પ્રધાનમંડળની વરણી થઈ ગઈ અને ખાતાંઓની સોંપણી પણ થઈ ગઈ. પરંતુ અમને લાગે છે કે ભાજપે હજી થોડાં નવાં ખાતાં ખોલવાની જરૂર છે…
***
દેશભક્તિ ખાતું
રાષ્ટ્રગીત, વંદેમાતરમ્ અને ભારત માતા કી જય પછી હવે આગળ વધીને થોડી નવી રીતો શોધવાનું કામ કરશે જેનાથી 'દેશપ્રેમીઓ' અને 'દેશદ્રોહીઓ'ની તરત જ ઓળખ કરી શકાય.
(નોંધ : આ ખાતાનાં કર્મચારીઓને 15 ઓગષ્ટ તથા 26 જાન્યુઆરીએ રજા મળશે નહિં.)
***
મંદિર નિર્માણ ખાતું
મંદિરના નિર્માણમાં જે કંઈ ગુંચવણો, અડચણો, મુશ્કેલીઓ તથા તકલીફો પડે છે તેને દૂર કરવા માટે આ ખાતું સતત ઝુંબેશો ચલાવ્યા કરશે.
(નોંધ : ખાતાની ઓફિસમાં દાખલ થતાં પહેલાં બુટ-ચંપલ બહાર ઉતારવાં પડશે.)
***
ભક્તિ ખાતું
ભગવાનના નહિ પરંતુ સાહેબના જે ભક્તો છે તેમને નૈતિક સપોર્ટ મળતો રહે તથા 'વૈચારિક પ્રોટેક્શન' મળતું રહે તેની વ્યૂહરચનાઓ ઘડશે.
(નોંધ : માત્ર ભારતમાં નહિ, આ ખાતાની શાખાઓ વિદેશોમાં પણ ખોલવામાં આવશે, NRI ભક્તોના લાભાર્થે.)
***
વતન-વાપસી ખાતું
વિજય માલ્યા જેવા સજ્જનો જે તમામ દેવું ચૂકવીને ભારત પાછા આવવા માટે તત્પર છે, તથા નીરવ મોદી જેવા સજ્જનો જેને પાછા સ્વદેશ આવવામાં વિદેશની કોર્ટો નડે છે તે સૌનું ભારતમાં ભવ્ય સ્વાગત કરનારું ખાતું.
(નોંધ : તમામ જેલોમાં હાઈ-ફાઈ સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી પણ આ ખાતાની રહેશે.)
***
પક્ષપલટા વિભાગ (સ્વતંત્ર હવાલો)
બિન-ભાજપ સરકારના નેતાઓનો પક્ષપલટો તથા હૃદયપલટો કરાવીને ભાજપમાં લઈ આવવાનું આ કામ સ્વતંત્ર હવાલાથી થશે, તેથી તેની કોઈ ઓફિસ હશે નહિ.
(નોંધ : આ કામ માટે વિવિધ રિસોર્ટ્સની જરૂર છે. સીલબંધ કવરમાં ઓફરો આવકાર્ય છે.)
***
ન ખાતું, ન ખાવા દેતું ખાતું
વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ કામ કરનારા ખાતાના કર્મચારીએ દર અગિયારસે ઉપવાસ તથા દર મંગળવારે એકટાણું કરવાનું રહેશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment