નેતાજીની સેક્સી ક્લિપ ! (હાસ્ય કથા)


“આ શું છે ? કઈ સગલી છે તમારી ?”

નેતાજીને પત્નીએ જ્યારે લખોટા જેવડા ડોળા કાઢીને મોબાઈલ સામે ધર્યો ત્યારે જ એમણે એ વિડીયો ક્લિપ પહેલી વાર જોઈ !

જોઈને હલબલી જવાને બદલે નેતાજી બિચારા હિલોળે ચડી ગયા ! કારણ શું, કે ભોજપુરી ફિલ્મોમાં સેક્સી આઈટમ ડાન્સ કરનારી અને ‘એટમબોમ્બ’ના નામે જાણીતી મધુકરી મુંગા નામની અભિનેત્રી સાથે 45 વરસના કાળા સીસમ જેવા નેતાજી રંગરસિયાની માફક ડાન્સ કરતા નજરે ચડી રહ્યા હતા !

“સત્યનાશ...” આવું નેતાજીના મોંમાંથી નીકળવું જોઈતું હતું. એના બદલે એમના હોઠ બોલી ઉઠ્યા : “અઈ સ્સુસરી ! ઈ તો એટમબમ હૈ !”

“શું બોલ્યા ? તમે હમણાં શું બોલ્યા ?” નેતાજીના પત્નીએ વેલણને મિસાઈલની માફક ઉગામ્યું. ઘરમાં જ એર સ્ટ્રાઈક થઈ જાય એ પહેલાં નેતાજીએ સફેદ ઝંડી ફરકાવી દીધી :

“અરે... હમ તો ઈ બતિયા રહે થે કિ ઈ સુસરી કો હમ જાનતે તક નહીં ! અબ સાલી હમરી ઈલેક્સન કી ટિકિટ મેં તો એટમબમ હી ગિર ગયા ના?”

નેતાજીના પત્ની પણ શાણાં હતાં. પતિની ટિકિટ કપાય તો સીટ જાય. સીટ જાય તો વટ જાય. અને વટ જાય તો ઠાઠમાઠ પણ જાય. એમણે નેતાજીનો ખભો હલાવ્યો.

“ઈ જો ભી સુસરી હૈ ઉસ સે જિતના જલ્દી હો સકે નિપટ લો... ઔર ઈ ડાન્સવા કબ કિયે થે?”

નેતાજીનું દિમાગ એ જ વખતે ગૂંચવાયું હતું. આ એટમબોમ્બ જોડે પોતે ડાન્સ તો શું, ડાયલોગ્સ પણ નથી કર્યા ! તો પછી વિડીયો આવ્યો ક્યાંથી? નેતાજીએ પોતાના ચમચાઓને પાર્ટીના આઈટી સેલમાં દોડાવ્યા...

***

“નેતાજી, કૌનું બડે ચતુર ખિલાડીને આપ કો ઉ મધુકરી કે સંગ ચિપકાયા હૈ !” આઈટી સેલના એક્સપર્ટે વિડીયો તપાસીને ચૂકાદો આપ્યો.

નેતાજી બગડ્યા “અરે ? અઈસે કઈસે ચિપકા દિયે ? હમ તો ઉ મધુકરી કો કભી છૂએ તક નહીં !”

એક્સપર્ટે સમજાવ્યું કે સાહેબ ગયા વરસે જ્યારે તમે પેલી લોકલ ન્યુઝ ચેનલના હોળી-ધૂળેટીના રંગારંગ કાર્યક્રમમાં જરાક રીવાજ પુરતી ભાંગ પીને જે નૃત્ય કરેલું તેના વિડીયો ફૂટેજ ઉપર પેલી સેક્સી મધુકરીના ડાન્સનો વિડીયો કોઈએ કટિંગ કરીને ચિપકાવ્યો છે.

નેતાજીનો જીવ હેઠો બેઠો. ત્યાં તો પાર્ટી ઓફિસથી તાબડતોબ ફોન આવ્યો :

“મધુકરી સાથેનો વિડીયો બનાવટી છે તેવો ખુલાસો 24 કલાકમાં ન્યુઝ ચેનલમાં થઈ જવો જોઈએ ! એટલું જ નહિ, ખુલાસાની પ્રેસ કોન્ફરન્સમાં મધુકરી મુંગાને હાજર રાખવાની જવાબદારી પણ તમારી !”

***

એક તરફ તો દિમાગમાં ગુસ્સાના ગ્રેનેડ ફૂટી રહ્યા હતા ત્યાં બીજી તરફ નેતાજીના 45 વરસના આધેડ દિલમાં ગ્લેમરની ગોળીઓ વરસી રહી હતી...

જે મધુકરીને પોતે ‘ટચ’ પણ નથી કર્યો એ ‘એટમબોંબ’ સાથે મિટિંગ ફિક્સ થઈ હતી. મધુકરી જાતે, સામે ચાલીને નેતાજીના ફાર્મ હાઉસ ઉપર મળવા આવી રહી હતી...

બિચારા નેતાજી લગ્નની પહેલી રાતે ના થયા હોય એટલા નર્વસ થઈ રહ્યા હતા. મધુકરીના લગભગ પંચોતેર વિવિધ વિડીયો નેતાજીએ આગલી રાતનો ઉજાગરો કરીને જોઈ નાંખ્યા હતા.

એને આવકારવા માટે એનાં છ સુપરહિટ ગાયનોની લાઈનો ભેગી કરીને એક ડાયલોગ ખાસ લખાવડાવ્યો હતો. “આપ ‘ચૂટકી’ સે ‘ચિડીયા’ બનકર હમરે ‘હાર્ટ કે એરપોર્ટ’ પે ‘ટ્રેક્ટર’ ફિરા દઈ હો, અબ ‘440 કા ઝટકા’ તો ‘ઝહરીલી જ્વાલા’ હી ફૈલાયેગા ના ?”

પણ જેવી મધુકરીની એન્ટ્રી થઈ કે તરત નેતાજીની જીભ તાળવે ચોંટી ગઈ ! હકીકતમાં 44 વરસની મધુકરી, જે 34ની લાગતી હતી, તે નેતાજીને 24ની દેખાઈ રહી હતી...

એટમબોંબે અર્ધપારદર્શક શિફોન સાડીનો છેડો શરીર ફરતે તંગ કરતં નેતાજી સાથે જ્યારે હાથ મિલાવ્યા ત્યારે ‘440 કા ઝટકા’ નામના આલબમથી હિટ ગયેલી ડાન્સરે નેતાજીને 880 વોલ્ટનો ખતરનાક કરંટ મારી જ દીધો !

‘કહિયે, ક્યા લેંગી આપ ?’ એવું નેતાજી પૂછે એ પહેલાં જ મધુકરી બોલી “અરે ! આપ તો વહી મનુસરન હૈ ના! જો હમરે સંગ સ્કુલ મેં પઢા કરતે થે ?”

“સ્કુલ મેં ?” નેતાજી દંગ થઈ ગયા.

મધુકરી ખિલખિલ હસવા લાગી. “અબ શરમાના કૈસા નેતાજી ! તબ તો હમ ભી છોટી થી, ઔર આપ ભી નાદાન થે... આપ હમેં દૂર સે દેખા કરતે થે, પાસ સે દૌડ કે ગુજર જાતે થે, છૂપ છૂપ કર હમરા પીછા કરતે થે ઔર હમરી યાદ મેં ફિલ્મી ગાને ગાતે થે... શાયદ આપ ભૂલ ગયે, મગર હમ નહીં ભૂલે વો બચપન કા પ્યાર !”

નેતાજીને ગલગલિયાં થવા લાગ્યાં. “અરે ? જેને હું ગામડાની નિશાળમાં ડફોલની જેમ લાઈન મારતો હતો એ આ મીનુ તો નહીં ?”

નેતાજીનો ચહેરો ગલગોટાના ફૂલની માફક ખીલી ઉઠ્યો. “અરે ! તુમ હમરે ગાંવવાલી મીનુ હો ?”

“બિલકુલ સહી પકડે હૈં નેતાજી !” એમ કહીને મધુકરીએ નેતાજીનો હાથ પકડી લીધો. નેતાજીના દિલમાં તો ટ્રેક્ટરનો ધમધમાટ...

બસ, પછી તો શું ! નેતાજી પોતાના બાળપણમાં જે ભોળી નાજુક છોકરી ઉપર મુગ્ધ હતા તેના કિસ્સાઓ મધુકરી આગળ વાગોળવા માંડ્યા....

પોતે મીનુ માટે કેવા મીઠાં  બોર ચોરી લાવતા હતા, નહેરના પાણીમાં તરાવવા માટે મીનુ માટે સ્કુલની નોટનાં પાનાં ફાડી ફાડીને હોડીઓ બનાવી આપતા, મીનુની સાઈકલમાં પંચર પડે એટલા માટે પોતે જ એમાં ટાંકણી ખોસતા અને પછી મીનુને ખુશ કરવા માટે ગામમાં દોડીને સાઈકલવાળાનો હવા ભરવાનો પંપ લઈ આવતા, પછી હવા ભરવાને બહાને પોતાનાં બાવડાં બતાડીને મીનુને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતા...

“આહાહા...” નેતાજીની વાતો સાંભળીને મધુકરી પણ ઝુમી ઉઠી. “વો બચપન કી ક્યા માસૂમ પ્રીત થી, નહીં ?”

“- પણ હવે...” નેતાજીને ધરતી ઉપર પાછા આવ્યા વિના છૂટકો નહોતો.  

એમણે કહ્યું “મેડમ, બસ, પ્રેસ કે સામને એક સંયુક્ત નિવેદન દેના હોગા કિ આપ તો હમારી બચપન કી મુંહબોલી બહન કે સમાન હૈં... બાકી, રીશ્તા તો ફિર સે જુડ હી ગયા હૈ ?”

મધુકરીને પણ જરાય વાંધો નહોતો. બસ, એની એક જ શરત હતી કે પાર્ટીના પ્રદેશ પ્રભારી સાથે એક ડાયરેક્ટ મિટિંગ ગોઠવી આપો. પછી નિવેદન આપી દઈશ.

***

નેતાજી માટે તો આ ડાબા હાથનું કામ હતું.

મિટિંગ ફિક્સ થઈ ગઈ. પ્રદેશ પ્રભારીની એસી ઓફિસમાં મધુકરી 11 વાગે મળવા ગઈ. નેતાજી બહાર વેઇટિંગ રૂમમાં બેઠા. એમને એમ હતું કે 10-15 મિનિટમાં તો ફેંસલો આવી જશે પણ મિટિંગ એક કલાક લાંબી ચાલી...

આખરે જ્યારે મધુકરી એસી કેબિનમંથી સુગંધીદાર શીતલહરની જેમ બહાર નીકળીને નેતાજીને ‘બાય મનુજી...’ કહીને જતી રહી પછી પ્રદેશ પ્રભારીજી અંદરથી બહાર આવ્યા.

એમણે નેતાજીનો ખભો થાબડતાં કહ્યું “આપને પારટી કા બહોત બડા કામ કરવા દિયા ! મધુકરીજી હમારી પાર્ટી જોઈન કર કે ઈલેક્શન લડને કો રાજી હો ગઈ હૈં ! હમ ને ટિકિટ ભી દિલા દિયા !”

નેતાજી ડઘાઈ ગયા ! ‘મતલબ કે મેરા પત્તા કટ?’

હજી એ કંઈ બોલવા જાય એ પહેલાં પ્રભારીજી હસતાં હસતાં બોલ્યા “અરે, મધુકરી મેડમ તો હમારી બચપન કી સ્કુલ-સખી ગીતા નિકલીં ! દેખો ના, કિતના સુહાના સંજોગ હો ગયા !”

નેતાજીને હજી સમજાતું નહોતું કે સાલી મીનુ બાળપણમાં કેટકેટલી નિશાળોમાં કયા કયા નામે ભણી ચૂકી હતી ? 

.... કે પછી મધુકરી પ્રદેશ પ્રભારી જોડે સેઇમ ગેઇમ રમી ગઈ હતી ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

 

Comments