આઈપીએલ અને ચૂંટણીઓ ...


ડબલ ડબલ સિઝન એકસાથે ચાલી રહી છે. એક બાજુ આઈપીએલ ચાલી રહી છે તો બીજી બાજુ ચૂંટણીઓનો ધમધમાટ છે.

જોવાની વાત એ છે કે બન્નેમાં અમુક વાતો સરખી છે, છતાં અમુક વાતો જુદી છે !

***

આઈપીએલમાં ફિલ્ડિંગ ઉપર નિયંત્રણ હોય છે... માત્ર છ ઓવર માટે.

ચૂંટણીમાં ખર્ચ ઉપર નિયંત્રણ હોય છે.... માત્ર હિસાબમાં બતાડવા માટે !

***

આઈપીએલમાં ‘નો-બોલ’ પડી જાય તો સામેવાળાને ‘ફ્રી-હિટ’ મારવાનો ચાન્સ મળી જાય છે.

ચૂંટણીમાં પણ કંઈ ઊંધું-ચત્તું નિવેદન થઈ જાય તો સામેવાળા ચડી બેસે છે !

***

આઈપીએલમાં થર્ડ-અંપાયર 30 થી 50 સેકન્ડમાં એકશન રિ-પ્લે જોઈને આઉટ કે નોટઆઉટનો નિર્ણય આપી દે છે.

ચૂંટણીમાં ચૂંટણીપંચ માત્ર ફરિયાદ કરી શકે છે... કોર્ટમાં ફેંસલો આવતાં મહિનાઓ નીકળી શકે છે.

***

આઈપીએલમાં વચ્ચે બે વખત ‘સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ’ જેવી રિસેસ પડી જાય છે.

ચૂંટણીમાં રિસેસ તો છોડો, અડધી રાતે પણ સામસામી સ્ટ્રેટેજીઓ ઘડવાનું ચાલું રહે છે.

***

આઈપીએલમાં ખેલાડીઓના કરોડોમાં ભાવ બોલાય છે. એમની ખુલ્લેઆમ હરાજી થાય છે. હરાજી પહેલાં એમની કિંમત જાહેર થાય છે. કરોડો કમાતા ખેલાડીઓ લાખોનો ટેક્સ પણ ભરે છે....

ચૂંટણીમાં જરાક જ જુદું છે. અહીં ખેલાડીઓને એક ટીમમાંથી બીજી ટીમમાં ખેંચવા માટે ભાવ તો બોલાય છે, પણ ખાનગીમાં ! કિંમત સ્વરૂપે કાં તો ટિકિટ મળે છે કાં તો મંત્રીપદ !

વળી, ચૂંટણી પહેલાં ચૂંટણીના ખેલાડીઓ પોતાની મિલકત તો જાહેર કરે છે પણ ટેક્સ કેટલો ભરે છે એ ખબર પડતી નથી !

***

આઈપીએલમાં એક સમયે એક જ બોલર બોલિંગ કરે છે અને એક જ બેટ્સમેન સામનો કરે છે.

ચૂંટણીમાં આજકાલ બાવીસ બોલરો બાઉન્સર ફેંકી રહ્યા છે અને એક બેટ્સમેન સમજે છે કે આ જ એનો વટ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments