કહે છે કે દુનિયા એક પંખીઓનો માળો છે ! જોકે તમે ધ્યાનથી જુઓ તો રાજકારણમાં પણ તમને અનેક જાતના પંખીડાં જોવા મળશે....
***
રાજકારણના મોરલા
શોભાના ગાંઠીયા જેવા અને માત્ર સજાવટ ખાતર રાખેલા ફિલ્મ-સ્ટારો અને ક્રિકેટરો ‘મોરલા’ જેવા જ છે !
શત્રુઘ્ન સિંહા, નવજોત સિધ્ધુ, જયાપ્રદા, ઉર્મિલા માંતોડકર, ગૌતમ ગંભીર…. આવા બધા લોકો સભા સરઘસોમાં ભીડ ભેગી કરીને જાહેરમાં‘કળા’ કરીને તેનું પ્રદર્શન કરતા રહે છે.
બાકી અસલી મોરલાઓ ‘કળા કરીને’ ક્યાં ગાયબ થઈ જાય છે તેની કોઈને ખબર પણ પડતી નથી !
***
રાજકારણના કબૂતરો
એક સમયે કબૂતરો વડે ગુપ્ત સંદેશાઓની આપ-લે થતી હતી. આજે સામેની પાર્ટીમાંથી નેતાઓને તોડી લાવવા માટે આવા કબૂતરોની જરૂર પડે છે !
- અમુક કબૂતરો તો દલાલી પણ માંગે છે !
***
રાજકારણની કાબરો
આમાં બે પ્રકાર છે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ કાબરો અને બીજી જનરલ કાબરો...
ઈન્ટેલેકચ્યુઅલ કાબરોનો કલબલાટ તીવ્ર હોવા છતાં ગંભીર માનવામાં આવે છે. આવી કાબરો વિદેશમાં પણ વસે છે અને દેશી કાબરોના કલબલાટમાં યોગ્ય સમયે મમરો મુકીને અચાનક ઘોંઘાટ વધારી મુકે છે.
જનરલ કાબરો બિચારી ઘરના ઓટલે, ઓફીસની કેન્ટિનોમાં કે પાનના ગલ્લે કલબલાટ કરતી રહે છે.
***
રાજકારણના પોપટ
અમુક નેતાઓ પોતાની વાહ વાહ કરાવવા માટે લાખોની સંખ્યામાં પોપટ પાળી રાખવા લાગ્યા છે. આજકાલ આવા પોપટો ‘ટ્વીટર’ તરીકે ઓળખાય છે. આમાં ‘ફોલોઅર્સ’ (શ્રધ્ધાળુઓ)નું કામ નેતાના શબ્દોનું‘રિ-ટ્વીટ’ (રટણ) કર્યા કરવાનું હોય છે.
***
રાજકારણના સુડો-પોપટ
અમુક નેતાઓ પોતાના મહાન નેતાના ‘ટ્રુ-પોપટ’ હોય છે ! તો અમુક પોપટો જનરલી કોઈ નેતાને માનતા ન હોવા છતાં ‘સુડો-પોપટ’ બની જાય છે ! આમાં વિવિધ પ્રજાતિઓ છે. જેમ કે સુડો-સામ્યવાદી, સુડો-હિન્દીવાદી... વગેરે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment