અદભૂત KITCH ક્લાસિક મુવી... ગુન્ડા !


તમે મિથુન ચક્રવર્તીની સુપર ક્લાસિકલ KITCH મુવી 
‘ગુન્ડા’ જોઈ છે કે નહિ ?

અરે યાર, ‘ગુન્ડા’ નહિ દેખા, તો ક્યા દેખા ? જુઓ ‘શોલે’ તો ઓલ ટાઈમ ગ્રેટ મુવી છે જ. અમે તો એની અડધો ડઝન વખત જુદા જુદા એંગલ વડે પેરોડી કરી ચૂક્યા છીએ પણ ગુન્ડા ?.... બૉસ, એ ફિલ્મ ખુદ એક પેરોડી છે !

KITCH કોને કહેવાય, જાણો છો ? જે કૃતિના સર્જકોએ પોતે બેહદ સિરિયસ રીતે એને ચીપ મસાલાથી ભરપુર બનાવી હોય છતાં એની ચીપનેસને લીધે જે કૃતિ ફની, કોમિક, સ્ટુપિડ અને બેહદ રીતે એન્જોયેબલ બની જતી હોય એને KITCH કહેવાય !

અને આ કંઈ સહેલું નથી ! એ તો તમે કાન્તિ શાહ નામના ડિરેક્ટરે બનાવેલી આ 1998 વાળી ફિલ્મ ‘ગુન્ડા’ જુઓ ત્યારે જ સમજ પડે.

ફિલ્મના સેટ જોરદાર, ફોટોગ્રાફી મસ્ત, એકશન ભરપૂર, મ્યુઝિક મસાલેદાર... ક્યાંય કચાશ નહિ, છતાં સાલી આખી ફિલ્મ ‘સિરીયસલી ફની’ બની જાય ! યાને કે તમે કરી રહ્યા છો ‘કંસાર’, થઈ જાય છે‘થૂલી’... છતાં એ ‘થૂલી’ જ મજેદાર લાગવા લાગે !

આમ તો ‘ગુન્ડા’ નાઈન્ટીઝના યંગ પ્રેક્ષકો માટે આજે ‘કલ્ટ’ મુવી બની ગઈ છે. (યુ ટ્યુબ ઉપર એને 1 કરોડ, 55 લાખ, 52 હજારથી વધારે વ્યુઝ મળી ચૂક્યા છે.)

‘ગુન્ડા’ના વખાણ કરવા બેસીએ તો આખી પીએચડી કરી શકાય તેમ છે છતાં શરૂઆત માત્ર તેના જબરદસ્ત ડાયલોગ્સથી કરીએ..

ફિલ્મનો મેઈન વિલન (મુકેશ રીશી) કહે છે “મેરા નામ હૈ બુલ્લા, મેં રખતા હું ખુલ્લા !”

બીજો એક વિલન કહે છે. “મેરા નામ હૈ પોતે, જો અપને બાપ કે ભી નહીં હોતે !”

વિલનની બહેનને બીજો કોઈ ગુંડો બળાત્કાર કરીને મારી નાંખે છે. વિલન બહેનની લાશ ખોળામાં લઈને રડવા જેવો થઈને (સિરીયસલી) કહે છે : “તો તૂ મર ગઈ ? લંબૂને તૂઝે લંબા કર દિયા ? માચિસ કી તિલી કો ખંભા કર દિયા ?”

બોલો, હદ છે ને KITCH પણાની ! અરે, આગળ સાંભળો... મિથુન ચક્રવર્તી વિલનના ભાઈને મારી નાંખે છે ત્યારે વિલન ભાઈની લાશને જોઈને સિરિયસલી કલ્પાંત કરતાં કહે છે “અભી તો તેરી ટ્યૂબ મેં લાઈટ આઈ થી, ઔર શંકરને તેરા ફ્યુઝ ઉડા દિયા ?”

શંકર (મિથુન)ની ધરપકડ થઈ જાય છે. નાલાયક ઇન્સપેક્ટર કહે છે “હાહાહા... જાતે થે જાપાન, પહોંચ ગયે ચીન ?”

જવાબમાં મિથુન (સિરિયસલી) કહે છે “તુને ગાના સુનાયા ? અબ શેર સુન... ભીગી હુઈ તિલ્લી કભી જલેગી નહી, ઔર તેરી મૌત કી તારીખ કભી ટલેગી નહીં !”

અરે, હદ તો ત્યારે થાય છે જ્યારે એક ચાલુ ટાઈપનો ગુન્ડો પોતાનો જીવ બચાવવા માટે મેઈન વિલન આગળ કરગરે છે : “મુઝે બચા લે... તેરે કો એઈડ્સ સે બચાને કે લિયે મૈં નિરોધ બન જાઉંગા ! ઔર ટોવેલ બનકર તેરી કમર સે લિપટ જાઉંગા !”

એક વાર વિલન મિથુનની પ્રેમિકાને જાહેરમાં પકડીને છેડતી કરતાં કહે છે “અબ તુ દેખેગી મેરે જુલ્મ કા હલ્લા, જબ મૈં તેરી નાક મેં પહનાઉંગા મેરી હવસ કા છલ્લા....”

એ તો ઠીક, પેલી હિરોઈન પણ છટપટાતી, તડપતી એ જ સ્ટાઈલમાં જવાબ આપે છે : “અરે, તૂ આદમી નહીં હૈ, તૂ હૈ કૂત્તે કા પિલ્લા !”

લો બોલો. એમ તો મિથુન પણ કંઈ ઓછો નથી. એ ગુન્ડાઓને ચેતવણી આપતાં લલકારે છે. “આજ એક તારીખ હૈ... ઉસ કે બાદ, દો... ચાર... છે... આઠ... દસ...! બસ !!” (ટુંકમાં દસ દિવસમાં તમારો ખેલ ખતમ. જરા ઉંચી શાયરી છે. સમજવામાં વાર લાગે.)

બશીરભાઈ બાબર નામના સંવાદ લેખકે એની કેરિયરનું શ્રેષ્ઠ કામ આ ફિલ્મમાં કર્યું હશે. એમની કલ્પના તો જુઓ ! એક વિલન કહે છે “લાશેં ઈસ તરહ ટપકેંગી, જૈસે નન્હે મુન્ને બચ્ચે કી ચડ્ડી સે સૂસૂ ટપકતી હૈ...ટપ....ટપ...ટપ...”
(તાલિયાં, ભાઈ !)

(અને શાંતિ રાખો. હજી આ ફિલ્મનાં બીજાં પાસાંનું અદ્ભૂત વિવરણ બાકી છે.)

- મન્નુ શેખચલ્લી

Comments