અમુક ફિલ્મોને CULT MOVIE કહેવામાં આવે છે. CULTનો સીધોસાદો અર્થ થાય છે ‘સંપ્રદાય.’
આખી દુનિયામાં અમુક ફિલ્મો એવી હોય છે જેને સામાન્ય પ્રેક્ષકો તરછોડી ચૂક્યા છે છતાં અમુક ખાસ રસિયાઓને એ ફિલ્મમાં કંઈક એવું અદ્ભુત અનોખું તત્વ દેખાઈ જાય છે, જેના કારણે એ CULT MOVIE તરીકે ઓળખાવા લાગે છે.
ઈન્ડિયાનો સારો દાખલો લઈએ તો અમિતાભ બચ્ચનનું ‘અગ્નિપથ’ એમાં આવે. ભલે ફિલ્મ ફ્લોપ ગઈ, પણ બચ્ચનના ચાહકો માટે તો એ હજી અદ્ભુત ફિલ્મ જ છે ને ?
બસ, એ જ રીતે ‘ગુન્ડા’ પણ CULT MOVIE છે ! ફરક એટલો જ કે કોમેડીનો સ્હેજ પણ પ્રયાસ કર્યા વિના આ ફિલ્મ આપણને પેટ પકડીને હસાવી શકે છે.... (સવાલ ‘ટેસ્ટ’નો છે, બોસ.)
તો આવો, ‘ગુન્ડા’ ફિલ્મના રસદર્શનના આ બીજા લેખમાં આપણે તેની એક્શન સિક્વન્સોનું રસપાન કરીએ...
***
મિથુન (શંકર) નક્કી કરે છે કે તેણે હવે એક મિનિસ્ટર (વિલન)ને ખતમ કરવો જ પડશે.
મિનિસ્ટરની એક ડઝન કારોનો કાફલો સાઈરન વગાડતો જઈ રહ્યો છે.... વૂઉઉઉઉ.... વૂઉઉઉ... વૂઉઉઉ... મિથુન એક રીક્ષામાં ગન લઈને બેઠો છે. રીક્ષા રોડની સાઈડમાં ચોક્કસ ખૂણે ઊભી છે... કાફલો પસાર થાય છે... મિથુન ગનમાંથી ગોળી છોડે છે... ગોળી નિશાન ચૂકી જાય છે... કાફલો આગળ જતો રહે છે... વૂઉઉઉ... વૂઉઉઉ...
ત્યાં તો થોડે આગળ, રસ્તાની સાઈડમાં મિથુન એક બગડી ગયેલી સાઈકલની ચેઈન ચડાવવાનો ઢોંગ કરતો બેઠો છે !! (એ અહીં શી રીતે આવ્યો ? રીક્ષામાં?)
કાફલો પસાર થઈ રહ્યો છે... મિથુન શર્ટની પાછળથી ગન કાઢે છે... નિશાન તાકે છે... ગોળી છોડે છે... ગોળી નિશાન ચૂકી જાય છે... કાફલો આગળ જતો રહે છે.... વૂઉઉઉ વૂઉઉઉ...
ત્યાં તો મિથુન રસ્તાની સાઈડે એક લાઈટના થાંભલા પાછળ ઉભેલો દેખાય છે !!! (એ અહીં શી રીતે આવ્યો સાઈકલ ઉપર?) એવું બધું નહિ વિચારવાનું...
મિથુન ગોળી છોડે છે. નિશાન ચૂકી જાય છે પણ ગોળીથી મિનિસ્ટરની કારનું ટાયર ફાટી જાય છે... કાર ગબડી પડે છે. મિનિસ્ટર દોડે છે. મિથુન એની પાછળ દોડે છે. મિનિસ્ટર દરિયા કિનારે એક બોટની પાછળ જઈને સંતાય છે. મિથુન ત્યાં પહોંચીને ગન ધરી દે છે !
ત્યારે મિનિસ્ટર શું કહે છે, ખબર છે ? “શંકર મુઝે મત મારના !! મુઝે દેશ કી સેવા કરની હૈ !” લો બોલો...
***
બીજી એક ફાઈટ સિકન્વસ તો ‘ટોટલી સિનેમેટિક’ છે ! મિથુન એક 'લકડી ચિકના' નામના ‘દલાલ’ને મારવા માટે અડ્ડા ઉપર પહોંચે છે, પણ વેશ્યાઓનો આ અડ્ડો કેવો છે ?
આહાહા... કાથીની દોરડીવાળા ખાટલાઓ હવામાં જાડા જાડા દોરડાં વડે લટકી રહ્યાં છે ! દરેક ખાટલામાં એક કન્યા અને એક ગ્રાહક મજા કરી રહ્યા છે... ખાટલાઓ હિંચકાની માફક ડોલી રહ્યા છે...
એવામાં મિથુન આવીને પેલા દલાલને મારવા મંડે છે ! ફાઈટ દરમ્યાન બન્ને જણા એક ખાટલેથી બીજા ખાટલે ઠેકડા મારે છે... છતાં જોવાની વાત એ છે કે ખાટલામાં સૂતેલી કન્યાઓ નાસભાગ કરવાને બદલે સૂતાં સૂતાં લિજ્જતથી ફાઈટની ‘મઝા’ માણે છે !
ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં કદી તમે આવું ‘કાવ્યાત્મક’ મારામારીનું દ્રશ્ય નહિ જોયું હોય !
***
વધુ એક એક્શન...
બળાત્કારી અને ભ્રષ્ટ ઇન્સપેક્ટર 20 એમ્બેસેડરો લઈને ધસી આવે છે. દરેક કારની ઉપર લાલ રંગની લાઈટને બદલે લાલ રંગના પ્લાસ્ટિકના કપ છે !
પહેલાં એ કારો ટોળામાં આવે છે. મિથુનને બહુ દોડાવે છે. મિથુન પડી જાય છે. ત્યાં તો બધી કારો બે પેરેલલ લાઈનમાં ગોઠવાયેલી દેખાય છે !
તમામ કારના ચારે દરવાજા એની મેળે ખુલે છે ! પણ અંદરથી કોઈ નીકળતું જ નથી !
ત્યાં તો અચાનક ક્યાંકથી ચાર જણા ટેક્સી ડ્રાયવરના ડ્રેસમાં મોટાં મોટાં દાતરડાં લઈને ધસી આવે છે ! મિથુન જોડે ફાઈટ ચાલે છે એમાં પેલી કારો ઘડીકમાં ‘દોડે છે’ ઘડીકમાં
‘લાઈનસર’ ઊભી રહે છે તો ઘડીકમાં ‘ગોળાકારમાં’ ગોઠવાઈ જાય છે ! એની મેળે...
***
- આખી ફિલ્મનો પ્રોબ્લેમ એક જ છે. જો તમે સિરિયસલી જોશો તો માથું પાકી જશે પણ કોમેડી માનીને જોશો તો દિમાગ ફ્રેશ થઈ જશે ! બેસ્ટ ઓફ લક.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment