તમે ક્યારેય કસ્ટમર કેર, યાને કે કસ્ટમર ઉપર ‘કાળો-કેર’ કેવો હોય તેનો અનુભવ કર્યો છે ખરો ?
કહેવાય છે કે પૃથ્વી ઉપર જે લોકો જન્મથી જ બત્રીસ લક્ષણા હોય અથવા જેની કુંડળીમાં સંપૂર્ણ ઐશ્વર્ય યોગ હોય તેવા માનવીઓને જ કસ્ટમર કેર સર્વિસમાં ફોન કરવાની જરૂર પડતી નથી. બાકી તો સૌ જાણે છે કે કંપનીઓ ‘કેર’ના નામે કેવો ‘કાળો કેર’ વરતાવે છે.
સૌથી પહેલાં તો તમે ફોન લગાડો કે તરત જ ‘કૌન બનેગા કરોડપતિ’ના પહેલા રાઉન્ડમાં ઘૂસવા માટેનો જે સાવ સહેલો સવાલ હોય તેવા વિકલ્પો પૂછવામાં આવશે : અગર આપ હિન્દીમેં જાનકારી ચાહતે હૈં તો એક દબાઈયે... પ્રેસ ટુ ફોર ઇંગ્લીશ.. અને ગુજરાતી માટે ત્રણ દબાવો.
વાહ કેટલું સહેલું ! પરંતુ અહીં જ તમે ફસાયા ! કાળા-કેરની આ તો શરૂઆત જ છે.
તમે કોઈપણ બટન દબાવો કે તરત સળંગ 147 સેકન્ડ ચાલે તેવું પ્રિ-રેકોર્ડેડ એનાઉન્સમેન્ટ વાગશે : “નમસ્તે T! XYZ કંપનીની કસ્ટમર કેર સેવામાં આપનું સ્વાગત છે. તમારે ફલાણું જાણવું હોય તો એક દબાવો, ઢીંકણું જાણવું હોય તો બે દબાવો, ફલાણામાં ઢીંકણું જાણવું હોય તો જાણવા ત્રણ દબાવો....
ત્રણ દબાવ્યા પછી શું શું ફાયદા થઈ શકે છે તે જાણવા ચાર દબાવો, દેશનું હવામાન જાણવા માટે પાંચ દબાવો, આપનું આજનું રાશિ ભવિષ્ય જાણવા માટે છ દબાવો,મેગી વડે સત્તર નવી વાનગીઓ બનાવવાની રીત માટે સાત દબાવો....”
ટુંકમાં, જેની તમને કશ્શી જ જરૂર નથી એનું આખું મ્યુઝિકલ મેનુ તમારા કાનમાં વાગી જશે ! પણ તમારે જે ફરિયાદ કરવી છે તે કોને કરવી અને એના માટે શું કરવું તેનો ઓપ્શન સાવ છેલ્લે હશે !
છેવટે 149મી સેકન્ડે તમે ગુસ્સામાં આવીને તમે તમારા ‘ટચ’ ફોનમાં ઓલમોસ્ટ ‘પુશ’ કરીને એ બટન દબાવશો ત્યારે ફરી નવું રેકોર્ડિંગ ચાલુ થશે : જો આપની ફરિયાદ ફલાણા સંબંધી હોય તો એક દબાવો... ઢીંકણા સંબંધી હોય તો બે દબાવો...
આવા વખતે એ કંપનીનો પટાવાળો પણ જો સામે આવે તો તમને બટન દબાવવાને બદલે એનું ગળું દબાવવાનું મન થઈ જાય ! છતાં તમે ધીરજ જાખો છો.. તમામ ઓપ્શનો દાંત કચકચાવતાં સાંભળો છો...
ત્યારે 199મી સેકન્ડે તમને ભાન થાય છે કે આમાં તમારાવાળી ફરિયાદનો ઓપ્શન તો આવ્યો જ નહિ ! ત્યાં છેવટે એક નવો ઓપ્શન આવે છે... વધુ વિગત માટે અમારી ઓનલાઈન હેલ્પ-લાઈનની મદદ લો ! જેનું આઈડી છે...
તમે જો અભણ હો તો ફરિયાદ કરવાનું જ માંડી વાળશો પણ જો ભણેલા હશો (અને હજી ફરિયાદ કરવાનું ઝનૂન બાકી બચ્યું હશે) તો તમે એ વેબસાઈટ પર જશો ! ખલ્લાસ....
અહીં મ્યુઝિક નથી વાગતું (એટલી શાંતિ છે) પણ સાત આઠ ઠેકાણે ક્લિક કર્યા પછી, તમારો કસ્ટમર આઈડી, તમારું નામ,સરનામું, ઉંમર, જન્મતારીખ, ફોન નંબર, શરીર ઉપર હોય તે ઓળખની ખાસ નિશાનીઓ, જેમ કે જમણી જાંઘ ઉપર ત્રણ તલ છે... એવી 'ખાનગી' વિગતો (તમારી 'સુરક્ષા' માટે) આપશો પછી ‘હેલ્પ-બોક્સ’ખુલશે !
અંદર શું હશે ? FAQ ! યાને કે ફ્રિકન્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ ! વારંવાર પૂછાતા પ્રશ્નો ! એમાં જવાથી તમને માત્ર એક જ આશ્વાસન મળે છે કે બેટા, તું એકલો દુઃખિયારો નથી. દુનિયામાં સેંકડો છે તારા જેવા !
... છેવટે, જ્યારે તમને 1050 સેકન્ડ, યાને કે સાડા સત્તર મિનિટ પછી, કંપનીના ‘પ્રતિનિધિ’ સાથે વાત કરવાનો ‘સોનેરી’ અવસર પ્રાપ્ત થાય છે ત્યારે ફરી પેલું મ્યુઝિક વાગવા લાગે છે...
અને પેલો સુંવાળો અવાજ બોલતો હશે : “કૃપયા લાઈન પે બને રહિયે. આપ કા કોલ હમારે લિયે અત્યંત મહત્વપૂર્ણ હૈ !”
- શું કંકોડા મહત્વપૂર્ણ ?
***
- મન્નુ શેખચલ્લી
Email : mannu41955@gmail.com
Comments
Post a Comment