લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જે મિલકતો જાહેર કરે છે. એ વાંચીને નવાઈ નથી લાગતી ?
કોઈના હાથમાં માત્ર 20,000ની રોકડ છે. કોઈના ખાતામાં માંડ 2.5 લાખની રકમ જમા છે. કોઈ પાસે જમીન તો બહુ મોટી છે પણ કાર એકેય નથી !
આવું બધું ‘એડજસ્ટમેન્ટ’ માત્ર અનુભવથી જ આવડતું હોય છે ! જુઓ એક દ્રશ્ય…
***
ત્રણ ઉમેદવારોની પત્નીઓ એક જગાએ ભેગી થઈ ગઈ. એક કહે છે :
“મારા હસબન્ડ તો યુનો, બહુ જ સિમ્પલ છે…”
ગળામાં પહેરેલો પ્લેટિનમનો ડાયમન્ડ નેકલેસ સરખો કરવાને બહાને હાથમાં પહેરેલી છ છ સોનાની બંગડીઓ અને આંગળીમાં મોંઘા નંગવાળી વીંટીઓ દેખાય એ રીતે તે આગળ કહે છે :
“યુનો, એમની પાસે ઓન્લી 15 થાઉઝન્ડની કેશ છે, બેન્કમાં ઓન્લી 1.5 લાખનું બેલેન્સ છે, 30 લાખનો બંગલો છે અને કાર તો છે જ નહિ…”
આ સાંભળીને બીજી પોતાના ગોળમટોળ શરીર પર સજાવેલો સોનાનો જાડો અછોડો, કમરમાં ખોસેલો ઝુડો, કાનમાં લટકતાં ભારે ડિઝાઈનવાળાં લટકણિયા અને કાંડે પહેરેલાં સોનાના જાડા પાટલા ઉપર ધ્યાન પડે એવા તમામ લટકાં કરતાં કહે છે :
“મારા એ પણ બઉ સાદા છે. હાથ પર ખાલી 7 હજાર રોકડા, બેન્કમાં ફક્ત 70 હજારનું બેલેન્સ, બંગલો ય નહીં ને ગાડી યે નહિં, ખાલી 50-60 લાખની જમીન… બોલો.”
આ સાંભળીને ત્રીજીથી ના રહેવાયું. તે બોલી ઊઠી.
“હાય હાય ! મારો ધણી તો જબ્બરજશ રૂપિયાવારો છ ! ઘરની તિજોરીમોં જ પચ્ચા-હાંઈઠ લાખ પડેલા છ ! બેન્કોમાં બાર-પંદર ખાતાં છે… નંઈ નંઈ તો પન્નર-વીશ કરોડનું બેલેન્શ, ને ઉપરથી પાંચ-હાત કરોડ તો બજારોમોં વ્યાજે ફરતોં હોય ! ઘેર તૈણ ઈમ્પોટેટ કાર છ, પચ્ચા એકર જમીન છ, પોંચ ટેકટર છ, તઈંણ ટ્રક છે, ને બાઈક-સ્કુટરીયોં તો ડઝનની ઉપર ખરોં જ…”
આ સાંભળતાં જ પેલી બે પત્નીઓની આંખો પહોળી થઈ ગઈ. રૂમમાં સન્નાટો…
પછી પહેલીએ ધીમેથી સ્માઈલ કરીને પૂછ્યું “તમારા હસબન્ડને પહેલીવાર ટિકીટ મળી છે?”
“હાસ્તો !”
“એટલે જ…”
બે જણીએ એકબીજા સામે જોઈને આંખો મિચકારી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment