વોટિંગની અફર આગાહીઓ !


આજે આખા ગુજરાતમાં મતદાનનો દિવસ છે. સાંજ પડ્યે આંકડો પણ આવી જશે કે આટલા ટકા મતદાન થયું...

એ તો ઠીક, પણ કોંગ્રેસ તથા ભાજપ બન્નેના કાર્યાલયોમાં ‘આપણી તો આટલી બેઠકો તો આવશે જ !’ એવી આગાહીઓ પણ થવા માંડશે !

આ સીન જોઈને અમે પણ કેટલીક આગાહીઓ કરી રહ્યા છીએ.... જે ‘અફર’ છે !

***

આગાહી – 1

દર વખતની જેમ આ વખતે પણ મોટા ભાગના મતદારોને પોતાની સીટના મુખ્ય ઉમેદવારોનાં નામ પણ ખબર નહિ હોય !

***

આગાહી – 2

દર વખતની જેમ આ વખતે પણ લોકો વોટિંગ કરી આવ્યા પછી ટપકાંવાળી આંગળી બતાડીને પોતાની સેલ્ફીઓ ફેસબુકમાં મુકી દેશે.

***

આગાહી – 3

પરંતુ અમુક બહેનો ‘પેલું કાળું ટપકું શી રીતે લૂછાઈ જાય ?’ એ માટે ગુગલમાં સર્ચ કરશે, બહેનપણીઓને ફોનો કરશે, આંગળી ઉપર વોટિંગ પહેલાં વેસેલિન લગાડશે. વોટિંગ પછી ‘નેઈલ પોલીશ રિમૂવર’ વડે કાળું ટપકું લુછવાની ટ્રાય કરશે...

... અને જો ટપકું લૂછાઈ જશે તો એવી આંગળીવાળી સેલ્ફી ફેસબુકમાં તો હરગિઝ નહીં મુકે !

***

આગાહી – 4

એ જ બહેનોમાંથી જેની આંગળી ઉપરથી ટપકું સાફ થઈ ગયું હશે તે ફેસબુકમાં ‘વોટિંગ સેલ્ફી’ મુકવા માટે આંગળી ઉપર સ્કેચ-પેન વડે ટપકું કરી લેશે !

***

આગાહી 5 થી 10

- મોટેભાગના મતદારોને મનમાં થશે “બસ પતી ગયું ?”

- મોટેભાગના ભાડૂતી કાર્યકરો મનમાં હિસાબ ગણશે ‘આ વખતે કેટલાની રોકડી થઈ ?’

- મોટેભાગના વફાદાર કાર્યકરો મનમાં હિસાબ ગણશે. ‘આ વખતે ખિસ્સાના કેટલા મુક્યા ?’

- મોટેભાગના ટીવી એક્સપર્ટો તથા ઓટલા એક્સપર્ટોને અપાતા ભાવ બંધ થઈ જશે.

- મોટેભાગના મતદારો 23મેની રાહ જોશે.

- છતાં મોટેભાગના મોદી ભક્તોના મેસેજો ચાલુ હશે... “આવવાનો તો મોદી જ!”

***

- મન્નુ શેખચલ્લી

Comments