પછી થ્રી ઈડિયટ્સનું શું થયું ?


“થ્રી ઈડિયટ્સ”ને એજ્યુકશન સિસ્ટમની બહુ ગ્રેટ ફિલ્મ માનવામાં આવે છે. “ગોખણપટ્ટી નહિ, પણ ક્રિએટિવ થિન્કિંગ” એવો એનો મેસેજ છે...

ઓકે. પણ રિયાલીટી શું છે ? જુઓ ‘થ્રી ઈડિયટ્સ પાર્ટ-ટુ’માં...

***

રેન્ચો યાને કે જિનિયસ વૈજ્ઞાનિક ફિન્શુક વાંગડુએ લદાખમાં એક સ્કુલ ચાલુ કરી હતી ને ? હવે જુઓ... ત્યાં ચાર સરકારી ઓફિસરો આવે છે...

“અહીંના પ્રિન્સિપાલ કોણ છે?”

“હું છું, કેમ ?” આમિરખાન કહે છે.

“અને ટ્રસ્ટી કોણ છે ?”

“એ પણ હું જ છું, કેમ ?”

“અમે શિક્ષણખાતામાંથી આવીએ છીએ. તમને અહીં નિશાળ ચાલુ કરવાની પરમિશન કોણે આપી ? તમારા સ્ટાફમાં કોણ કોણ છે ? અમારી જાણ મુજબ અહીંનો એક ટિચર એક જમાનામાં હજી કોઈ હોસ્ટેલમાં નોકરનું કામ કરતો હતો. એની પાસે કોઈ ડીગ્રી જ નથી ! અને મિસ્ટર ફિન્શુક વાંગડુ, તમે શું ભણ્યા છો ?”

“હું એન્જિનિયરીંગનો ગોલ્ડ મેડાલિસ્ટ છું. મારી પાસે વીરુ સહસ્ત્રબુધ્ધેની એસ્ટ્રોનોટ પેન છે.”

“પેન નહિ, સર્ટિફિકેટ બતાડો !”

આમિર ખાન ક્યાંકથી શોધીને સર્ટિફીકેટ બતાડે છે.

“વોટ નોનસેન્સ ! આમાં તો રણછોડદાસ ચાંચડનું નામ લખ્યું છે !”

“અરે સાહેબ, તમારે ડીગ્રીનું શું કરવું છે ? હું જિનિયસ છું. મેં કેટલી બધી શોધો કરી છે...”

“ઓ ભાઈ ! શોધ તો AK 47ની પણ કોઈકે કરી હતી. એટલે કંઈ એને નિશાળ ચલાવવા દેવાય? પરમિશન બતાડો !”

“પરમિશન તો મેં લીધી જ નથી કારણ કે હું તમારા સ્કુલ-બોર્ડના ગોખણિયા કોર્સિસ ભણાવતો જ નથી.”

“તો તો સ્કુલ જ બંધ કરવી પડે ! લો, આ નોટિસ ! 24 કલાકમાં જગા ખાલી કરો નહિંતર બુલડોઝર બોલાવવાં પડશે ! અને તમે ચૂપચાપ અમારી સાથે ચાલો...”

આમિર ખાનની ધરપકડ થઈ જાય છે અને સૌ જોતા જ રહી જાય છે...

***

અચ્છા, ફરહાન અખ્તર તો કોઈ ફોરેનના ફોટોગ્રાફર સાથે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવાનો હતો ને ? એનું શું થયું ? જુઓ...

ચાંદની ચોક એરિયામાં ફરહાન એક ઠાઠીયું સ્કુટર લઈને પ્રવેશે છે. હાલહવાલ ભિખારી જેવા થઈ ગયા છે. એને જોઈને અબ્બુ ચોંકી જાય છે.

“બેટે, જંગલ મેં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતે કરતે કૈસી હાલત બના ડાલી હૈ ? બડી બહાદુરી કા કામ કર રહે હો...”

“કંકોડાં બહાદુરી ?” ફરહાન રડવા જેવો થઈ જાય છે. “અબ્બા, પેલા ફોરેનના ફોટોગ્રાફરે તો મને દોઢ જ મહિનામાં કાઢી મુક્યો ! મને કહે, તેં બે ચાર ગલુડિયાંના ફોટા પાડ્યાં એમાં તું તારી જાતને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સમજી બેઠો છે?”

“અરરે... પછી ?”

“પછી શું ? મને તો કૂતરાં, બિલાડાં અને કાગડા સિવાય કશાના ફોટા પાડતાં આવડતું જ ક્યાં હતું ? જ્યં જ્યાં ગયો ત્યાંથી મને કાઢી મુક્યો ! અને અબ્બુ, તમે મને મોંઘો SLR કેમેરા લઈ આપેલો, પણ આજકાલ તો બાર-બાર વરસનાં ટેણિયાં પણ આઈફોન વડે મારા કરતાં ચકાચક ફોટા પાડે છે !”

“મગર બેટા, તુમ તો કુછ અલગ કરના ચાહતે થે ! ઐસા કામ નહીં મિલા?”

“મિલા થા ! એક ટીવી ચેનલવાળો મને કહેતો હતો કે જો તું જીવતા હાથીના પેટમાં ઘૂસીને ફોટા પાડી લાવે તો હું તને પાંચ લાખ અપાવું.... પણ મેં ના પાડી.”

“કેમ ?”

“હાથીના પેટમાં મોં બાજુથી નહીં, પાછળના રસ્તેથી અંદર જવાનું હતું !”

***

હવે રાજુ રસ્તોગીની હાલત જુઓ...

એ બિચારો બરબાદ થઈ ગયો છે. વકીલની ઓફિસે ધક્કા ખાઈ ખાઈને તૂટી ગયો છે. એની ઉપર ત્રણ ત્રણ કેસ ચાલે છે :

(1) કોલેજના ધાબેથી આત્મહત્યા કરીને કોલેજને બદનામ કરવાનો બદનક્ષી કેસ.

(2) યુનિવર્સિટીનું પેપર ફોડવાનો ક્રિમિનલ કેસ.

(3) પ્રિન્સીપાલના બંગલે એમની નેમ-પ્લેટ ઉપર પેશાબ કરવાનો અપમાન કેસ.

વકીલે એને કહે છે “ભાઈ, આત્મહત્યા જ કરવી હતી તો ખેડૂત બનીને કરવી હતી ને ! એન્જિનિયર બનીને આત્મહત્યા કરો એમાં સરકાર પણ શું મદદ કરે ?”

***
- મન્નુ શેખચલ્લી

Comments