મંત્રીશ્રીની રેડ એલર્ટ ખિચડી (હાસ્યકથા)


“મારું ટિફિન ક્યાં છેએએ? ભૂખ લાગી છે મને !”

ગાંધીનગરમાં એક મિનિસ્ટર સાહેબની ખોપરી છટકેલી હતી. એમનો એક જ પ્રોબ્લેમ, એમને ભૂખ લાગે ત્યારે જરાય સહન ના થાય. એમાંય જો જમવામાં મોડું થાય તો એમનો પિત્તો જાય !

સાહેબના હાથ નીચેના ઓફિસરો આ જાણે. એક જણાએ કહ્યું પણ ખરું “સર, બહારથી કંઈ મંગાવી દઈએ, ફટાફટ ?”

“બહારનું ના ચાલેએએ!” મંત્રીશ્રી બગડ્યા. “આજે મારે શનિવાર છે. ફાડા-મગની ખિચડી જ ખાવી પડે ! ઘરેથી ટિફિનમાં ખાસ મોકલાવી છે.. હજી પહોંચી કેમ નથીઈઈ?”

આમ તો આ રોજનું નોર્મલ રૂટિન હતું. સાહેબ સવારે અમદાવાદથી નાસ્તો કરીને ગાડીમાં ગાંધીનગર આવે. પછી ગાડી પાછી અમદાવાદ જાય. બરોબર લંચ-ટાઈમ થાય ત્યારે ડ્રાઈવર અમદાવાદથી, એટલે કે સાહેબના બંગલેથી ટિફિન લઈને આવે.

સાહેબને ઘરની રસોઈ સિવાય બીજું કંઈ ચાલે નહિ. એક તો ડાયાબિટીસ, તોય ગળ્યું ખાધા વિના ચાલે નહિ, એટલે ગળી કઢી, ગળ્યું શાક, ગળ્યો શીરો એવું બધું ‘શ્યુગર-ફ્રી’માં બનાવવું પડે.

“ટિફિનનું શું થયુંઉંઉંઉં?” મંત્રીશ્રીએ ફરીથી ત્રાડ પાડી.

ડાયાબિટીસના દરદીઓનો પિત્તો બહુ ઝડપથી ‘હાઈ’ થઈ જાય. એમાંય વળી, જમ્યા પહેલાંની ગોળી લઈ લીધી હોય અને જો ખાવાનું ના મળે તો ડાયાબિટીસ ભયાનક રીતે ‘લો’ થઈ જાય. આ ‘લો-હાઈ’ના ચક્કરમાં સાહેબની તપેલીનું તાપમાન ‘રેડ ઝોન’ તરફ ધસી રહ્યું હતું.

“જોઉં છું સાહેબ, હમણાં જ તપાસ કરું છું.” એવો જવાબ આપીને બે અફસરો કેબિનની બહાર નીકળ્યા. સામે વેઇટિંગ એરિયામાં ચારેક ‘પાર્ટી’ રાહ જોતી બેઠી હતી. એમાંથી એક બોલી :

“એપોઈન્ટમેન્ટ લીધેલી છે… હજી કેટલી વાર?”

“અરે શાંતિ રાખો ને યાર? સાહેબને ભૂખ લાગી છે !”

“કમાલ છે બોસ !” પાર્ટીને નવાઈ લાગી. “યાર, તમને કેવી રીતે ખબર પડી જાય છે કે અમે ખવડાવવા આવ્યા છીએ ?”

અફસરે દાંત ભીંસ્યા. “એવું ‘ખાવા’ની વાત નથી ! સાહેબનું ડેઈલી ટિફિન નથી આવ્યું હજી…”

‘અચ્છા…’ એક પાર્ટીએ બીજી પાર્ટીને ઈશારો કરતાં કહ્યું “આ કોઈ ડેઈલી હપ્તો આવતો લાગે છે !”

બે ઓફિસરો જેટલી ઝડપથી ગયા હતા એટલી જ ઝડપથી પાછા ફર્યા. “સાહેબ, તમારી ગાડી આવી ગઈ છે પણ અંદર ડ્રાયવર નથી !”

“અરેએએ! મારે ડ્રાઈવર નથી ખાવાનો ! ખિચડી ખાવાની છે, ખિચડીઈઈ !” મંત્રીશ્રીએ ટેબલ ઉપર પેપરવેઈટ પછાડ્યું. “ગાડીમાં ટિફીન છે કે નહીંઈઈ?”

“નથી સર, એ જ પ્રોબ્લેમ છે !” બિચારો ઓફિસર મુંઝાયેલો હતો. એને પણ સમજાતું નહોતું કે જો કાર આવી ગઈ છે તો એનો ડ્રાઈવર ક્યાં રહી ગયો ? બે ઓફિસરો ‘વધુ તપાસ’ માટે બહાર ગયા.

બીજા બે ઓફિસરોએ ‘આપાતકાલીન પગલાં’ લેવાનાં શરૂ કર્યા. મોબાઈલ વડે ‘સ્વીગી’ ‘ઝોમેટો’ જેવા એપમાં સર્ચ કરીને બન્ને શોધવા બેઠા કે ગાંધીનગર અથવા અમદાવાદની કઈ રેસ્ટોરન્ટના મેનુમાં ‘ફાડા-મગની ખિચડી’ અવેલેબલ છે ?

‘પ્રાથમિક માહિતી’ ભેગી કર્યા બાદ તે બે જણા પોતાનાં ‘તારણો’ લઈને સાહેબ પાસે પહોંચ્યા. “સાહેબ, કોઈ રેસ્ટોરન્ટના મેનુમાં ‘ફાડા-મગની’ ખિચડી એવું તો નથી લખ્યું પણ બે ચાર રેસ્ટોરન્ટો ‘સાત્વિક ખિચડી’ તથા ‘જૈન ખિચડી’ ઓફર કરે છે ખરા… જો તમે કહેતા હો તો…”

“અરેએએ… ના ચાલે ને ? આ મારા શનિવારની વ્રતની ખિચડી છે ! ખાસ મંદિર આગળ, શનિદેવના ફોટા સામે ધરાવેલી ખિચડી છે ! તમે -”

“સર, એક આઈડિયા છે. શનિદેવનો ફોટો ક્યાંકથી મંગાવી લઈએ?”

“અરે, તમારા આઈડિયાની તો-” સાહેબના મસ્તિષ્કનું તાપમાન અસાધારણ સ્થિતિ દર્શાવી રહ્યું હતું. એમણે બીજા બે પેપરવેઈટ પછાડ્યાં.

“તમે ભલતી જગાએ બુધ્ધિ દોડાવવાને બદલે એ તપાસ કરો કે મારું ટિફીઈઈન ક્યાંઆંઆં છેએએ ?”

“જી સર !” “જી સાહેબ !” કરતા ઓફિસરોએ હવે ઓપરેશન ટિફિન-સર્ચ શરૂ કરી દીધું.

આ તરફ કેબિનમાં બેઠેલા મંત્રીશ્રીએ એમનાં પત્નીને ફોન લગાડ્યો. ફોન લાગે કે તરત સામેના છેડેથી કપાઈ જતો હતો. ચાર વાર કટ થઈ ગયા પછી મેસેજ આવ્યો. “કિટી પાર્ટીમાં છું, શું કામ હતું ?”

પછી સામસામે મેસેજવાળી ચાલી...

“મારું ટિફિન ક્યાં છે?”
“એ તો મહારાજે બનાવી દીધું હતું.”
“તો મહારાજ ક્યાં છે?”
“એનું તમારે શું કામ છે ?”
“મારે ટિફિનનું કામ છે.”
“ટિફિન તો ડ્રાઈવર લઈ ગયો.”
“હા, પણ અહીં ડ્રાઈવર પહોંચ્યો નથી.”
“કારમાં હશે.”
“કાર આવી ગઈ પણ ડ્રાઈવર નથી આવ્યો.”
“હોતું હશે ? ડ્રાઈવર વિના કાર ચાલેજ શી રીતે?”
“અઘરા સવાલો ના પૂછ. મારું ટિફિન ક્યાં છે ?”
“પહોંચી જશે ભૈશાબ, શાંતિ રાખો ને?”
“જો, મારું મગજ તપી રહ્યું છે.”
“ધીરજ રાખો, શનિ મહારાજ તમારી કસોટી કરી રહ્યા છે…”

બસ, છેલ્લો મેસેજ વાંચ્યા પછી મંત્રીશ્રીએ ચોથા પેપરવેઈટ ઉપર ફોન પછા્ડયો.

ત્યાં તો બે વત્તા બે એમ ચાર ઓફિસરો ‘અધિકૃત માહિતી’ લઈને આવી પહોંચ્યા. “સાહેબ, ગાંધીનગરમાં રેડ-એલર્ટ છે ને, એમાં આ બધું થયું છે !”

“પણ થયું છે શુંઉંઉંઉં ? બકો ને ?”

“સર, તમારો રેગ્યુલર ડ્રાઈવર રજા પર હતો. નવો જે ડ્રાઈવર આવ્યો તેની પાસે લાયસન્સ નહોતનું એટલે સર્ચ-પોલીસે તેને ડિટેઈન કરી લીધો. તમને કારની જરૂર પડશે એમ સમજીને બીજા ડ્રાયવર જોડે કાર મોકલી આપી.”

“હા, પણ ટિફિન ક્યાંઆંઆં?”

“એમાં લોચો એવો થયો કે ડ્રાઈવર ખુલાસો ના કરી શક્યો કે ટિફિનમાં શું છે ! બોમ્બ-સ્કવોડને શંકા પડી એટલે ટિફિન કબજે કરી લીધું છે. એમનો રિપોર્ટ છે કે ટિફિનમાં ખરેખર કંઈ એક્સ્પ્લોઝિવ સામગ્રી છે !”

“હેં ?” મંત્રીશ્રી ફફડી ઊઢ્યા.

“સાહેબ, ઘટના સ્થળે બોમ્બ ડિફ્યુઝલ સ્કવોડ પહોંચી ગઈ છે.... તમારે જોવા આવવું છે ?”

“ન…. ન…. ના હોં ?” સાહેબની ભૂખ અચાનક મરી ગઈ.

બાકી, જો મંત્રીશ્રી આવ્યા હોત તો જરા જોવા જેવું હતું. બોમ્બ સ્ક્વોડે ભારે સાવચેતીપૂર્વક ટિફિનનું ઉપરનું ખાનું ખોલ્યું કે તરત ‘ભપ્પ’ કરતો એક ફટાકડો ફૂટ્યો !

સાથે જ અંદરથી એક કાર્ડ નીકળ્યું : “હેપ્પી બર્થ ડે !”

પેલી તરફ સાહેબનાં પત્નીએ ફોન કરીને પૂછ્યું “બોલો, કેવું લાગ્યું સરપ્રાઈઝ ?”

મંત્રીશ્રીએ જવાબમાં ચીસ પાડી “કેવી સરપ્રાઈઝ ? શેની સરપ્રાઈઝ ? ફોઓઓન મુઉઉઉક!”

- મન્નુ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments