શેર બજારમાં અચાનક તેજી આવી ગઈ તેને અમુક લોકો ચૂંટણીની સાઈડ-ઈફેક્ટ ગણાવે છે !
આ હિસાબે જોવા જાવ તો આ વખતની ચૂંટણીની અનેક સાઈડ-ઈફેક્ટો તમને ઊડીને આંખે વળગશે...
***
દર્શન-યાત્રા ઈફેક્ટ
વરસોથી મહેલો–બંગલાઓમાં રહેતાં પરિવારો અચાનક ધાર્મિક સ્થળો અને પવિત્ર નદીઓની યાત્રા અને દર્શન કરવા નીકળી પડશે !
***
ધાર્મિક આગેવાન ઈફેક્ટ
‘આસ્થા’ ‘સંસ્કાર’ કે અન્ય ધાર્મિક ચેનલોમાં દેખાતા ચહેરા અચાનક ન્યુઝ ચેનલોમાં દેખાવા લાગશે !
***
સગાઈ ઈફેક્ટ
મા-બેટા, ભાઈ-બહેન, સાળા-બનેવી, સસરા-જમાઈ, દેરાણી-જેઠાણી... આવી અનેક સગાઈઓની યાદ નેતાજીઓ આપણને વારંવાર દેવરાવવા માંડશે !
***
હિસ્ટ્રી ઈફેક્ટ
2002... 1984, 1989, 2014... આવી ઐતિહાસિક સાલોની યાદ નેતાઓને વારંવાર આવવા લાગશે !
***
બંધારણ ઈફેક્ટ
જે લોકોએ ભારતના બંધારણનું થોથું મોબાઈલમાં પણ ના જોયું હોય એવા લોકો બંધારણની કલમોના હવાલાઓ આપીને ચર્ચાઓ કરવા નીકળી પડશે !
***
કેન્ટિન-ગલ્લા ઈફેક્ટ
ન્યુઝ ચેનલોમાં ચાલતી રાજકીય ચર્ચાઓ પાનના ગલ્લા કક્ષાની થઈ જશે અને પાનના ગલ્લે રાજકારણના પંડિતોની કક્ષાની ચર્ચા થવા લાગશે !
***
સોશિયલ મિડિયા ઈફેક્ટ
‘લાઈક’ કરતાં ‘ડિસ-લાઈક’ વધી જશે, ‘કોમેન્ટ’ કરતાં ‘સળી’વધી જશે,
‘જોક્સ’ કરતાં ‘ઝનૂન’ વધારે હાવી થઈ જશે
અને ‘શેર’ કરવાને બદલે ‘સવા-શેર’ ફટકારનારા દોઢ-ડાહ્યા વધી જશે !
***
વ્યુઅરશીપ ઈફેક્ટ
એ તો ઠીક, ન્યુઝ ચેનલના પરદે જે લંબચોરસ ખોખાંઓમાં બકબક કરતા ચહેરાઓને તમે અડધી મિનિટ માટે પણ નહોતા જોતા...
એ જ ચહેરાઓને તમે સળંગ પાંચ-સાત મિનિટ લગી જોતા થઈ જશો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment