ફિક્સ મેચનાં લક્ષણો !


આઈપીએલની મેચો લંડનના હવામાન જેવી થતી જાય છે ! ઘડીકમાં ખુશનુમા તડકો હોય ત્યાં અચાનક વાદળ ઘેરાઈને વરસાદ પડવા માંડે !

મેચોમાં બધું ‘ફિક્સ’ હોય છે એવું તો બધા કહેતા હોય છે પરંતુ ‘શું ફિક્સ થયું છે’ એ જ ‘સસ્પેન્સ’ હોય છે !

છતાં તમે ધારી ધારીને જુઓ તો ફિક્સ થયેલી મેચોના લક્ષણો દેખાઈ આવે છે…

***

જે બોલરે અગાઉ એક ઓવરમાં 18 થી 20 રન આપી દીધા હોય, એ જ બોલર મેચની રસાકસીભરી છેલ્લી ઓવર નાંખવા આવે તો…

- તો સમજવું કે મેચ ફિક્સ છે !

***

બેટ્સમેનોને પણ ધ્યાનથી જોજો. માત્ર 130 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હોય, 8 વિકેટો હાથમાં હોય, છતાં ધૂરંધર ગણાતો બેટ્સમેન ડરતો, ફફડતો, સખત ગભરાતો હોય એ રીતે રમે…

- તો સમજવું કે મેચ ફિક્સ છે !

***

અઢી મિનિટના સ્ટ્રેટેજિક બ્રેક પહેલાં ફિલ્ડીંગ કરનારી ટીમની મજબૂત પક્કડ હોય અને બ્રેક પડતાંની સાથે જ ચોગ્ગા-છગ્ગા વાગવા લાગે…

- તો સમજવું કે મેચ ફિક્સ છે !

***

જ્યારે સિકસરોના શહેનશાહ તરીકે પંકાયેલો બેટ્સમેન ક્રીઝ પર હોય અને બોલર તેને યોર્કર, બાઉન્સર, સ્લોઅર વન કે દૂર જતા ત્રાંસા બોલ નાંખવાને બદલે બિલકુલ બેટમાં જ વાગે એવા ગુડ-લેન્થ બોલ આપતો હોય…

- તો સમજવું કે મેચ ફિક્સ છે !

***

જ્યારે કોઈ સાવ ઈઝી કેચ છૂટે ત્યારે બોલર, કેપ્ટન કે વિકેટ કિપરના ચહેરા પર કોઈ ગુસ્સો કે અકળામણ ના દેખાય…

- તો સમજવું કે મેચ ફિક્સ છે !

***

આ બધું તો ઠીક…

પણ જો કોઈ ‘મોટો સ્ટાર’ ના હોય એવો નવોસવો બેટ્સમેન દે ધનાધન ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હોય…

એ વખતે એની જ ટીમના કોચ, કેપ્ટન અને સિનિયર પ્લેયરોનાં ડાચાં ઉપર આનંદને બદલે ‘ટેન્શન’ દેખાય….

- તો સમજવું કે બોસ, જે ‘ફિક્સ’ થયું હતું એનાથી કંઈ ‘જુદું જ’ ચાલી રહ્યું છે ! અલ્યા, પેલાને રોકો…

***

- મન્નુ શેખચલ્લી



Comments