આખું પોલિટિક્સ ફિલ્મી થઈ જાય તો


જયાપ્રદા ભાજપમાં જોડાઈ ગયા. ઉર્મલા માતોન્ડકરે કોંગ્રેસમાં જઈને ટિકિટ લઈ લીધી. શત્રુઘ્ન સિંહાને પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી છે. સપના ચૌધરી નામની ભોજપુરી ફિલ્મોની ડાન્સરને પણ ટિકિટ મળવાની છે..

સાલું, જતે દડાહે પોલિટિક્સમાં જ્યાં જુઓ ત્યાં ફિલ્મસ્ટારો જ ઘૂસી જાય તો શું શું થાય ?

***

તમે કોઈ મહિલા મંત્રીને બંગલે બપોરે બે વાગે મળવા જાઓ તો એનો સેક્રેટરી આવીને કહેશે, “બૈઠીયે, મેડમ નહા રહી હૈ !”

***

મંત્રી મંડળની બેઠક 10 વાગે શરૂ થવાની હોય, બધા મંત્રીઓ 12 વાગે ભેગા થયા હોય.. CM સાહેબની રાહ જોવાતી હોય ત્યાં ખબર આવે :

“CM સાહેબનો હજી મેકપ ચાલી રહ્યો છે !”

***

પ્રેસ-કોન્ફરન્સમાં નેતાજી પધારી ચૂક્યા હોય (મેકપ સાથે) પણ કોન્ફરન્સ શરૂ જ ના થતી હોય... ત્યારે જાણ કરવામાં આવશે :

“નેતાજીના ડાયલોગ્સ હજી લખાઈ રહ્યા છે !”

***

રાહુલ ગાંધી જેવા વારંવાર બફાટ કરી નાંખનારા નેતાઓ માટે સહેલું થઈ જશે. BHEL ને બદલે BSNL બોલાઈ જાય તો કહેશે :

“સોરી, રિ-ટેક લઈ લો ને !”

***

- ચૂંટણી પ્રચાર વખતે બધા સ્લો-મોશનમાં ચાલશે !

- ગરીબો માટે સહાનુભૂતિ બતાડવા આંખમાં ગ્લિસરીનનાં ટીપાં નાંખીને રડશે.

- મેરેથોન દોડ જેવી ઈવેન્ટમાં પોતાના ડુપ્લીકેટને દોડાવશે !

- વિધાનસભામાં સામસામી મારામારી કરતાં પહેલાં ફાઈટ-માસ્ટરને પૂછશે : “હવે શું  કરવાનું છે ? ચંપલ ફેંકવાનું કે માઈક ?”

- ટીવીમાં સામસામી ચર્ચા વખતે વારંવાર કહેશે “યાર, સ્ક્રીપ્ટમાં જોઈ લો ને, મારે શું બોલવાનું છે?”

***

મહિલા નેતાને ચૂંટણી પ્રચાર વખતે સલાહ આપવામાં આવે કે તમે ગંગા નદીમાં સ્નાન કરો તો પ્રજાને ગમશે...

એ જ વખે મહિલા નેતાની મમ્મી બોલી ઉઠશે : “બેબી નહાયેગી, મગર એક્સપોઝ નહીં કરેગી !”

***

- અને અક્ષયકુમાર, સલમાન ખાન કે જોન અબ્રાહમ જેવા ફિલ્મસ્ટાર નેતાઓ જ્યાં ને ત્યાં શર્ટ ઉતારીને ‘એક્સપોઝ’ કરતા દેખાશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments