ચોકીદાર જ ચોરાઈ ગયો ! (હાસ્ય કથા)


“સાહેબ, અમારી બેન્કનો ચોકીદાર ચોરાઈ ગયો છે...”

ઇન્સપેક્ટર સેલાણીએ આવી વિચિત્ર ફરિયાદ કરનાર બેન્ક મેનેજરનું માથાથી પગ સુધી નિરિક્ષણ કર્યું. માથે થોડી ટાલ,આંખે ગોલ્ડન ફ્રેમના ચશ્મા, મોંઘુ વ્હાઈટ શર્ટ, ભૂરા રંગની ટાઈ,ડિસન્ટ પેન્ટ, લેધરના ચમકતા શૂઝ... સેલાણી સાહેબને ક્યાંય પાગલખાનાનાં કોઈ લક્ષણો દેખાયા નહીં !

“નોન-ગુજરાતી છો?” સેલાણી સાહેબે પૂછ્યું.

“ના, મહેતા છું, કેમ ?”

જવાબમાં સેલાણી હસ્યા. “બ્રાહ્મણ થઈને ખોટું ગુજરાતી કાં બોલો ? ચોકીદારની ચોરી નો થાય... ઈનું કિડનેપ થઈ ગ્યું એમ કે’વાય.”

“કિડ હોય એનું કિડનેપ થાય, સાહેબ.” બેન્ક મેનેજરે સુધાર્યું. “આ તો પુખ્તવયનો ચોકીદાર હતો.”

“તો – ઓલું શું કે’વાય, એબ્ડક્ટ થૈ ગ્યો કે’વાય.” સેલાણી સાહેબે અંગ્રેજી પડતું મુકીને ગુજરાતીમાં કીધું “અપહરણનો કેસ કે’વાય, ચોરીનો નંઈ.”

“હા, પણ અપહરણકારોની ધમકી જ નથી આવી.”

“ધમકી આવે તો જ અપહરણ કે’વાય? મહેતા સાહેબ, બવ ચોખલિયા થાવ મા. કિડનેપનો કેસ નો નોંધાવવો હોય તો ગુમશુદા વ્યક્તિનો કેસ નોંધાવવો પડે.”

“ના, કેસ તો ચોરીનો જ નોંધાવવો પડે એમ છે ! કારણ શું છે...” એમ કહીને બેન્ક મેનેજર મહેતા ખુરશીમાંથી ઊઠીને ઇન્સપેક્ટર સેલાણીના કાન પાસે પોતાનું મોં લઈ જઈને કંઈક ખુસપુસ ખુસપુસ બોલી ગયા.

એ સાંભળતાં જ સેલાણી સાહેબની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. “એમ ? એવું છે ? આ તો ન્યુઝ ચેનલમાં દેવા જેવા ન્યુઝ છે !”

“તમને હાથ જોડું સાહેબ, એવું ના કરતા ! અમારી બેન્કની ઈજ્જતનો સવાલ છે !”

ફરિયાદ લખાવીને બેન્ક મેનેજર ગયા પછી આખા પોલીસ-સ્ટેશનમાં રમૂજ અને રહસ્યનું મોજું ફરી વળ્યું કે “સાલી,ચોકીદારની જ ચોરી ? હદ થઈ ગઈ !” જોકે અસલી રહસ્ય સેલાણી સાહેબના કાનમાં ઊંડે ઊંડે ધરબાઈને ચૂપચાપ બેઠું હતું...

બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં એક ન્યુઝ ચેનલનો ખણખોદિયો ક્રાઈમ રિપોર્ટ શબ્બીર ‘શાતિર’ આવ્યો. એ પછી સેલાણી સાહેબના કાનમાં પડેલું રહસ્ય રીતસરનું ખળભળી ઊઠ્યું. શબ્બીર શાતિરે સીધો જ સવાલ કર્યો.

“સેલાણી સાહેબ, સાચું કહેજો, પેલા ચોકીદારની ચોરી થઈ ત્યારે એની બોડીમાં જીવ હતો જ નહીં ને ?”

આ સાંભળતાં જ પોલીસ સ્ટેશનમાં જેટલા કાન હાજર હતા  એ તમામ અધ્ધર થઈ ગયા ! “હદ થઈ ગઈ !! જીવ વિનાની બોડીનું અપહરણ ? ના ના... ચોરી !! સ્સાલો, મામલો શું છે ?”

શબ્બીર શાતિર વધુ બખાળા કરે એ પહેલાં સેલાણીએ તેને નજીક બોલાવ્યો. “યાર, શબ્બીર, શાંતિ રાખ ને ? મારી તો નોકરી જાશે, પણ સરકારની યે ઈજ્જત જાશે ! ફક્ત તારા એક બ્રેકિંગ ન્યુઝમાં અમારી તો હમણાં કવ ઈ -”

સેલાણી બોલતાં બોલતાં અટકી ગયા. શબ્બીરને સાહેબનો ચહેરો જોવાની મઝા પડી રહી હતી. એ બોલ્યો : “સાહેબ, ન્યુઝ તો બ્રેક થઈને જ રહેશે. સવાલ ફક્ત એટલો છે કે ક્યારે ? ચોર પકડાઈ જાય એ પહેલાં ? કે ચોર સિફતથી છટકી જાય એ પછી ?”

“સ્સા... તારી તો -” સેલાણી સાહેબ કંઈક બોલતાં બોલતાં એ રીતે અટકી ગયા જાણે એમની જીભ એમનાં જ દાંત વચ્ચે કચરાઈ ગઈ હોય. સીસકારો બોલાવ્યા પછી એમણે પાણી પીધું. પછી શબ્બીરને ધીમે અવાજે પૂછ્યું.

“સાલા, તારી પાસે આ ઈન્ફરમેશન ક્યાંથી આવી?”

“ચોક્કસ કહીશ, પણ એક શરતે... ઇન્ફરમેશનના બદલામાં ઈન્ફરમેશન જોઈશે. આ કેસમાં જે કંઈ ડેવલપમેન્ટ થાય એની ખબર મને અને માત્ર મને જ મળવી જોઈએ.”

સેલાણી સાહેબની હાલત એવા કૂતરા જેવી થઈ ગઈ હતી જેની પૂંછડી ઊંઘમાં કોઈ ટ્રકના ટાયર નીચે દબાઈ ગઈ હોય ! જ્યાં સુધી ટ્રકનું પૈડું ખસે નહિ ત્યાં સુધી ના છૂટી શકાય, ના ભસી શકાય ! એમણે તીખા મરચાનું દાઝી ગયેલું શાક ગળે ઉતારતા હોય એવા અવાજે કહ્યું :

“ઠીક છે, વાંદરીનાં, હંધીય ઈન્ફરમેશનું દઈશ, પણ મને પહેલાં ઈ ક્યે કે મારા પોલીસ સ્ટેશનનો કિયો ખૂટલ છે, જેણે તને આ જાણકારી દીધી ?”

શબ્બીર ધીમેતી હસ્યો. “સેલાણી સાહેબ, ચિંતા ના કરો. તમારા પોલીસ સ્ટેશનમાં તો કોઈને ગંધ સુધ્ધાં નથી આવી.... આ તો જ્યારે પેલા બેન્ક મેનેજર અહીં ફરિયાદ લખાવવા આવ્યા ને, ત્યારે  એન્જિનિયરીંગ કોલેજના એક સ્ટુડન્ટને તમે PUBG રમવાના કેસમાં પકડી લાવ્યા હતા... એ બધું સાંભળી ગયો હતો ! એ છોકરો મારો ફ્રેન્ડ છે. એણે જ મને કીધું કે નક્કી આમાં...”

“શીશીશી....” ઇન્સપેક્ટર સેલાણીએ નાક ઉપર આંગણી મુકીને શબ્બીરને ચૂપ કર્યો. પછી બિલકુલ નજીક બોલાવીને આગળ કહેવાનો ઈશારો કર્યો. નળમાંથી હવા નીકળતી હોય એટલા કર્કશ અને ધીમા અવાજે શબ્બીર બોલ્યો :

“સાહેબ, એ જ વખતે પેલા સ્ટુડન્ટને ડાઉટ પડી ગયો હતો કે પલો ચોકીદાર જીવતો માણસ નહિ પણ -”

“પણ?”

“એક રોબોટ હતો !”

સેલાણી સાહેબના ચહેરા ઉપરથી લોહી ઉડી ગયું. એમના ડોળા ચકળવકળ થઈ ગયા. એમના ગળામાંથી બગડી ગયેલા પ્રેશર કૂકરની સીટી જેવો અવાજ નીકળ્યો :

“એની મા ને... ઓલ્યો મેનેજર મહેતો મને એવુ હમજાવી ગ્યો કે ન્યાં એમણે ચોકીદારનું પૂતળું ગોઠવી રાઈખું ’તું! પણ કોઈ ગઠીયાવ રાતના ટાઈમે પૂતળું ચોરી ગ્યા... ચોરીનો વિડીયો ઉતારીને ઓલ્યા ગોલકીના મેનેજરને બ્લેક-મેલ કરે છે, કે હરામખોર ચોકીદારનું પૂતળું ગોઠવીને તું ઈનો પગાર ખાઈ જાય છે ? પણ આ તો -”

“આ તો રોબોટ છે, સાહેબ !” શબ્બીરે અંદરની ઇન્ફરમેસન આપતા કહ્યું :

“વાત એમ છે કે એન્જિનિયરીંગ કોલેજમાં પ્રોજેક્ટ તરીકે જે ટીમે એક રોબોટ બનાવ્યો હતો તેને ચોકીદારનાં કપડાં પહેરાવીને પેલા મેનેજર મહેતાનો દિકરો અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં એવા પ્રોજેક્ટની ડંફાશ મારવા માગતો હતો કે એણે નાઈટ ડ્યૂટીના ચોકીદાર રોબોટની શોધ કરી છે...”

સેલાણી સાહેબ સ્તબ્ધ હતા.

“સાહેબ, એ રોબોટ પંદર-વીસ મિનિટે એકાદ વાર ઊભો થાય અને છ-સાત ડગલાં આમતેમ ફરીને પાછો બેસી જાય એટલું જ કરી શકે છે... પણ મહેતાનો છોકરો એના વિડીયો ઉતારીને ફેમસ બની જવાનો પ્લાન બનાવી રહ્યો હતો.”

“હમજાઈ ગ્યું...” સેલાણી સાહેબનું ગળું ખૂલ્યું. “અટલે જ ઓલ્યો લાલચૂડો મેનેજર મને પૂતળું ગોતી લાવવાના લાખ રૂપિયા દેવા તૈયાર હતો !”

“લો ! એક બ્રેકિંગ ન્યુઝ ઉપર બીજા બ્રેકિંગ ન્યુઝ !” શબ્બીરે કહ્યું “પણ હવે રોબોટને શોધશો ક્યાંથી ?”

સેલાણી સાહેબના ચહેરા પર સ્માઈલ આવ્યું. “ઈ તો સાવ સહેલું છે ! ઓલ્યા મહેતાના દિકરાની એન્જિનીયરીંગ કોલેજના સ્ટુડન્ટોનું જ આ કામ હોય... કારણ શું -”

“શું કારણ ?” શબ્બીર શાતિરે પડઘો પાડ્યો.

“કારણ કે... આજકાલ ‘મૈં ભી ચોકીદાર’વાળું હાલ્યું છે ને !” સેલાણી સાહેબે શબ્બીર શાતિરને ખભે ધબ્બો માર્યો.

 - મન્નુ શેખચલ્લી

Email : mannu41955@gmail.com

Comments