ચૂંટણીમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડ ...


આ વખતની ચૂંટણીઓમાં અમુક ચહેરાઓ સાવ ગાયબ થઈ ગયા છે ! તો બીજી તરફ અમુક ચહેરાઓ ક્યાંકથી ‘મળી’ આવ્યા છે…

***

ખોવાયા છે…

લાલકૃષ્ણ અડવાણી : પીએમ ઇન વેઇટિંગ તરીકે જાણીતા થઈ ગયેલા આ વયસ્ક વડીલ રાહ જોતાં જોતાં જ ક્યાંક ખોવાયા છે…

લાસ્ટ સીન : છેલ્લે તેઓ પોતાના રથના પૈડામાં પડેલું પંચર રિપેર કરતા દેખાયા હતા.

***

ખોવાયા છે…

અણ્ણા હજારે : 2011થી ‘લોકપાલ… લોકપાલ…’ની ધૂન લગાવી રહેલા આ પ્રમાણિક્તાના અવતાર સમાન મહાપુરુષ આજે લોકપાલની નિમણૂંક થઈ ગાય પછી પણ ક્યાંય દ્રશ્યમાન  થયા નથી !

લાસ્ટ સીન : છેલ્લે તેઓ પોતાને કોઈ લીંબુપાણી પીવડાવીને ઉપવાસ છોડવાનાં પારણાં કરાવે તેવી વ્યક્તિની શોધમાં હતાં.

***

ખોવાયા છે…

આનંદીબહેન પટેલ : તેમને વ્હાલથી ‘ફોઈ’ કહેનારો તેમનો ચતૂર ભત્રીજો હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગોઠવાઈ ગયો છે છતાં ‘ફોઈશ્રી’ના કોઈ ખાસ સમાચાર નથી.

લાસ્ટ સીન : બહેન છેલ્લે છેલ્લે ભોપાલનાં ગવર્નર હાઉસના બગીચામાં પાઈપ વડે પાણી છાંટતાં નજરે પડ્યાં હતાં.

***

ખોવાયા છે..

મનમોહન સિંહ : “મૈં નહીં, મેરા કામ બોલેગા” એવું કહેનારા આ મૌન સમ્રાટ આમ તો કોંગ્રેસની અનેક રેલીઓમાં હોય છે પણ શી ખબર, ખુદ કોંગ્રેસીઓને પણ દેખાતા નથી.

લાસ્ટ સીન : ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ-મિનિસ્ટર’ નામની ફિલ્મમાં તેઓ અનુપમ ખેરનું માસ્ક પહેરીને ‘હાલતા-ચાલતા’ અને ‘બોલતા’ દેખાયા હતા !

***

મળી આવ્યા છે…

પ્રિયંકા ગાંધી : કહેવાય છે કે દેશ અને સમાજ ઉપર છેલ્લા એક જ મહિનામાં ભીષણ સંકટ આવી પડ્યું હોવાથી આ બહેન ઘરની બહાર આવી ગયાં છે !

લોકો એમનાં દર્શન માટે ઘરે ધસી આવે તેનું ‘ઘર્ષણ’ ટાળવા માટે તેઓ ખુદ નદી, પહાડ અને રસ્તાઓ ઉપર ‘દર્શન-યાત્રા’ કાઢી રહ્યાં છે.

***

મળી આવ્યા છે…

નીરવ મોદી : મિડિયાને તો ખબર હતી, પણ સરકારને દેખાતા નહોતા એવા આ ઉદ્યોગપતિ લંડનમાંથી ‘મળી આવ્યા’ છે !

તેઓશ્રી ફરીથી ભાગી ના છૂટે એના માટે જ દેશમાં લાખો ‘નવા ચોકીદારો’ની ફોજ બનાવાઈ રહી છે !

- મન્નુ શેખચલ્લી

Comments