ચૂંટણીપંચે મોદી સાહેબના જીવન ઉપરથી બનેલી ફિલ્મ તો રિલિઝ થતાં અટકાવી દીધી.
જોવાની વાત એ છે કે મોદી સાહેબની કહાણી કહેતી એક ‘વેબસિરિઝ’ તો ઓનલાઈન જોવાઈ પણ રહી છે.
વધારે જોવાની વાત એ છે કે અમુક ટીવી શોના નામો એવાં છે કે જાણે ચૂંટણીના માહોલ માટે જ બનાવ્યાં હોય…
***
ઝલક દિખલા જા…
આ ટીવી શોના કલાકારો એ નેતાઓ છે જેની પાંચ પાંચ વરસ સુધી પ્રજાને ‘ઝલક’ જ જોવા મળતી નથી !
એ સિવાય આ સિરિયલમાં બે મુખ્ય સ્ટાર છે. એક સોનિયાજી અને બીજાં પ્રિયંકાજી ! આ બન્ને કલાકારો પણ ચૂંટણી ટાણે જ ઝલક બતાડવા આવે છે…
***
રોડી’ઝ
MTV પર આવતો આ શો રોડ ઉપર ઓછો અને સ્ટુડિયોમાં વધારે હોય છે. પરંતુ ચૂંટણી વખતે ‘રોડી’ નેતાઓ, AC કેબિનમાંથી નીકળીને રોડ ઉપર ‘રોડ-શો’ કરવા ઉતરી આવે છે…
***
સાવધાન ઈન્ડિયા
આખા દેશને ‘સાવધાન’ કરી દેનારા અગાઉની ચૂંટણીઓના સુપરસ્ટાર ટી.એન. સેશાન હતા !
આજકાલ તો ચૂંટણીપંચના કોઈ સુપરસ્ટાર રહ્યા જ નથી. છતાં અમુક નેતાઓ EVMમાં ગોલમાલ થવાની છે એવી બૂમો પાડીને ઈન્ડિયાને ‘સાવધાન…! સાવધાન…!’ કરી ચેતવી રહ્યા છે.
- જો કે આ મામલે મોટાભાગનું ઇન્ડિયા ‘વિશ્રામ’ની પોઝિશનમાં છે !
***
ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ
આ ફેમસ ટીવી શોનું નામ સોશિયલ મિડિયામાં બિલકુલ ફીટ બેસે છે.
ફોટામાં કરામત, નકલી ન્યુઝ, બનાવટી ન્યુઝ-કટિંગ, બોગસ ઈતિહાસ, કપોળ કલ્પિત ગપ્પાં, ખોટી અફવાઓ… આ બધું ‘ક્રિએટ’ કરીને સોશિયલ મિડિયામાં વાઈરલ કરનારા ‘ટેલેન્ટેડ’ લોકોનો તોટો જ નથી !
***
જમાઈ હો તો ઐસા
અને જીજાજી છત પે હૈં
આ બે કોમેડી સિરિયલોનાં નામ કોની ઉપર ફીટ થાય છે એ કહેવાની જરૂર ખરી ?
***
બિગ બોસ
… અને આ સિઝનના રોમાંચક શોમાં બહુ લોકો ‘બિગ બોસ’ બનવાની સ્પર્ધામાં છે ! 23 મે 2019ના દિવસે શો પૂરો થશે, ત્યારે ખબર પડશે કે ખરેખરો બિગ બોસ કોણ છે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment