એક કોંગ્રેસી ઉમેદવાર પ્રચાર માટે નીકળ્યા. રસ્તામાં એમને એક ભાઈ ભેટી ગયો.
એ હાથ જોડીને કહેવા લાગ્યો. “સાહેબ, હું ગરીબ છું !”
ઉમેદવારે તરત જ કહ્યું “ચિંતા ના કરો ભાઈ, કોંગ્રેસ ગરીબોની સાથે જ છે.”
પેલો કહે “એ તો બરોબર, પણ સાથે એટલે ક્યાં સુધી સાથે ? બે મહિના,બે વરસ,… પાંચ વરસ...”
ઉમેદવાર કહે “હોતું હશે ભાઈ ? અમે તો હંમેશા તમારી સાથે છીએ.”
“છેક 1970થી, નહીં ?”
“હેં ?” ઉમેદવાર ગુંચવાયા. પછી કહે “હા.... હા... બરોબર 1970થી.”
હવે પેલો ભાઈ જરા નજીક આવીને ધીમેથી કહેવા લાગ્યો. “તે હેં સાહેબ પેલી વાત સાચી ?”
“કઈ વાત ?”
“પેલી બોંતેર હજારવાળી?”
“હા હા, સાચી જ છે ને !” ઉમેદવાર કહેવા લાગ્યા. “અરે ભાઈ, અમારા પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેરમાં વચન આપ્યું છે ! એનાં પોસ્ટરો છપાયાં છે, બેનરો છપાયાં છે, છાપામાં આવી ગયું, ટીવીમાં આવી ગયું...”
“મોબાઈલમાં આવ્યું ?”
“હા, હા ! મોબાઈલમાં પણ આવી ગયું ને ! કેમ, કંઈ શંકા છે?”
“ના ના, શંકા તો નહીં, પણ તમે પોતે મળી ગયા એટલે થયું કે પૂછી લઉં.. આ 72,000 ગેરંટીથી મળવાના જ ને!”
“હાસ્તો વળી ! વચન એટલે વચન ! કોંગ્રેસ જીતશે તો દરેક ગરીબ કુટુંબને વરસે 72,000 આપવાના જ છે.”
“એ ખરું...” પેલા ભાઈએ હજી ધીમો અવાજ કરીને પૂછ્યું “તમે જીતવાના એની કોઈ ગેરંટી ખરી?”
કોંગ્રેસી ઉમેદવાર જરાય અચકાયા વિના ફૂલ કોન્ફીડન્સથી બોલવા લાગ્યા. “અરે ભઈ, અમે જીતવાના જ છીએ !”
“ગેરંટીથી ?”
“હા હા, ગેરંટીથી.”
“તો સાહેબ, એક કામ કરોને...” પેલા ભાઈએ કહ્યું “હમણાં પેલા 72,000માંથી ખાલી 20,000 આપો ને ? ચૂંટણી પતે પછી હિસાબ સમજી લેજો ! શું કહો છો ?”
કોંગ્રેસી ઉમેદવાર જવાબ આપવાને બદલે ચાલવા જ માંડ્યા ! પેલો ભાઈ તો પાછળ પડી ગયો.
“અચ્છા ચલો 20,000 નહીં તો દસ હજાર તો આપો ?... સારું પાંચ હજાર, બસ ?”
ઉમેદવાર ડબલ ઝડપથી ચાલવા માંડ્યો.
“અરે ચાલો, બે હજાર તો આપતા જાવ ?”
ઉમેદવાર સાહેબ જતા રહ્યા ! આ ભાઈ બિચારો માથું ખંજવાળે છે “સાલું, ગેરંટી તો બોંત્તેર હજારની આપે છે પણ ઉછીના આપવા બે હજાર પણ નથી ?”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment