શું કાળઝાળ ગરમી પડી રહી છે...
આવી ગરમીમાં જ્યાં નોર્મલ લોકોની બુધ્ધિનું બાષ્પીભવન થઈ જાય,ત્યાં બુધ્ધિના લઠ્ઠ જેવા લલ્લુ-બલ્લુ શું કરતાં હશે ?
સાંભળો એમની ગરમા ગરમ જોક્સ...
***
લલ્લુ : ગઈકાલે તો બેંતાળીસ ડીગ્રી પડી.
બલ્લુ : તો એમાંથી તેં કઈ લીધી ? બીએસસી કે બીકોમ?
***
લલ્લુ : આટલી બધી ગરમી કેમ પડતી હશે ?
બલ્લુ : (વિચાર કરે છે)
બલ્લુ : (હજી વિચાર કરે છે)
બલ્લુ : (ખુબ વિચાર કરે છે)
બલ્લુ : (ઊંડો વિચાર કરે છે)
બલ્લુ : (લાંબો વિચાર કર્યા પછી કહે છે) આ તો ઉનાળો છે ને, એટલે...
***
લલ્લુ : આ ગરમી ક્યારે ઓછી થશે ?
બલ્લુ : (વિચાર કરે છે.)
બલ્લુ : (હજી વિચાર કરે છે.)
બલ્લુ : (ખૂબ વિચાર કરે છે)
બલ્લુ : (ઊંડો વિચાર કરે છે)
બલ્લુ : (લાંબો વિચાર કર્યા પછી કહે છે).... સાંજે...
***
લલ્લુ : બપોરના સમયે પારો કેમ ઉપર જાય છે ?
બલ્લુ : તો બીજું કોણ ઉપર જાય ? ચંદ્રમુખી તો રાતે આવે...
***
લલ્લુ દોડતો દોડતો બલ્લુ પાસે આવ્યો. આવીને ખૂબ ઉત્સાહથી કહેવા લાગ્યો...
લલ્લુ : બલ્લુ બલ્લુ ! મને બરફની ફેકટરીમાં નોકરી મળી ગઈ !
બલ્લુ : (ઠંડકથી) હવે તારે મહિને કેટલા રૂપિયા આપવાના થશે ?
***
બલ્લુ લલ્લુ કરતાં હોંશિયાર નીકળ્યો.
એક દિવસ એ બરફની ફેકટરીએ જઈને આખી બરફની પાટ ખરીદીને ઘરે લઈ આવ્યો.
પણ ઘરે પહોંચતાં પહોંચતાં બરફની પાટ સાવ નાની ઈંટ જેવી થઈ ગઈ ! કેમ ?
- કારણ કે બલ્લુ એને રસ્તે ધક્કા મારીને ઘરે લઈ ગયો હતો.
***
લલ્લુ : આ કોંગ્રેસ ડોબી છે.
બલ્લુ : કેમ ?
લલ્લુ : બપોરે ગરમીમાં રસ્તાઓ અને દુકાનો બંધ થઈ જાય છે...
બલ્લુ : તો ?
લલ્લુ : લાગ જોઈને ‘ગુજરાત બંધ’નું એલાન કરીને ક્રેડિટ લઈ લેવી જોઈએ ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment