દરેકે દરેક રાજકીય પાર્ટીઓમાં ટિકિટો માટે જબરી ખેંચતાણ ચાલી રહી છે.
જોકે આજની યંગ જનરેશનને આમાં કોઈ રસ જ નથી ! ધારો કે આજના કોઈ ટીન-એજરને ‘ટિકિટ’ વિશે નિબંધ લખવા કીધું હોય તો ?
- અને એ ‘લખે’ (!) તો કેવો હોય…
***
ટિકિટ ટ્રેનની હોય છે. પ્લેનની હોય છે. મૂવીની હોય છે. નાટકની બી હોય છે. પણ આ લોકસભાની ટિકિટ માટે આટલી બધી હોહા કેમ છે ?
હવે તો બધું ઓનલાઈ થઈ ગયુ છે. ટ્રેનની ટિકિટ મોબાઈલથી થઈ જાય છે. મૂવીની ટિકિટ બી મોબાઈલમાં થઈ જાય છે. ખાલી ક્રેડિટ કાર્ડ જોઈએ. (અને ડેડીએ બેલેન્સ કરાયેલું હોવું જોઈએ.)
સમ-ટાઈમ્સ, ટ્રેનની ટિકિટ ના થઈ હોય તો કુલીને કે ટીસીને થોડા રૂપિયા આપી દઈએ તો એ બી મલી જાય છે. તો પછી આ નેતા લોગને આટલી બધી ઝિકઝિક કેમ લાગી છે ?
નેતા લોગને તો ટુ-મેની કોન્ટેક્ટ્સ હોય છે. કંઈ બી કામ હોય, એ લોકો એક ફોન કરે તો બે જ મિનિટમાં એમનું કામ ડન થઈ જાય છે. તો પછી બધા ફોન કરીને પોતાની ટિકિટ કેમ કરાઈ લેતા નથી.
મારા એક અંકલ પોલિટિક્સમાં છે. એમને બી લોકસભાની ટિકિટ જોઈએ છે. પણ મલતી નથી.
મેં કીધું ઓનલાઈન બુક કરાઈ દો ને. લોકસભા જોવાની કેટલી ટિકિટ હોય છે ? અંકલ ગુસ્સે થઈ ગયા, મને કહે ટોપા, લોકસભા કંઈ ટુરિસ્ટ પ્લેસ નથી. અને મારે ખાલી જોવા નથી જવાનું.
મેં કીધુ ઓકે. તો સેના માટે જવાનું છે ? તો કહે, એમાં સીટ લેવાની છે.
મેં કીધું, અંકલ, એમાં ‘ડોનેશનની’ સીટો ના હોય ? તમારે તો બહુ ઓળખાણો છે. લોકસભામાં કેટલું ડોનેશન આપવાનું હોય ?
અંકલ ફરીથી એન્ગ્રી થઈ ગયા. મને કહે લોકસભામાં કોઈ ડોનેશન સીટ ના હોય ! ઉલટું અમે પાર્ટી માટે કેટલું ડોનેશન લઈ આવીએ એની ઉપર ટિકિટના ચાન્સ હોય છે.
મેં કીધું “વ્હાય ટેક ટેન્શન, અંકલ ? બાય ટિકિટ ઈન બ્લેક !”
અંકલ ગુસ્સે થઈ ગયા. “અમારી પાર્ટીમાં ટિકિટોના બ્લેક નથી થતા ! સમજ્યો ?”
મેં કીધું “તો બોસ, બીજી કોઈ પાર્ટીની ટિકિટ લઈ લો ને ? અમે ક્રિસમસ પાર્ટી વખતે એવું જ કરીએ છીએ, એક પાર્ટીમાં એન્ટ્રી ના મલે તો બીજી પાર્ટીમાં ઘૂસ મારવાની.”
અંકલ બગડ્યા. મને કહે “અમારી પાર્ટીમાં બીજી પાર્ટીવાળાઓએ ઘૂસ મારી છે એટલે જ આ બધી બબાલ છે !”
મેં કીધું, લો બોલો. સંસદની એક ટિકિટમાં એવું તે શું જોવાનું મલતુ હસે.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment