તમે માર્ક કરજો, જનરલ પરવેઝ મુશર્રફે 2008માં પાકિસ્તાનમાં ચૂંટણીઓ કરાવી એ પછી ત્યાં ફરીથી લશ્કરી રાજ આવ્યું નથી !
આપણને વિચાર આવે કે પરવેઝ મુશર્રફને પાકિસ્તાનમાં લોકશાહી પાછી લાવવાનો વિચાર ક્યાંથી આવ્યો હશે ?
તો એની પાછળ એક મજેદાર જોક જેવો કિસ્સો છે….
***
બન્યું એવું કે આર્મી કેમ્પમાં એક કૂવો ખોદાઈ રહ્યો હતો. મુશર્રફ સાહેબ એ કૂવાના મુઆઈના (નીરીક્ષણ) માટે જરા વધારે પડતા નજીક જઈને, ઝુકીને જોઈ રહ્યા હતા…
એવામાં કાચા કૂવાની માટી ધસી પડી અને બિચારા મુશર્રફ કૂવામાં જઈ પડ્યા !
નસીબજોગે કૂવામાં પાણી ખાસ હતું નહિ એટલે મુશર્રફ સાહેબ ડૂબ્યા તો નહીં પણ અંદર મોટા પથ્થરો હોવાને લીધે એમના હાથ પગમાં ખાસ્સી ઈજા થઈ ગઈ.
તે અંદરથી બૂમો પાડવા લાગ્યા “મુઝે બાહર નિકાલો !”
બહાર તો હાહાકાર મચી ગયો ! સૈનિકો હાંફળા ફાંફળા થઈને આમતેમ દોડાદોડી કરવા લાગ્યા. છેવટે આર્મી કેમ્પના કેપ્ટને કૂવાની ગરગડીમાં મજબૂત દોરડું લટકાવી, તેના નીચેના છેડે પહોળું પાટિયું બાંધીને કૂવામાં ઉતાર્યું.
મુશર્રફ સાહેબ પાટિયામાં ચડી ગયા અને બૂમ પાડી “ઉપર ખીંચો…”
બસ, કોમેડી હવે શરૂ થઈ ! દોરડું ખેંચતા ખેંચતાં જેવા મુશર્રફ સાહેબ કૂવાની બહાર આવતા દેખાયા કે તરત જ દોરડું ખેંચનારા સૈનિકોએ દોરડું પડતું મુકીને એક સાથે સલામ ઠોકી !
એ સાથે જ દોરડું છૂટી ગયું… મુશર્રફ કૂવામાં પડ્યા ! અંદરથી એમણે બૂમ પાડી “અક્કલ કે અંધો ! ક્યા કર રહે હો ? મુઝે બાહર નિકાલો !”
સૈનિકોએ બીજી વાર દોરડું ખેંચવા માંડ્યુ પણ ફરી એ નું એ જ ! જેવા મુશર્રફ સાહેબ દેખાયા કે તરત સલામ ઠોકવા માટે દોરડું પડતું મુકી દીધું !
આવું ત્રણ ત્રણ વાર થયા પછી ખિજાયેલા પરવેઝ મુશર્રફે કૂવામાંથી હુકમ કર્યો “એક કામ કરો… પાસ કે ગાંવ મેં જાકર કુછ સિવિલિયન્સ (નાગરિકો) કો બુલાકર લાઓ….”
આખરે ગામડીયાઓએ ભેગા મળીને મુશર્રફ સાહેબને સલામી આપ્યા વિના બહાર કાઢ્યા !
બસ, એ જ દિવસે જનરલ સાહેબે નક્કી કર્યું હતું કે પાકિસ્તાનમાં લોકશાહીની પુનઃસ્થાપના થવી જોઈએ !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment