‘ભારતે પાકિસ્તાનનું નાક કાપી લીધું અને ઇમરાન ખાન કશું કરી ના શક્યા…’ આવા વિચારોથી પાકિસ્તાનની પબ્લિક સખ્ખત ગુસ્સામાં છે.
એવા માહૌલમાં ઈમરાન ખાન પોતાની મર્સિડીઝ કાર લઈને ગુપ્ત રીતે બલૂચિસ્તાનની તરફ જવા નીકળી પડ્યા હતા. સાથે એમનો ડ્રાઈવર જ હતો.
રસ્તા ઉપર સન્નાટો હતો. વગર કરફ્યુએ સંચારબંધી જેવું વાતાવરણ હતું.
આને લીધે કાર અતિશય ફાસ્ટ સ્પીડમાં જઈ રહી હતી. ત્યાં અચાનક ક્યાંકથી એક ગધેડો હાઈવે ઉપર ફૂટી નીકળ્યો !
ફૂલ સ્પીડે જતી કારમાં ગધેડો એવી ખતરનાક રીતે અથડાયો કે એનાં હાડકાં કારમાં ઘૂસી ગયાં અને રેડિએટર ફાટી ગયું !
હવે કરવું શું ? આસપાસ દૂર દૂર સુધી કોઈ વસ્તી દેખાતી નહોતી. ઈમરાન ખાને તેના ડ્રાયવરને કહ્યું “તું નજીકના કોઈ ગામમાં જા અને મદદ માગી લાવ. ત્યાં સુધી હું આ બુલેટપ્રુફ કારમાં બેસી રહું છું.”
ડ્રાઈવર ગયો… એક કલાક થયો, બે કલાક થયા છતાં એ પાછો આવ્યો નહિ ! છેવટે ત્રણ કલાકે એ પાછો આવતો દેખાયો.
એના ટાંટિયા લથડી રહ્યા હતા અને ચહેરા ઉપર મસ્તી હતી ! ઈમરાન ખાને પૂછ્યું :
“અલ્યા, આટલી બધી વાર કેમ લાગી ?”
ડ્રાઈવર કહે છે “જનાબ ! મને જ ખબર નથી ! મેં તો ગામમાં જઈને બસ એટલું જ કીધું કે હું ઈમરાન ખાનનો ડ્રાયવર છું અને કારની ટક્કરમાં ગધેડો મરી ગયો છે… બસ, આટલું સાંભળતા જ એ લોકો નાચવા લાગ્યા !
મને ખભે ઊપાડીને ગામમાં સરઘસ કાઢ્યું ! હારતોરા પહેરાવીને મારું સન્માન કર્યું… મને ખૂબ દારૂ પીવડાવ્યો… ખુબ સરસ ખાવાનું ખવડાવ્યું અને મેં બહુ વિનંતી કરી ત્યારે મને છોડ્યો !”
***
પાકિસ્તાનમાં એટલી બધી દહેશત ફેલાયેલી છે કે અનેક લોકો પાકિસ્તાન છોડીને વિદેશમાં જતા રહેવા માગે છે !
આમાં ને આમાં ત્યાંના ‘ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ’ની ઓફીસની બહાર વિઝા માટે લાંબી લાઈન લાગી ગઈ !
ઈમરાન ખાન ત્યાંથી નીકળ્યા તો એમને નવાઈ લાગી. એ પૂછપરછ માટે સીધા મકાનમાં દાખલ થયા કે તરત લાઈન વિખેરાઈ ગઈ !
ઈમરાન ખાને કોઈને ઊભા રાખીને પૂછ્યું “આ બધું શું છે?”
પેલાએ કહ્યું “જનાબ ! જો તમે જ પાકિસ્તાન છોડીને જતા રહેવાના હો તો અમારે વિદેશ જવાની જરૂર જ ક્યાં છે ?”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment