ચૂંટણી આવે ત્યારે તમે હરગિઝ એમ ના કહી શકો કે “બધા સરખા જ છે...”
કારણકે નેતાઓનાં કૌભાંડથી માંડીને ડીગ્રીઓમાં અનેક ‘વિવિધતા’ છે !
***
નેતાઓની ડિગ્રી ત્રણ પ્રકારની હોય છે...
(1) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી કે મેસેચ્યુએટ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓ.
(2) બનારસ હિન્દુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી કે બીજી કોઈ દેશી યુનિવર્સિટીની બીએ, બીકોમ ટાઈપની ઓર્ડીનરી ડિગ્રીઓ.
(3) અચાનક યાદ આવ્યા પછી મળી આવેલું 12મું પાસનું સર્ટિફિકેટ !
***
નેતાઓનાં કૌભાંડો ત્રણ પ્રકારના હોય છે.
(1) ‘ઈન્ટરનેશનલ’ શસ્ત્ર સોદાઓમાં જેનું નામ ‘ખોટી રીતે’ સંડોવાઈ ગયું હોય....
(2) ‘નેશનલ’ કૌભાંડ જેમકે...
કોલસા, ખાંડ, ઘાસ, યુરિયા, મગફળી, માટી, મેટ્રો, શારદા વગેરેમાં જેનું નામ સંડોવાયા છતાં ક્લીન-ચિટ મળી ગઈ હોય.
(૩) ‘નેશનલ હેરાલ્ડ’માં જે બિચારાઓ જામીન ઉપર છૂટા ફરી રહ્યા હોય !
***
નેતાઓની સગાઈઓ ત્રણ પ્રકારની હોય છે...
(1) જેના ભાણિયા, ભત્રીજા, પત્ની, ઉપ-પત્ની, પતિ, પુત્ર, પુત્રી તથા વેવાઈઓનાં નામો કૌભાંડમાં સંડોવાયેલા હોય.
(2) જેમના જમાઈ, સુપર જમાઈ અથવા બનેવી કે સુપર બનેવીનાં નામ ખુલી ગયેલાં હોય છે.
(૩) જેમનાં સગાવ્હાલાં બિચારાં સાવ મામૂલી રીતે જીવી રહ્યા છે એ જ એમની ઈમાનદારીનો ‘પુરાવો’ છે !
***
નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપો ત્રણ પ્રકારના હોય છે.
(1) CAG કે ઓડિટર જનરલ દ્વારા ચોપડા તપાસીને શોધી કાઢવામાં આવેલા ગોટાળાના આરોપો.
(2) સીબીઆઈ દ્વારા રાતોરાત દરોડા પાડીને રંગે હાથ ઝડપાયા હોવાના આરોપો.
(૩) અરવિંદ કેજરીવાલે જોયા, જાણ્યા કે સમજ્યા વિચાર્યા વિના કરેલા આરોપો.
***
નેતાઓનાં જીવન ત્રણ પ્રકારનાં હોય છે...
(1) જેમના વિશે ચર્ચાસ્પદ પુસ્તક લખાય તેવાં
(2) જેમની ઉપર ચર્ચાસ્પદ બાયોપિક બને તેવાં
(3) જેમની ઉપર મનોરંજક જોક્સ બને તેવાં.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment