12 સાયન્સનું પ્રેક્ટિકલ પ્રશ્નપત્ર ...


લો, એન્જિનિયરીંગ કોલેજોની ખાલી પડતી સીટો ભરવા માટે હવે 12 સાયન્સના પેપરમાં 50 ટકા પ્રશ્નો ‘ઓબ્જેક્ટિવ’ ટાઈપના હશે. જેમાં વિદ્યાર્થીએ એકાદ જવાબ ઉપર માત્ર કુંડાળું જ કરવાનું હશે !

તો જુઓ, અમે પણ 12 સાયન્સનું એક હેતુલક્ષી પેપર કાઢ્યું છે…

***

જો એન્જિનિયરીંગનાં છ સેમેસ્ટરની ફી 8 લાખ ભર્યા પછી તમને માત્ર 10,000 રૂપિયાની નોકરી મળે, જેમાં ઈન્ક્રીમેન્ટ 7 ટકાથી વધારે ન હોય અને એજ્યુકેશનલ લોન 10 ટકાથી ઓછી ન હોય તો તમારી કોલેજની ફી કેટલા વરસે વસૂલ થાય ?

(A) પપ્પાને પૂછવૂં પડશે

(B) બેન્કમાં પૂછવું પડશે

(C) ગણિતના નહીં, સાયન્સના સવાલો પૂછો ને.

***

તમાકુના માવામાં મિક્સ કરવાનો ચૂનો પેસ્ટ સ્વરૂપે આવે છે પરંતુ તમાકુવાળા પાનમાં નાંખવાનો ચૂનો પાણીમાં પલાળીને રાખવામાં આવે છે, બન્ને પ્રકારના ચૂનામાં કયા પ્રકારના  ચૂનામાં કયા પ્રકારના કેમિકલ તફાવતો હોય છે ?

(A) કોર્સ બહારનો સવાલ છે

(B) પલાળેલો ચૂનો દાંતને વધારે સફેદ બનાવે છે

(C) ટ્યૂબવાળો ચૂનો બહાર કાઢ્યા પછી ટ્યૂબમાં પાછો નાંખી શકાતો નથી.

***

જો તલાટીની નોકરી માટે ગુજરાતમાં 7 લાખ અરજી આવે છે અને પોલીસ ભરતી માટે 9 લાખ ઉમેદવારો આવે છે તો તમે 12 સાયન્સ લઈને શું બનવા માંગો છો ?

(A) આનો જવાબ ટેક્સ્ટ-બુકમાં ક્યાંક છે પણ ટેક્સ્ટ-બુક વાંચી નથી.

(B) આનો જવાબ ગાઈડમાં ક્યાંક છે પણ ટ્યૂશન-સરે પાના નંબર લખાવ્યો નથી.

(C) 65000ની ફી લેતા પહેલાં સ્કૂલવાળા અમને આવો સવાલ કેમ નથી પૂછતા ?

***

જો વરસતો વરસાદ પવનને કારણે પૂર્વથી પશ્ચિમ દિશામાં 45 ડીગ્રીના ખૂણે પડતો હોય તેવા વખતે પશ્ચિમથી પૂર્વ દિશામાં જઈને રસ્તો ક્રોસ કરવામાં તમે દોડતાં દોડતાં જાઓ તો વધારે પલળી જાવ કે ધીમે ધીમે જાઓ તો વધારે પલળો ?

(A) વરસાદ બંધ થાય પછી ના જવાય ?

(B) છત્રી બોર્ડ તરફથી મળશે કે ઘેરથી લાવવાની છે ?

(C) સાચો જવાબ આપું, તો શું મ્યુનિસિપાલિટીમાં નોકરી આપશો ?

***

- મન્નુ શેખચલ્લી

 

Comments