બે ખુરશીકથાઓ


બત્રીસે બત્રીસ પૂતળીઓની માગણીઓ પુરી કરીને થાકી ગયેલો રાજા વિક્રમ આખરે સિંહાસન ઉપર બેસવા આગળ વધ્યો.

ત્યાં જ એક તેત્રીસમી પૂતળી પ્રગટ થઈ ! તે બોલી “ઠહરો ! તુમ ઇસ સિંહાસન પર નહીં બૈઠ સકતે !”

રાજા વિક્રમ પૂછે છે “અરે ? આમ હિન્દી સિરિયલોની જેમ કેમ બોલે છે?”

“કારણ કે હું સિરિયલની જ પૂતળી છું ! જ્યાં સુધી તું મારી શરત પુરી નહિ કરે ત્યાં સુધી તું આ સિંહાસન ઉપર નહીં બેસી શકે ! અને જો બેસીશ તો તારી સાતેય પેઢીનું નખ્ખોદ વળી જશે !”

“ઠીક છે....” થાકેલો રાજા બોલ્યો. “બોલ, તારી શું શરત છે ?”

“મારી એક જ શરત છે.” તેત્રીસમી પૂતળીએ કહ્યું. “તું તારા રાજ્યમાં જઈને તારા માટે માત્ર એક જ મત માગી લાવ !”

“ઓહો, એમાં વળી શું ?” વિક્રમ રાજાને થયું. આ તો સાવ સહેલું છે. પરંતુ તે બહુ મોટા ભ્રમમાં હતો.

રાજા પોતાના રાજ્યમાં ગામે ગામ ફર્યો, શેરીએ શેરીએ ભટક્યો પણ કોઈએ તેને એક મત ન આપ્યો. થાકીને હારીને તે પાછો આવ્યો.

“હે તેત્રીસમી પૂતળી, મારી મતિ મુંઝાઈ ગઈ છે ! મેં કંઈ કેટલાં પરાક્રમો કર્યાં, પાપીઓનો સંહાર કર્યો, નિર્દોષોના જીવ બચાવ્યા, ગરીબોને ધન આપ્યું, દુર્બળોને સહાય કરી, પ્રજાના જાન-માલનું રક્ષણ કર્યું.... છતાં આશ્ચર્ય થાય છે કે મને મારી પ્રજામાંથી કોઈએ એક મત સુધ્ધાં શા માટે ના આપ્યો ?”

જવાબમાં તેત્રીસમી પૂતળી મંદ મંદ હસી. “હે મૂર્ખ રાજા ! તે બધું જ કર્યું,પરંતુ મત મેળવવાને લાયક થવા માટેનું એકમાત્ર કામ તેં હજી સુધી કર્યું જ નથી !”

“શું ?”

“તેં કોઈ વચનો જ નથી આપ્યાં !”

અટ્ટહાસ્ય કરીને તેત્રીસમી પૂતળી ગાયબ થઈ ગઈ. રાજા વિક્રમ સિંહાસન પાસે માથું ખંજવાળતો ઊભો છે...

***

એક ગામમાં સાત આંધળા મુખી રહેતા હતા.

એક દિવસે (એટલે કે પાંચ વરસે) ગામના દરવાજે એક અજાણ્યુ પ્રાણી આવ્યું. “આ શું આવ્યું ?” એમ કરતા સૌ આંધળા મુખી ભેગા થઈ ગયા. જાતજાતની અટકળો કરવા છતાં કોઈ જાણી ન શક્યું કે એ પ્રાણી શું છે?

છેવટે કોઈ બોલ્યું “દાણા તો નાંખી જુઓ ! ચણે તો ચકલું, નહિતર ઢોર !”

આમ સૌ વારાફરતી ‘દાણા’ નાંખવા લાગ્યા. એક જણાએ કહ્યું “તું જરૂર બગલો હશે. તારે મારી સાથે આવવું જોઈએ, કારણ કે હું પણ તારી જેમ કોઈનો ટેકો લીધા વિના એક પગે ઊભો રહીને તને સ્થિરતા આપીશ.”

બીજાએ કહ્યું “ના, તું તો ગાય લાગે છે. કારણ કે તું દોરે ત્યાં જાય છે. હું તારી રક્ષા કરીશ. તારું મંદિર બંધાવીશ અને તારા ગૌમૂત્રની ગરિમા કરીશ.”

ત્રીજો બોલ્યો. “અરે, આ તો ભેંશ છે ! એને પ્રાથમિક શિક્ષણ આપવાની જરૂર છે. હું તેની આગળ ભાગવત વાંચીશ !”

ચોથો કહેવા લાગ્યો. “અરે, તું તો ઘેટું લાગે છે ! તું તો ટોળામાં જ સારું ! તારા માટે હું રોજ ટોળાં ભેગા કરીશ !”

પાંચમો કહે છે “અરે હોય ? તું તો ડાયનાસોર છે ! એક જમાનામાં તું કેટલું મહાન હતું ! મારી સાથે આવ... હું તને વર્લ્ડ રેકોર્ડો અપાવીશ...”

આમ, છેલ્લાં 72 વરસથી આંધળાઓ જોયા કે જાણ્યા વિના ‘દાણા’ જ નાંખતા આવ્યા છે. જોકે હકીકત એ છે કે એ પ્રાણી બિચારું કોણ છે અને તેને શું જોઈએ છે, તે આખું ગામ જાણે છે ! બસ, પેલા‘આંધળાઓ’ જ જાણવા નથી માગતા.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment