ગુજ્જુ ટુરિસ્ટોની આદતો !


લો, વેકેશનની સિઝન ચાલુ થઈ ગઈ. આપણા ગુજરાતીઓ આખી દુનિયામાં ઠેર ઠેર ફરવા માટે પહોંચી ગયા હશે.

ઈન્ડિયામાં તો ટુરિસ્ટોની સંખ્યામાં ગુજરાતીઓ નંબર વન છે. પરંતુ, તમે માર્ક કરજો, આપણી ખાસ ખાસિયતો છે…

***

ફરવા માટે સ્વીટ્ઝરલેન્ડ ગયા હોઈએ કે મહાબળેશ્વર, પણ જોડે નાસ્તા માટે થેપલાં, ખાખરા અને ફરસાણ તો હોય જ !

***

દરિયા કિનારે ફરવા જવાનું હશે તોય આપણાં ગુજરાતી બહેનો સાડી પહેરીને નીકળશે !

***

ગુજ્જુભાઈઓની ફાંદ વધી ગઈ હોય તોય ટી-શર્ટો પહેરશે અને ઘુંટણના દુઃખાવાને કારણે પગ પહોળા રાખીને ચાલતા હશે તોય બર્મુડા ચડ્ડો પહેરીને ફરશે !

***

સરસ મઝાનું ફૂલ ફૂલની ડિઝાઈનવાળું મોંઘુ શર્ટ, મસ્ત હલકાં ફ્લોટર્સ સ્લીપ્રસ, સ્ટાઈલિશ બર્મુડા, રે-બેનના ગોગલ્સ, હાથમાં મોંઘો મુવી કેમેરા… બધું જ હોય છતાં ગરમીથી બચવા માટે ભાઈ માથે ભીનો કરેલો નેપકીન રાખીને ફરતા હોય !

***

કાશ્મીરના પહાડો ઉપર થતો સ્નો ફોલ જોવા માટે સવારે ઉઠીને, તૈયાર થવામાં, સરસ કપડાં પહેરવામાં, મેકપ કરવામાં જ એટલો બધો ટાઈમ લગાડશે કે પહાડો પાસે પહોંચે ત્યારે તડકો માથે ચડી ગયો હોય !

***

સ્નો-ફોલ ના જોવા મળ્યો તો વાંધો નહિ, પણ હોટલના રૂમમાં ગોઠવેલા ટીવીમાં ‘દાણા’ કેમ પડે છે એની ફરિયાદો જરૂર કરશે !

***

ચારે બાજુ બરફીલા પહાડોનું રમણીય સૌંદર્ય ફેલાયેલું હોય તોય ગાઈડને પૂછશે : “અહીં જોવા જેવું શું છે ?”

***

જિંદગીમાં કોઈ દહાડો સાઈકલ સવારી કરવાનું ના શીખ્યાં હોય એવાં બહેનોને માથેરાનમાં અચાનક ઘોડેસવારી શીખવાનું મન થશે !

***

…. અને જ્યાં જઈએ ત્યાં આ ત્રણ વસ્તુઓ અચૂક માંગવાની…. “એકસ્ટ્રા ચટણી” “સ્પેશીયલ ડિસ્કાઉન્ટ” અને “છુટ્ટા !

***

- મન્નુ શેખચલ્લી

Comments