'પપ્પુનોમિક્સ'ની કોમિક ટ્રેજેડીઓ !


પપ્પુ + ઈકોનોમિક્સ’ યાને કે ગરીબોને વરસે ઘેરબેઠાં, કશુંય કામધંધો આપ્યા વિના પુરા 72000ની આવક આપવાની સ્કીમનું નામ અમે ‘પપ્પુનોમિક્સ’ પાડ્યું છે.

ગરીબોની કોણીઓ ઉપર ચોંટાડેલા આ ગોળને કારણે આજે નહિ તો કાલે કોંગ્રેસ સત્તામાં આવી જ જવાની છે. હવે વિચારો કે જ્યારે આ સ્કીમ અમલમાં મુકાશે ત્યારે કેવી કેવી ટ્રેજીડીઓ કોમેડી જેવી લાગશે ?

***

જો તમારા કુટુંબની આવક વરસે 27,000 કે તેનાથી ઓછી છે તો તમને વધારાના 72,000 રૂપિયા ઘેરબેઠાં મળી જશે.

આથી તમારી આવક વરસે 99,000 રૂપિયા થઈ જશે છતાં તમે ‘ગરીબ’ જ રહેશો અને ‘બે-રોજગાર’ પણ રહેશો ! કારણ કે 72,000 લેવા માટે તમારે કશું ‘કામ’ ક્યાં કરવાનું છે ?

***

અચ્છા, પણ જો તમારા કુટુંબની આવક 30,000 કે 35,000 હશે તો તમને કશું નહિ મળે.

ટુંકમાં તમે ‘ગરીબો’ કરતાં ‘ગરીબ’ હોવા છતાં ‘ગરીબ’ તો નહિ જ ગણાઓ !

રૂપિયા જોઈતા હોય તો આરામ કરો આરામ …

***

વળી, જો તમે થોડી ઘણી મહેનત કરીને કમાવાની મુરખામી કરી રહ્યા હો તો ચેતી જજો.

કેમકે ‘મનરેગા’માં જો તમે વરસના 100 દિવસની રોજગારી મેળવીને વરસના 65,000 રૂપિયાની ‘પરસેવાની કમાણી’ કરી નાંખી હોય તો તમને પેલા 72,000 ઘેરબેઠાં નહિ મળે…

- લેતા જાવ ! બાબાજી કા ઠૂલ્લુ…

***

જો તમે સ્માર્ટ હો અને તમારા ૧૦ સભ્યોના ‘ગરીબ’ કુટુંબના ત્રણ ભાગ કરીને (માં બાપનું એક અને બે ભાઈઓનાં બે) એમ કરીને ત્રણ ગરીબ કુટુંબ બની જાઓ તો તમને વરસે 72,000 પ્લસ, 72000 પ્લસ, 72,000 રૂપિયા મળશે.

ટુંકમાં તમારી આવક વરસે 2 લાખ 16 હજાર રૂપિયા થઈ જશે છતાં તમે ‘ગરીબ’ જ ગણાશો.

***

બસ, હવે તમારે એ વાતની સાવધાની રાખવાની છે કે ક્યાંક તમારી આવક ‘વધી’ ના જાય !

નહિતર જેવા તમે વરસે 2.5 લાખ કમાવા લાગશો તો તમારે  ‘ઈન્કમ-ટેક્સ’ આપવો પડશે !

***

ટુંકમાં હવે આ દેશમાં કમાણી ઉપર ટેક્સ આપી શકે એવા ‘ધનવાનો’ અને કશુંય કામ કર્યા વિના ઘેરબેઠાં રૂપિયા મેળવતા ‘ગરીબો’ વચ્ચે માત્ર 36000 રૂપિયાનો ફરક રહેશે !

- વાહ શું ‘પપ્પુનોમિક્સ’ છે, નહિ ?

‘ગરીબો’ અને ‘ધનવાનો’ વચ્ચેની ‘ભેદરેખા’ માત્ર 36000ની રહી જશે !

હવે તમે જ નક્કી કરો, તમારે ‘આળસુ’ રહીને ઘેર બેઠાં જલસા  કરવા છે...

કે પછી હજી 'મજુર-મુરખાઓ’ની જેમ મહેનત જ કર્યા કરવી છે?

જય પપ્પુનોમિક્સ !!!

***

- મન્નુ શેખચલ્લી

Comments