IPLને મહિલા પ્રધાન બનાવો !


આજથી IPL શરૂ થાય છે ! આજથી રોજ સાંજ પડ્યે ટીવીનાં રિમોટ સ્ત્રીઓના હાથમાંથી છિનવાઈને પુરુષોના હાથોમાં આવી જવાનાં !

અમે કહીએ છીએ કે IPLમાં બહેનોને પણ રસ પડે એવું કંઈક કરો ને ? (આમેય એ લોકો લાંબી લાંબી સિરિયલો જોઈને કંટાળ્યાં છે.)

અમારી પાસે કેટલાક જોરદાર આઇડિયાઝ છે…

***

જોડીયાં બનાઈયે

બધા પુરુષો જ ક્રિકેટ રમ્યા કરે એમાં શું મઝા આવે ? ‘બેટ્સમેન’ અને ‘બેટ્સવુમન’ની જોડીઓ બનાવો… જરા રોમેન્ટિક લાગશે !

***

ગ્લેમર બઢાઈયે

‘બેટ્સમેનો’ ફાળિયાં, પાઘડી, ચોયણો, જોધપુરી કોટ, ખેસ, મોજડી, એવાં જાજરમાન કપડાં પહેરીને ગ્રાઉન્ડમાં આવશે અને ‘બેટ્સવુમનો’ ખુલ્લા વાળ, પુરો મેકપ, જાતજાતની સાડીઓ અને ડ્રેસિસ પહેરીને મેદાનમાં ઉતારશે…

***

પરંપરા દિખાઈયે

‘બેટ્સમેન’ અને ‘બેટ્સવુમન’ની જોડી મેદાનમાં ઉતરે એ પહેલાં એમને ચાંદલા, તિલક, દોરા ધાગા અને આરતી વગેરે પછી, ટોટલ ‘બિદાઈ’ની  રસમ સાથે મોકલવાનાં રહેશે….

***

ટ્રેજેડી કો બહેલાઈયે

જ્યારે જ્યારે ‘બેટ્સમેન’ અને ‘બેટ્સવુમન’ની જોડી તૂટે ત્યારે સ્ટેડિયમની સાઉન્ડ સિસ્ટમમાંથી વાયોલિનના કરુણ સુર ગુંજી ઊઠવા જોઈએ, જેથી બધી મહિલા ક્રિકેટરો ચોધાર આંસુએ રડી શકે !

***

લવ-ટ્રાએંગલ બનાઈયે

ધોનીની જોડી કોઈ ન્યુઝિલેન્ડની બેટ્સવુમન જોડે બનાવો ! કોહલીની સાથે કોઈ ઇંગ્લેન્ડની બ્યુટિને સેટ કરો… પછી બતાડો કે ધોનીની વાઈફ સાક્ષી અને કોહલની પત્ની અનુષ્કા સ્ટેડિયમમાં બેઠાં બેઠાં કેવાં કેવાં વેણ ઉચ્ચારે છે !

***

કિચન-પોલિટિક્સ લાઈયે

ભોજન વિરામ વખતે એક્સપર્ટો બકબક કર્યા કરતા હોય એમાં શું જોવાનું ?

ખરું ટેન્શન તો કીચનમાં છે… કોહલીના એનર્જી ડ્રીન્કમાં ઊંઘની દવા કોણે મિલાવી દીધી ? રોહિત શર્માની સેન્ડવીચમાં લાલ મરચાં કોણે ભભરાવ્યાં ? રિષભ પંતની પિત્ઝા-ડિલીવરીને રસ્તામાં કઈ છોકરીએ અટકાવી ?

***

મહાએપિસોડ મેચ દિખાઈયે

ફક્ત બે ટીમો વચ્ચે મેચો થાય એમાં શું જોવાનું ? મહાએપિસોડ મેચમાં સામસામી ચાર-ચાર ટીમોને મેદાનમાં ઉતારો… ‘જોડીયાં’ની અદલાબદલી, થાય, બેટ વડે મારામારીઓ થાય, બોલમાંથી બોમ્બ ફૂટે…

- અને અંપાયરોની ‘યાદદાસ્ત’ ચાલી જાય !!! શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments