'પપ્પુનોમિક્સ'માં ગરીબીના ફાયદા !


જો રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે તો દેશની ‘દશા’ અને ‘દિશા’ બન્ને બદલાઈ જવાનાં છે !

‘દશા’ એ થશે કે આખો દેશ વધુને વધુ ઝડપે ગરીબ થઈ રહ્યો હશે…

અને ‘દિશા’ એ હશે કે મહેનત કરીને કમાતા મધ્યમ વર્ગના લોકો કમાવાનું છોડીને રાતોરાત ‘ગરીબ’ બની જવા માટે દોટ મુકશે.

***

ઇન્દિરા ગાંધીએ 1970માં ‘ગરીબી હટાઓ’ ઝુંબેશ શરૂ કરી હતી.

49 વરસ પછી રાહુલ ગાંધી ‘ગરીબી બઢાઓ’ની જિદ લઈને બેઠા છે !

***

શૈક્ષણિક ક્ષેત્રે તો ‘ક્રાંતિ’ થઈ જશે…

જો ગ્રેજ્યુએટ થઈને, તમે ‘ડીગ્રીલઈને સાવ ફાલતુ વિદ્યાસહાયકની નોકરીમાં જોડાઓ તો તમને 7400 રૂપિયાનો પગાર મળે…

પણ જો તમે ‘ગરીબ’ હોવાનું ‘સર્ટિફીકેટ’ લઈને આવો તો મહિને 6000 રૂપિયા મળે !

- તો યાર, ‘ડીગ્રીના સર્ટિફીકેટો’ પાછળ દોડવાની જરૂર જ ક્યાં રહી ?

***

જો 12મું પાસ થઈને તમે ટ્રાફિક સહાયક બનો તો મહિને 6400 રૂપિયા મળશે.

- પણ ગરીબ બનીને તમે ‘કોંગ્રેસ સહાયક’ બનો તો મહિને 6000 મળશે ! બોલો, નિશાળે જવાની જરૂર જ ના રહી ને ?

***

એ તો ઠીક, ‘મનરેગા’માં મિનિમમ 20 દિવસની મજુરી કરવા જાઓ ત્યારે માંડ 7000 રૂપિયા જમા થાય છે…

- પણ અહીં તો રાહુલબાબાના ચમત્કાર વડે ઘેરબેઠાં 6000 મળશે ! પછી તો મજુરી કરવાની ‘મજુરી’ પણ શું લેવા કરવાની ?

હા, ‘વિકાસ’ તો એની મેળે જ થશે ને !

***

એ વાત સાચી છે કે 6000 રૂપિયા ‘કુટુંબ’ દીઠ મળશે. પરંતુ ‘પપ્પુનોમિક્સ’ની અસરને કારણે દેશના ગરીબોમાં નવી ‘સામાજિક ક્રાંતિ’ આવશે…

‘વિભક્ત’ કુટુંબોની સંખ્યા અધધધ ઝડપે વધી જશે !

ઘરડાં ગરીબ મા-બાપો જાતે જ ગરીબ સંતાનોથી અલગ થઈ જશે..
જુવાન ગરીબ મા-બાપો ફટાફટ છૂટાછેડા લઈને ‘બે-ઘર’ (બે કુટુંબ) થઈ જશે…
અને કીશોર-કીશોરીઓ પુખ્ત થતાંની સાથે જ મા-બાપથી ‘અલગ’ થઈ જશે.
શા માટે? અરે ભાઈ, જેટલાં વધારે કુટુંબ એટલા વધારે રૂપિયા !

સરવાળે ભારતનાં ગરીબ કુટુંબોમાં ‘વિક્રમસર્જક’ વિસ્ફોટક વધારો થશે !

***

બિચારા મોદી સાહેબ કહેતા રહ્યા કે “MAKE IN INDIA…”

અને પપ્પુભાઈ સમજ્યા કે “MAKE POVERTY IN INDIA !”

***

- મન્નુ શેખચલ્લી

Comments