે !

***

સાવ એવું પણ નથી કે તમે thankless કામો જ કરી રહ્યા છો…

- જીતી ગયા પછી નેતાઓ તમારો આભાર માને છે !

***

સાવ એવું પણ નથી કે હંમેશાં રાહુલ ગાંધી બચી જાય છે…

- પરેશ ધાનાણીનું રાજીનામું પણ રિજેક્ટ થાય છે !

***

સાવ એવું પણ નથી કે હાસ્ય લેખો વાંચીને હસવું આવવું જરૂરી છે…

- ક્યારેક આવું બધું વાંચવાથી ‘બિન-જરૂરી’ હસવું પણ આવી શકે છે !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments