જે ફાધરને યુવાન સ્ક્રીપ્ટ-રાઈટરો હિન્દી ફિલ્મોની પટકથાના ‘બાપ’ માને છે, તે સલીમ-જાવેદની જોડીવાળા સલીમ ખાનનો દિકરો સલમાન ખાન જ્યારે કોઈ દક્ષિણ કોરિયન ફિલમનો રિ-મેક બનાવે... અને ફિલ્મનું નામ પણ ‘એન ઓડ ટુ ફાધર’ (પિતાને સમર્પિત કાવ્ય) હોય... ત્યારે એ ફિલ્મ કેવી બનવી જોઈએ ?
- આવા અઘરા સવાલો નહીં પૂછવાના ! કેમ કે ફિલ્મ ‘ભારત’માં ‘ઓડ’નું ‘ચોડ’ થઈ ગયું છે !
જરા વિચારો, ફિલ્મ જોયા પછી સલીમ ખાન અને સલમાન ખાન વચ્ચે શું વાતચીત થઈ હશે ?
***
સલીમ ખાન : અલ્યા, કમાલ છે ? દિલ્હીમાં તારા ફૂઆની ‘કરિયાણા’ની દુકાન છે અને તું એ દુકાનમાંથી
‘ધાબળા’ની ચોરી શી રીતે કરે છે ? ઉપરથી 1 રૂપિયાનો ધાબળો તું ચાર આનામાં વેચે છે ?
સલમાન : ડેડી, તમે સમજતા નથી. હકીકતમાં હું ચાર આનાનો ધાબળો ચાર રૂપિયામાં વેચું છું !
સલીમ ખાન : કઈ રીતે ?
સલમાન : સિમ્પલ. ‘ટ્યૂબલાઈટ’ પણ કોરિયન ફિલ્મની ચવન્ની છાપ કોપી હતી. આ ‘ભારત’ પણ એવી જ પાવલી છાપ કોપી છે... છતાં ટિકિટોના ભાવ જુઓ ? 300 રૂપિયાથી 700 રૂપિયા લીધા ને !
***
સલીમ ખાન : અલ્યા, ફિલ્મમાં તું કીધા કરે છે કે ભારત દેશની કહાણી એ જ તારી કહાણી છે, તો છેક 1947 થી 1967નો જમ્પ માર્યો એમાં ‘62માં ચીન સાથેની લડાઈ, ‘65માં પાકિસ્તાન સામેનું યુધ્ધ... એવું કશું આવ્યું જ નહીં ?
‘હું જ ભારત’,,, એવું કીધા કરે છે પણ દિલ્હીમાં એવા છતાં એકેય વાર લાલ કિલ્લો જોવા ય ના ગયો ? ચાંદની ચૉક પણ નહીં ? અને કુતુબમિનાર પણ નહીં ?
સલમાન : ડેડી, આવા અઘરા સવાલો ના પૂછો. દ. કોરિયામાં એવું બધું ના હોય તો હું આમાં ક્યાંથી લાવું ?
છતાં જુઓ, મારી બહેનને મારો દોસ્ત બિલકુલ જવાહરલાલ નહેરુ જેવો લાગતો હતો એવું ચોકઠું તો બેસાડ્યું ને ?
સલીમ ખાન : પણ કયા વરસમાં ? 1967માં ! ટોપા, જવાહરલાલ 1964માં ગુજરી ગયા હતા ! સાવ ઘરડા થઈ ને !
સલમાન : ડેડી, તમે મને ઈતિહાસની ટેકસ્ટ બુકમાંથી કેમ આવા સવાલો પૂછો છો ? શું તમે પણ ભાજપમાં જોડાઈ જવાના છો ?
***
સલીમ ખાન : બીજી એક વાત.. આખી ફિલમમાં તું ભારત... ભારતનું ઝડ્યા કરે છે પણ નોકરીઓ તો ભારતમાં કરતો જ નથી !
શરૂઆતમાં જે સરકસમાં સ્ટંટ કરે છે એ 'રશિયન' છે, પછી તો તું 'ખાડીના' દેશોમાં તેલ કાઢવા જાય છે અને છેલ્લે તું દરિયામાં છેક 'સોમાલિયા' જઈને ચાંચિયાઓ આગળ અમિતાભ બચ્ચનનાં ગાયનો ગાય છે !
સલમાન : ડેડી, તમે રહ્યા સ્ક્રીપ્ટ રાઈટર. એટલે તમને તો સ્ક્રીપ્ટ જ હીરો લાગે !
બાકી હીરો તો હું છું ને ? જુઓ, ખાડીના દેશોમાં મારા બહુ ચાહકો છે એટલે ગલ્ફ કંટ્રીઝ તો લાવવી જ પડે ! રશિયન સર્કસ એટલા માટે બતાડ્યું છે કે એવો ભવ્ય ફિલ્મી ઠાઠમાઠ ઇન્ડિયાના સરકસવાળા કરી જ ના શકે ! અને અમિતાભ બચ્ચન –
સલીમ ખાન : હા, અમિતાભનું શું ? મારી ‘જંજીર’ની સ્ક્રીપ્ટ વડે તો એ સુપરસ્ટાર બન્યો... એન્ગ્રી યંગ મેન બન્યો...
સલમાન : એટલે જ મેં એમને ડાન્સિંગ ઓલ્ડ મેન જેવા બતાડ્યા ! ડેડી, આમાં પ્રેરણા તમારી જ છે... એન ઓડ ટુ ફાધર ઓફ અભિષેક બચ્ચન !
સલીમ ખાન : (માથું ધૂણાવતાં) ટોપા, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે ? પણ હા, અભિષેકનું નામ લીધું એટલે યાદ આવ્યું..
તારી ફિલ્મમાં વારંવાર ‘એમ્પ્લોયમેન્ટ’ ઓફિસ બતાડી છે તો ત્યાં તારા બે બેકાર ભાઈઓ અરબાઝ અને સૌહેલને પણ બેઠેલા બતાડવા હતા ને ?
***
સલીમ ખાન : ચાલ સલમાન, એ બધું છોડ. મને એક વાત કહે, કે ફિલ્મની વચ્ચે અચાનક તેં ‘જનગણમન’ શા માટે જબરદસ્તીથી ઘુસાડ્યું છે ?
સલમાન : એ બહુ જરૂરી હતું ડેડી ! કારણ કે બિચારા જે પ્રેક્ષકો ઝોકાં ખાતાં ઊંઘી ગયા હોય તેમને ફરજિયાત ઊભા થઈ જવું પડે છે !
***
- મન્નુ શેખચલ્લી
Ha... Ha.... Ha...
ReplyDelete