બે સિઝન ભેગી થઈ ગઈ છે : IPLની અને ચૂંટણીની ! જરા કલ્પના કરો કે દેશના રાજકીય નેતાઓને જો IPL ટીમોના કેપ્ટનો બનાવી દેવામાં આવે તો ?
***
સોનિયા ગાંધી જે ટીમનાં કેપ્ટન હોય તેના ખેલાડીઓએ કાં તો માથામાં હેડફોન પહેરી રાખવાં પડે, જેથી ‘મેડમ’ શું ગણગણ્યાં તેની સમજ પડે…
અથવા સતત ડગ-આઉટમાં બેઠેલા અહેમદ પટેલના ઈશારાઓ તરફ જોતા રહેવું પડે !
***
રાહુલ ગાંધી જે ટીમ સામે રમવા ઉતરે એના કેપ્ટનને સૌથી પહેલાં ‘ચોર’ કહેશે…. પછી અંપાયરોને ‘ભ્રષ્ટ’ કહેશે .
અને છેલ્લે જાહેર કરશે કે મારી ટીમ આ મેચમાં ડેફીનેટલી ‘સાત ગોલથી’ જીતી જશે !
***
કેજરીવાલ કેપ્ટન બનતાંની સાથે મેદાનમાં ધરણાં કરવા બેસી જશે કે ‘મારી ટીમને વર્લ્ડ-ટીમ જાહેર કરો !’
એ પછી જ્યારે જ્યારે પોતાની ટીમની વિકેટ પડશે ત્યારે કહેશે કે “આ મોદી ટીમની ચાલ છે…”
***
મમતા બેનરજી કેપ્ટન બનશે તો મેદાનમાં મોટું માઈક લઈને ઉતરશે ! બધાને ઘાંટા પાડીને તતડાવી નાંખશે. “એઈ કેચ કોરો ! એઈ… રન કોરો…!”
ઉપરથી અંપાયરોના કાનમાં સ્પીકરો ધરીને અપીલો કરશે “એઈ ! આઉટ દેબો ! તોમાર ગોલમાલ ચાલલે ના ! આમિ શોબ જાની ! આઉટ દેબો !”
***
મનમોહનસિંહ કેપ્ટન હોય તો (હતા, દસ વરસ માટે હતા !) પ્લેયરો કાનમાં રૂ ખોસીને જ ફરતા હશે !
કેમ ? કે ભૂલેચૂકે કેપ્ટન કંઈ બોલે તો એ ‘સાંભળવાનું’ જ નથી !
***
મોદી સાહેબ કેપ્ટન હોય તો (છે, પાંચ વરસથી છે !) એમના સિવાયના દસ ખેલાડીઓ માત્ર ‘ફિલ્ડીંગ ભરવા’ માટે જ રાખ્યા હશે. બાકીનું બધું સાહેબ જાતે જ કરશે !
***
અમિત શાહ કેપ્ટન હોય તો (હોય જ નહિ ને ! એ કાં તો કોચ હોય, કાં તો સિલેક્શન કમિટીના ચેરમેન હોય કાં તો પછી થર્ડ અંપાયર હોય !)
પણ હા, સોરી, ‘સ્કોર-બોર્ડ’ અમિત શાહના જ કહ્યા મુજબ ચાલે છે એવી મોઘમ ફરિયાદો સતત ચાલ્યા જ કરતી હોત !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment