ગુજરાત સરકારનો ટાઈમિંગ પણ કેટલો ‘ક્રુર’ કહેવાય ?બિચારા દસમા-બારમા ધોરણનાં બાળકો પરીક્ષાની યાતનામાંથી હજી માંડ માંડ છૂટ્યાં હતાં ત્યાં PUBG ગેઈમ ઉપર પ્રતિબંધ ઠોકી દીધો !
હું એમ પૂછું છું કે બિચારી PUBGએ સરકારનું શું બગાડ્યું છે ?
દેશમાં સટ્ટો રમવા ઉપર પ્રતિબંધ છે છતાં ક્રિક્ટ મેચો વખતે સૌ પોતપોતાની ટીમો બનાવીને ઓનલાઇન રૂપિયા રમે જ છે ને !
એમ તો જુગાર પણ ગેરકાયદેસર છે છતાં લોકો ઓનલાઈન તીન-પત્તી પણ રમે જ છે ને !
અરે મારા સાહેબો, જાહેરમાં થૂંકવું કે જાહેરમાં પેશાબ કરવો એ પણ ગુના છે. છતાં નફ્ફટ નાગરિકો એ બન્ને હરકતો બિન્દાસ રીતે જાહેરમાં કરે જ છે.
એમને તો કોઈ પકડતું નથી, પણ બિચારાં ટીન-એજરો PUBG રમતાં હોય તો છેક ઘરમાં ઘૂસી ઘૂસીને ધરપકડ કરો છો ? યે સરાસર ના-ઈન્સાફી હૈ મિ લોર્ડ !
લોકો ય અળવીતરા છે. પોલીસને ફોન કરીને ‘બાતમી’ આપે છે કે “અમારી સોસાયટીમં ચાર છોકરાં PUBG રમે છે !”
જોવાની વાત એ છે કે એ જ એરિયાના લોકો પોલીસને ફરિયાદો કરી કરીને થાકી ગયા હોય કે “ભૈશાબ, અમારી ગલીના નાકે દારૂનો અડ્ડો ચાલે છે, બંધ કરાવો ને ?” ત્યાં પોલીસ નથી આવતી ! પણ માસૂમ PUBG-પ્લેયરો ઉપર બહાદૂરી બતાડે છે ! (કદાચ ટીન-એજરો પોતાના પોકેટમનીમાંથી હપ્તા નહીં આપી શકતા હોય.)
વળી, બાન માત્ર ગુજરાતમાં જ છે !
તમે જોજો, આ વેકેશનમાં યંગસ્ટરો ‘માઉન્ટેનિયરીંગ’ કરવાનું બહાનું કાઢીને પંદર પંદર દહાડા માટે ‘માઉન્ટ-આબુ’માં PUBG રમવા જતા રહેશે !
રાજસ્થાન ટુરિઝમની એડ આવશે : “પધારો મ્હારે પબજીસ્તાન !”
દીવ અને દમણ ગુજરાતની બહાર ગણાય છે ને ? તો દમણ ટુરિઝમ લખશે : “મન લગેગા દમનમેં, જબ PUBG ખેલોગે PUB મેં !” (‘પબ’ એટલે દારૂનું પીઠું)
દીવ ટુરિઝમ કહેશે : “દીવ સે દિલ લગા લે, PUBG સે PEG લગા લે !”
સાલી, આ PUBG બંધી તો દારૂબંધી જેવી થતી જાય છે !
હવે યંગસ્ટરોએ PUBG રમવા માટે શહેરથી દૂરનાં ફાર્મ-હાઉસોમાં જવું પડશે ! હોટલની રૂમોમાં ભરાઈને સીસી ટીવીમાં ના પકડાઈ જવાય એવો ખૂણો શોધવો પડશે ! પોતાના રૂમનું બારણું બંધ કરીને બહાર ભગવાનનો ફોટો લગાડી નોન-સ્ટોપ ભજનોની સીડી ચાલુ કરી રાખવી પડશે !
બિચારા ટીન-એજરો એકબીજાને કોડ-લેંગ્વેજમાં પૂછતા થઈ જશે “શું પછી, આજે‘બેઠક’ રમવી છે ને?”
ટીન-એજરોને પોલીસવાળા સજા પણ કેવી કેવી કરે છે? લોક-અપમાં પુરી દે છે. મોબાઈલો જપ્ત કરી લે છે, દંડ કરે છે... વગેરે વગેરે.
અમે કહીએ છી કે યાર, સજા જ કરવી હોય તો યંગસ્ટરોને સળંગ ચાર કલાક ‘ક્રિકેટ’ રમવાની સજા આપો ને ! એ પણ રિયલ મેદાનમાં ! જે ટીન-એજરો ત્રણથી વધુ વખતPUBG રમતા પકડાય એમને કબડ્ડી રમવાની સજા કરો ! એ પણ ધાબા ઉપર, ચલો !
ના ના, સિરિયસલી, PUBG ગેઈમમાં ખરાબી શું છે ? ઉલ્ટું,એનાથી તો માનસિક રીતે ‘લશ્કરી તાલીમ’ મળે છે !
અમે તો કહીએ છીએ કે PUBGવાળાઓને રિક્વેસ્ટ કરીને આખી ગેઈમ આતંકવાદીઓને મારવાની ગેઈમ હોય એવા ફેરફાર કરાવી નાંખો ! ભોળાં ગુજરાતી બાળકો સાંજ પડે છાતી કાઢીને કહી શકશે કે “આજે તો મેં 56 ટેરરિસ્ટોને ઉડાવી દીધા !”
e-mail : mannu41955@gmail.com
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment