આ વર્લ્ડ કપમાં સૌથી જોવાલાયક હોય તો એ અલગ અલગ પ્રકારના પ્રેક્ષકો છે ! તમે જોજો....
***
ઇન્ડિયાના પ્રેક્ષકો તો જાણે અહીં મેળો લાગ્યો હોય એમ નાચતા-કૂદતા જ દેખાયા હોય છે.
નિશાળમાં ફેન્સી ડ્રેસની કોમ્પિટીશન હોય ત્યારે કેવાં કેવાં વિચિત્ર પાત્રો જોવા મળે છે ? આપણા દેશી પ્રેક્ષકો મેચ જોવા નહિ, ફેન્સી ડ્રેસ બતાડવા આવ્યા હોય એ રીતે આવે છે...
કોઈ ડાચાં રંગી નાંખે છે, કોઈ માથામાં વિચિત્ર ટાઈપની વિગ પહેરે છે, કોઈ પાઘડી, કોઈ ટોપી, કોઈ લુંગી તો કોઈ ધોતિયાં પહેરીને આવી પહોંચે છે.
- જ્યારે બ્રિટનના પ્રેક્ષકો ?
જાણે કોઈના બેસણામાં આવ્યા હોય એમ ઝાંખા આછા પેન્ટ ટી-શર્ટ પહેરીને બેઠા હશે. ડાચું તો એવું સિરિયસ રાખશે કે જાણે અહીં સાહિત્ય પરિષદનું કોઈ સંમેલન ચાલી રહ્યું છે !
- અને જ્યારે ચોગ્ગો છગ્ગો વાગે ત્યારે ?
ત્યારે આપણા દેશી પ્રેક્ષકો એવા ઉછળી પડે છે જાણે બધાને એક-એક કરોડની લોટરી લાગી ગઈ હોય !
આવે વખતે બ્રિટનના પ્રેક્ષકોને જોજો... જાણે હમણાં કોઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ફાળામાં કોઈએ ‘માત્ર એકાવન રૂપિયા’ નોંધાવ્યા હોય !
બરોબર માપીને 'બાર' તાળીઓ વગાડશે ! પછી પાછા અદબ વાળીને, ગાલ ઉપર આંગળી અડાડીને બેસી જશે !
જાણે હવે સાહિત્ય પરિષદના સંમેલનમાં “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યાકરણની મિમાંસા” જેવા અઘરા વિષય ઉપર નવું ભાષણ શરૂ થવાનું હોય !
- અચ્છા આપણા બોલરે જ્યારે સામેની ટીમના પ્લેયરને ક્લિન બોલ્ડ કર્યો હોય ત્યારે ?
- ત્યારે આપણા દેશીઓની તમામ છાતીઓનાં માપનો સરવાળો કરો તો કમ સે કમ ૫૬000 ઇંચ તો થઈ જ જાય !
આપણા દેશીઓ હવામાં મુક્કાબાજી કરી નાંખશે, ડોળા કાઢીને એવી ત્રાડો પાડશે કે હમણાં જ હિન્દી ફિલમના ખતરનાક વિલનનાં પોતે ટુકડે ટુકડા કરી નાંખ્યા હોય !
એ તો ઠીક, પણ આપણી ટીમની વિકેટ જાય ત્યારે ? કેવો સન્નાટો છવાઈ જાય છે ?
- આવે વખતે બ્રિટીશરોને જોજો, પોતાના બેસ્ટ ખેલાડીની વિકેટ પડી હોય તો પણ ગણીને છ સાત તાળીઓ, માથું હલાવતાં એવી રીતે પાડશે કે બકા, તારો ‘બાળ-નિબંધ’ પણ સારો હતો !
- ઓયે ગોરે લોગોં.... કભી હંસ ભી લિયા કરો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment