હિટ કહેવતો... ચૂંટણી ટાણે ફીટ !


આક્ષેપ, રદિયો, બફાટ, લોચો, દગો, પલટો, દોસ્તી, દુશ્મની, નાટક, નૌટંકી, ભવાડો, ભભકો... શું શું નથી આ 2019ની ચૂંટણીઓમાં !

જોવાની વાત એ છે કે એક સમયની જુની હિટ કહેવતો આજે પણ ક્યાંક ને ક્યાંક ફીટ બેસતી આવે છે...

***

કોંગ્રેસના ઉમેદવારોની યાદી :

ઢકેલ પંચા દોઢસો

ભાજપના ઉમેદવારોની યાદી :

ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ને ઉપાધિયા ને આટો....

***

કોંગ્રેસના બળવાખોર :

જાગ્યા ત્યાંથી સવાર !

ભાજપના બળવાખોર :

દોરડી બળે પણ વળ ના જાય !

***

દિગ્વિજય સામે પ્રજ્ઞા ઠાકુર :

કાંટાથી જ કાંટો નીકળે

આપ-કોંગ્રેસનું ગઠબંધન ના થયું :

ટાઢા પાણીએ ખસ ગઈ...

***

લાલકૃષ્ણ અડવાણી :

રાઈના ભાવ રાતે ગયા

મુરલી મનોહર જોષી :

ન બોલ્યામાં નવ ગુણ

શત્રુઘ્ન સિંહા :

ખેંચ-પકડ મુઝે જોર આતા હૈ

નવજોત સિધ્ધુ :

લાલો લાભ વિના લોટે નહિ

***

મુલાયમ-માયાવતીનું મિલન :

ખેલ હૈ, તબ તક મેલ હૈ

પાર્ટીઓનું ગઠબંધન :

આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

***

કોંગ્રેસનો પ્રચાર :

જુઓ, હથેળીમાં ચાંદ !

ભાજપનો પ્રચાર :

એકડા વિનાનાં મીંડા નકામાં !

***

મમતાજીની વાણી :

એક તો કારેલું, ઉપરથી લીમડે ચડ્યું !

રાહુલજીના બફાટ :

કરવા ગયા કંસાર, પણ થઈ ગઈ થૂલી !

મોદીજીનો હુંકાર :

મારે મીર, અને ફૂલાય...

***

- મન્નુ શેખચલ્લી

Comments