કવિને કષ્ટ થઈ ગયું ! ( હાસ્ય કવિતા)


વાહ વાહ ચાર જ મળી

દૂબારા નહીં એક

એમાં તે કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

તાળી તો ખાસ્સી ત્રણ

અને હૂટિંગ માત્ર એક

એમાં તે કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

દર્દ છે દિલને

દુઃખ છે બદનને,

પ્યાર છે કાતિલ

દોસ્ત છે શાતિર,

ઘાવ છે ઊંડા

ચીસો છે તીણી,

પીડાઓ ચીરીને

લોહી જે વહેતું...

આ બધું ગઝલમાં

કવિએ હસતાં

ગાઈ તો લીધું.... પણ

એક જુતું ઉછળી

જ્યાં મંચ ઉપર પડ્યું...

એમાં કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

દરિયાઓ ઉલેચવા

રણને ભીડવી બાથ,

સૂર્યના ટુકડા કરી

ચંદ્ર પર ઓવારવા,

પથ્થરો છાતી ઉપર

વાવાઝોડાં શ્વાસમાં,

ઝેર કંઈ જીવમાં લઈ

આકાશે ફંગોળવા,

આવા કૈંક કામો

કવિતામાં પાર પાડી

કવિ જરા નિરાંતે

બેઠા ઓફિસે, ત્યાં

બોસે ચીંધ્યું કામ...

ફાઈલ ક્યાં છે, લાવો ?

એમાં તો કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

સાત સમંદર પારે

પાતાળો પામી પામી,

સ્વર્ગના અંતરોને

નર્કોમાં ધસી જઈ,

પ્રકાશના પડઘાની ગતિ

ચરણે ધરી લઈ,

જોજનોની યાત્રા

બે પળમાં કરી લઈ,

કવિએ કૃતિ બનાવી...

પણ મુશાયરાના રસ્તે,

બગડ્યું જરી જો સ્કુટર...

એમાં તો કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

ભલે બીજાઓ ફેમસ

ભલે બીજાઓ મોટા,

ભલે બીજાનાં કવર

એમનાથી થોડાં જાડાં,

ભલે બીજાના નામો

બબ્બે વાર લેવાતાં,

ભલે બીજાની પંક્તિ

શ્રોતાઓ બોલી જાતા,

ભલે બીજાઓ એક જ

રચનાને રોજ ગાતા,

ભલે બીજાઓ આખો

મુશાયરો લૂંટી જાતા,

પેલા પેલા વડીલશ્રી

પોતાનું ઝૂંડ્યે રાખે,

ભલે પેલો આયોજક

છેલ્લે ખુરશી આપે,

અરે, ભલે સંચાલક

બીજાની શાયરીથી

પોતાની દાદ માગે !

વાંધો નથી કવિને...

તકલીફ નથી કવિને...

પણ એ મુઓ સંચાલક

માઈક સામે મારું

નામ જ ભૂલી ગયો ?

એમાં તે કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

ફિરાક ગોરખપુરી

હસરત પણ જયપુરી,

કમર જલાલાબાદી

અકબર ઈલાહબાદી,

અરે, શૂન્ય પાલનપુરી

ને, જલન છે માતરી...

બસ, ‘લીમડી’ના એ કવિને

કોઈએ અમસ્તું

જરીક પૂછી લીધું...

‘ઉપનામ’ શું રાખ્યાં છે ?

......    ......

એમાં તો કેવું કવિને

કષ્ટ થઈ ગયું !

***

- કવિ કષ્ટમ્

Comments