બાલકોટમાં બોમ્બ પડ્યા હતા કે નહોતા પડ્યા ? ત્યાં આતંકવાદીઓ હતા કે નહોતા ?
આ બધા સવાલો છોડો, અમને તો લાગે છે કે જો પંચતંત્રના જમાનામાં કોઈ ‘જંગલ-ન્યુઝ’ નામનું છાપું ચાલતું હોત તો એમાં પણ આવા જ સમાચારો આવતા હોત…
***
કાચબો શી રીતે જીત્યો ? સસલો શા માટે ઊંઘી ગયો ? ઘેરાતું રહસ્ય…
સસલા અને કાચબાની રેસમાં કાચબાને વિજેતા જાહેર કરાયો એ વાતને મહિનો વીતી ગયા પછી હવે તેની પાછળનાં કેટલાંક રહસ્યો બહાર આવી રહ્યાં છે. શક્ય છે કે કાચબો રેસ જીત્યો જ નહોતો.
સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રેસ શરૂ થતા પહેલાં સસલાને કોઈએ એક એનર્જીવર્ધક ડ્રીંક પીવા આપ્યું હતું. કહે છે કે એ પીણામાં જ ઊંઘની દવા ભેળવી દેવામાં આવી હતી ! આંતર-જંગલ સસલાં સમિતિના સભ્યોએ પેલા પીણાની કેમિકલ તપાસ કરવાની માગણી કરી છે.
આ ઉપરાંત, સસલાઓનો એક મોરચો જંગલના રમત-ગમત મંત્રી શ્રીમતી ગોકળગાયને ‘ન્યાયિક જાંચ’ માટે આવેદન આપવા ગયો હતો. મંત્રી શ્રીમતીએ ગોકળગાયોની એક સમિતિ રચવાનું આશ્ર્વાસન આપ્યું છે.
જંગલ ન્યુઝના પત્રકારો વિજેતા કાચબાના ઘરે તેનો ખુલાસો માગવા માટે ગયા હતા પરંતુ કાચબાએ ઘરમાંથી બહાર આવવામાં જ બાર કલાક લગાડી દીધા હતા. જેથી પત્રકારો કંટાળીને પાછા જતા રહ્યા હતા.
દરમ્યાનમાં સસલાઓએ કાચબાનો મેડલ પાછો ખેંચવાની માગણી કરી છે.
***
ઉંદરડાને ડૂબાડનાર શરણાઈવાળો શંકાના દાયરામાં
એ વાત તો જાણીતી છે કે ઉંદરડાઓના ત્રાસને દૂર કરવા માટે ગામ લોકોએ એક શરણાઈવાળાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કહેવાય છે કે શરણાઈવાળાએ પોતાની શરણાઈમાં એવી ધૂન વગાડી કે હજારો ઉંદરડા તેની પાછળ ચાલી નીકળ્યા હતા.
ત્યારબાદ શરણાઈવાળાએ દાવો કર્યો હતો કે બધા ઉંદરડા તેની પાછળ પાછળ આવવા જતાં નદીમાં ડૂબી મર્યા છે. જોકે હવે ગામના ભૂતપૂર્વ સરપંચોને આ ‘ઉંદર-ઓપરેશન’ બાબતે શંકાઓ જાગી છે. બીજી તરફ શરણાઈવાળો એક પણ ઉંદરડાની લાશને પુરાવા તરીકે બતાવી શક્યો નથી. તેનું કહેવું એમ છે કે નદીના ધસમસતા પ્રવાહમાં ઉંદરડા તણાઈ ગયા હોઈ શકે છે.
ગામના સરપંચોએ આક્ષેપ કર્યો છે કે ગામમાંથી ઉંદરડા દૂર કરવાનો ભ્રમ ઊભો કરીને શરણાઈવાળો ગામનો મુખી બની જવા માગે છે. જોકે અમુક ગામ લોકોનું કહેવું છે કે ગામમાં હાલ પુરતો ઉંદરડાનો ત્રાસ ઘટ્યો હોય તેમ લાગે છે. બીજી તરફ ગામના ખૂણે ખાંચરે ચાદરમાં બાકોરાં પાડવાની તથા બાળકોનાં પુસ્તકો કાતરી ખાવાની છૂટીછવાઈ ઘટનાઓ બનવાનું જારી જ છે.
આ બધી ઘટનાઓ વચ્ચે શરણાઈવાળાએ કોઈ નવી ધૂન વગાડવાની ચાલુ કરી છે.
ભૂતપૂર્વ સરપંચોએ ગામ લોકોને ચેતવણી આપતા કહેવા માંડ્યું છે કે શરણાઈવાળાની આ નવી ચાલ છે. હવે એ ગામનાં બાળકોને ગુમરાહ કરવા માટેની ધૂન વગાડી રહ્યો છે.
કહેવાય છે કે ગામનાં બાળકોને શરણાઈવાળાની નવી ધૂન ખુબ જ પસંદ પડી રહી છે. સૌ તેની પાછળ પાછળ દોડીને નાચી રહ્યાં છે. ભૂતપૂર્વ સરપંચોએ શરણાઈવાળાની નવી ધૂન ઉપર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે.
વધુ ગુંચવાડા માટે વાંચતા રહો… જંગલ ન્યુઝ.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment