બિચારા પાટીદારો, મરાઠાઓ અને જાટ લોકો વરસોથી એવા ભ્રમમાં રહ્યા કે આપણે ‘પછાત’ થઈ જઈશું તો આપણો ઉધ્ધાર થઈ જશે ! એ તો છેક હમણાં જ્યારે રાહુલ ગાંધીએ ગરીબોને દર મહિને 6000 રૂપિયા સાવ મફતમાં આપી દેવાનું વચન આપ્યું ત્યારે સમજાયું કે ખરો ફાયદો તો ‘ગરીબ’ બની જવામાં છે !
દેશના 25 કરોડ ગરીબોના મતથી કોંગ્રેસની સરકાર બની જ જવાની છે, એવું માનીને અમુક જિનિયસ ગરીબોએ અત્યારથી એમની ગરીબીનું એડવાન્સ પ્લાનિંગ કરવા માંડ્યું છે ! સાંભળો આ એક્સક્લુઝિલ ઈન્ટરવ્યુમાં...
***
“તમને આ જે દર વરસે ૭૨૦૦૦ રૂપિયા મળશે તેનું તમે શું કરશો? કંઈ વિચાર્યું છે ?” અમે એક ‘જિનિયસ’ તથા ‘બુધ્ધિજીવી’જેવા લાગતા (એ ભાઈને સરસ મઝાની દાઢી હતી !) ગરીબને પૂછ્યું.
એણે તરત જ કહ્યું “સૌથી પહેલાં તો મારે મારાં મા-બાપને ઘરમાંથી કાઢી મુકવાં છે !”
“હેં ? શા માટે ?” અમે તો ડઘાઈ જ ગયા.
“અરે ભઈ, એક ને બદલે બે BPL થઈ જાય ને ! ૭૨૦૦૦ ને બદલે ૧ લાખ ૪૪૦૦૦ મળતા થઈ જાય !”
“એ હા, હોં ?” અમને એ ગરીબ ખરેખર જિનિયસ લાગ્યો. “પછી આગળ શું કરશો?”
“છોકરાંઓને હવે ભણાવવાની તો કંઈ જરૂર જ ના રહી ને ?એટલે સરકારી શાળામાંથી ઉઠાવીને ક્યાંક મંદિરો પાસે કે ચાર રસ્તે ભીખ માંગવા બેસાડી દઈશું ! મારે ત્રણ છોકરાં છે. રોજના ભલે ને 50-75 લઈ આવે ? મારે તો મહિને બીજા 6000 નું સેટિંગ... એટલે કે વરસે બીજા ૭૨૦૦૦ થઈ જાય ને!”
અમે તો સ્તબ્ધ થઈ ગયા ! “છોકરાં ભણશે જ નહિ તો એમનું ભવિષ્ય શું ?”
“ભવિષ્યની મારે ક્યાં ભૂંગળી વગાડવાની છે ? છોકરાં 13-14 વરસનાં થાય એટલે ફટાફટ એમને પરણાવી દેવાનાં !”
“આટલી કાચી ઉંમરે ?”
“હાસ્તો વળી ! બીજાં ત્રણ નવા ગરીબ કુટુંબ બની જાય ! એટલે બીજી ૨ લાખ ૧૬૦૦૦ની ફિક્સ-ઈન્કમ !”
અમે તો છક્કડ ખાઈ ગયા!
બિચારા ફિક્સ પગારની નોકરીઓ કરી ખાનારા ગ્રેજ્યુએટો પણ આવું ના વિચારી શકે. આ જિનિયસ પાસે હજી નવા આઈડિયા હતા.
“થોડા પૈસા ભરીને લોન ઉપર એક-બે સ્કુટીઓ ખરીદી લેવાની ! પછી જ્યાં જ્યાં સદાવ્રત ચાલતાં હોય, ભંડારા ચાલતા હોય,ગરીબોને મફત જમાડાતા હોય ત્યાં રોજ પહોંચી જવાનું ! એટલે, પેટ ભરવાની તો ચિંતા જ મટે ? ઉપરથી રાંધવાની યે કડાકૂટ ગઈ !”
“પણ સરકાર તમને 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા આપે છે, એનું શું ?”
“એ તો લેવાના જ હોય ને ! લઈને બજારભાવે વેચી મારવાના ! ઠીક મારા ભાઈ, એમાં પાન-મસાલાના જે ખરચા નીકળ્યા એ...”
“ભાઈ સાહેબ, તમે લોકો ભણશો નહિ, કામ ધંધો નહિ કરો, તો પછી કરશો શું?”
“એનું પ્લાનિંગ જરા લાંબુ છે, પણ શું છે, જો એકવાર અમારી ઝુંપડપટ્ટીમાં ફ્રી વાઈ-ફાઈનું થઈ જાય તો એ ય પતી જાય એવું છે.”
“ફ્રી વાઈ-ફાઈ ? એનું શું કરશો તમે ?”
“સારામાંનું સ્માર્ટ ટીવી લઈ લઈશું ! એ ય હપ્તેથી ! પછી એય.. ને અમારા સ્માર્ટફોનમાંથી ટીવીમાં કનેક્શન લગાડીને સિરીયલો,પિકચરો, ગાયનો, વેબસિરીઝો અને ગેઈમો... આખો દહાડો એમાં જ પુરો કરવાનો ! કારણકે અંબાણી સાહેબની મહેરબાનીથી ડેટા તો ભરપૂર જ મળવાનો જ છે ?!”
અમારું માથું ભમી રહ્યું હતું.... સાલું, ગજબનું પ્લાનિંગ છે ! છતાં છેલ્લે અમે પૂછી લીધું :
“બોસ, આનો અર્થ એ થયો કે હવે તમે કંઈ મહેનત જ નહીં કરવાના?”
“કરવાના ને ! એક મહેનત તો કરવી જ પડશે. જુઓ, દર પાંચ વરસે ઘરથી નીકળીને મતદાન બૂથ સુધી જઈને કોંગ્રેસને વોટ આપવાની મહેનત તો રહી જ ને ? બસ. રાહુલબાબા જાતે ઘેરબેઠા આવીને વોટ લઈ જાય તો સાલી એ જફા ય મટે...”
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment