ડૂબતી એર લાઇન્સ બચાવવાના તુક્કા


‘જેટ એરવેય્ઝ’ બંધ પડી ગઈ. ‘એર-ઈન્ડિયા’ અબજો રૂપિયાની ખોટ કરે છે. અગાઉ ‘કીંગફીશર’ની હાલત પણ ખરાબ હતી.

અમે કહીએ છીએ કે બોસ, બંધ પડેલાં વિમાનોનો ઉપયોગ કરીને થોડી કમાણીઓ થાય એવા ધંધા ચાલુ કરોને ? જુઓ...

***

‘ગ્રાઉન્ડેડ’ કરી નાંખેલાં વિમાનોને ફરી ઉડાડવાની ક્યાં જરૂર છે ?

નાનાં નાનાં છોકરાંઓને આવાં વિમાનોમાં બેસાડીને એરપોર્ટનો ‘આંટો’મરાવો ! ચલોઓ... સો-સો રૂપિયા... સો-સો રૂપિયા...

***

‘એર-હોસ્ટેસ’ બનવા માટેના કોર્સ ચાલુ કરો ! એના ‘પ્રેક્ટિકલ્સ’ માટે આવાં બંધ પડેલાં વિમાનોમાં ક્લાસિસ ચાલુ કરો...

અરે, વીસ-પચ્ચીસ છોકરીઓ સૌની વચ્ચે ‘કેટવોક’ કરતી હોય એવો ‘ફાઈનલ ડીગ્રી પ્રોજેક્ટ’ રજુ કરીને સીટો ઉપર 500-700 રૂપિયા લઈને પ્રેક્ષકોને બેસાડો ને !

***

અચ્છા, વિમાનના પંખા તો હજી ચાલુ છે ને ? તો ચોમાસામાં ભીનાં કપડાં સૂકવવા માટે ધોબીઓને પંખા ભાડે આપો !

***

અરે, ખારીશીંગના ઉત્પાદકો જોડે પણ ડીલ થાય... પંખા ચાલુ કરીને ખારી શીંગનાં ફોતરાં ઉડાડી આપવાનાં !

***

જે વિમાનો હજી ઊડે છે એમાં કમાણી વધારવી હોય તો...

સૌથી પહેલાં તો અત્યારે જે સાવ ફીક્કું, સ્વાદ વિનાનું ખાવાનું આપો છો એના બદલે ગરમા ગરમ સમોસા, ચટાકેદાર દિલ્હી ચાટ, મેથીના ભાજીના તીખા ગોટા, મસ્ત મસાલેદાર ભાજીપાંવ એવું બધું આપવાનું ચાલુ કરો ને !

અમદાવાદથી મુંબઈના પેસેન્જરો તો આ બધું ખાવા માટે જ ટ્રેનને બદલે ફ્લાઈટમાં જતા થઈ જશે !

***

અચ્છા, કંઈ જરૂરી છે કે જેટલી સીટો હોય એટલા જ પેસેન્જરો લેવાના?

યાર, લકઝરી બસોની જેમ વચ્ચે સ્ટુલ ગોઠવીને પેસેન્જરોને બેસાડોને !

***

અને, આવી સાંકડી સીટો રાખવાની રાખવાની કંઈ જરૂર ?

યાર, સીટો કાઢીને ગોદડાં-ગાદલાં બિછાવી દો ને ? ઉપરથી પેસેન્જરોને‘બાટલી’ અને ‘મન્ચિંગ’ આપી દો !

- બોસ, છેક લંડન લગી જનારા દેશી પેસેન્જરો રોજે રોજ મળી જશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments