“અલ્યા, બેબી-ડૉલનું રિસેપ્શન ક્યાં છે ?”
“પ્રસંગ પાર્ટી પ્લોટ.”
“ટોપા, અમદાવાદમાં પ્રસંગ પાર્ટી પ્લોટ કેટલા છે, ખબર છે ?”
“નથી ખબર. તને ખબર છે ?”
“મને પાંચ તો ખબર છે. સેટેલાઈટ, નારણપુરા, બાપુનગર, બોપલ, વટવા… કદાચ શાહીબાગ કે મણિનગરમાં ય હોય.”
“તો આપણે ક્યાં જવાનું છે?”
“કંકોત્રીમાં જોઈ લો ને ?”
“મારે તો ડાયરેક્ટ વોટ્સ-એપમાં જ ઇનવાઈટ આવ્યું છે ! એમાં તો ખાલી પ્રસંગ પાર્ટી પ્લોટ જ લખ્યું છે.”
“મારે પણ એવું જ છે.”
“અલ્યા, કોઈને ફોન લગાડીને પૂછો ને, કે આ પ્રસંગ પાર્ટી પ્લોટ ક્યાં આવ્યો ?”
“એના કરતાં ગુગલ કરી લે ને?”
“ટોપા, ગુગલ મેપ તો સાતે સાત પ્રસંગ પાર્ટી પ્લોટ બતાડશે ! એમાં બેબી-ડોલવાળો કયો?”
“એ પણ ગુગલમાં જ પૂછ ને !”
… સખ્ખત કન્ફ્યુઝન હતું. બેબી ડૉલ નામે ઓળખાતી સોનમ નામની છોકરીના મેરેજનું રિસેપ્શન હતું. એડ્રેસમાં ફક્ત ‘પ્રસંગ પાર્ટી પ્લોટ’ લખ્યું હતું પણ ક્યાંનો ? એ ક્લિયર નહોતું.
કારણ શું ? કારણ કે ફ્રેન્ડઝ સર્કલમાં ‘મા ફલાણી ફલાણીની અસીમકૃપાથી…’ એવી ફૂલ-લેન્થની કંકોત્રીઓ મોકલવાનો રિવાજ જ નથી ! બેબી ડોલ ઉર્ફે સોનમના ડેડીનું નામ પણ કોઈને ખબર નહોતું.
ટ્રેડિશનલ મેરેજોની કંકોત્રીઓમાં મગનલાલ બુધાલાલ દલવાડી (સોખડાવાળા)ના સુપુત્ર… અને હીરાચંદભાઈ નારણદાસ પ્રજાપતિ (માણસાવાળા)ની સુપુત્રી… એવું બધું કંઈ એમ ને એમ નથી લખતા ! એમાંય વળી હીરાચંદ માણસાવાળા બે હોય ! એટલે નારણ ‘દાસ’ના નાના દિકરા ? કે નારણ ‘ભાઈ’ના મોટા દિકરા ? એવી ચોખવટ પણ થઈ જતી હોય.
જોકે યંગસ્ટર્સ લોકોની સિસ્ટમ ડિફરન્ટ હોય છે. એ લોકો એકબીજાને ફોનમફોની કરીને બધું શોધી કાઢે છે. સોનમ ઉર્ફે બેબી ડોલના લગભગ 30 જેટલા ફ્રેન્ડઝ (છોકરાઓ તથા છોકરીઓ) એકબીજાને સાતથી દસ વાર ફોનો કરીને ફાઈનલી એવા ‘જજમેન્ટ’ પર આવ્યા કે ‘પ્રસંગ’ પાર્ટી પ્લોટ સેટેલાઈટ એરિયાનો જ છે. નારણપુરા જેવા એરિયામાં તો કંઈ બેબી ડોલ જેવી બ્યુટિ પરણતી હશે ?
આખરે, બબ્બે પાંચ-પાંચ જણાનાં ઝુમખામાં બધા યંગસ્ટર્સ ‘પ્રસંગ’ ખાતે, રિસેપ્શનના ‘પ્રસંગે’ પહોંચી ગયા. બહાર મસ્ત બોર્ડ જોઈને કન્ફર્મ પણ થઈ ગયું. ત્યાં લખ્યું હતું ‘સોનમ વેડ્ઝ સોનુ…’
“અલ્યા, આ સોનુ કોણ ?”
ફ્રેન્ડઝમાં ચર્ચા ચાલી. એકે કહ્યું “સોનુ એટલે પેલો નહિ ? ટેલેન્ટ ઇવનિંગમાં સોનુ નિગમના અવાજમાં ગાતો હતો એ ?”
“અલ્યા એ તો જતિન ! એને તો બેબી-ડોલે લાફો મારી દીધેલો.”
“તો આ સોનુ કોણ?”
“મારા હિસાબે તો આ કોઈ બારમો ખેલાડી હોવો જોઈએ.”
“બારમો ખેલાડી ?” છોકરાઓની વાતમાં એક છોકરીને રસ પડ્યો. એક છોકરાએ ખુલાસો કર્યો.
“એમાં શું છે, કે બેબી ડોલ પહેલેથી જ બહુ ફોરવર્ડ હતી… એટલે એક, બે ત્રણ એમ કરતાં કરતાં એને ટોટલ અગિયાર બોયફ્રેન્ડ સાથે અફેર થયેલા.”
“હાય હાય ! એવું છે ?” બેબી ડોલની એકાદ બે બહેનપણીઓને આ ‘હિસ્ટ્રી’ની ખબર જ નહોતી.
“તું સ્ટેજ ઉપર જાય ત્યારે સોનમને જ પૂછી લેજે ને.”
“હા. પણ એ ક્યાં હજી આવી છે ?”
તપાસ કરતાં ખબર પડી કે બિચારો સોનુ નામે ઓળખાતો (અને આ 30 ફ્રેન્ડઝને જાણમાં જ નથી એવો) વરરાજા તો આવી ગયો છે પણ સોનમ હજી બ્યુટિ પાર્લરમાંથી આવી નથી… વાર લાગશે.
આ ન્યુઝ સાંભળ્યા પછી યંગસ્ટર્સની ગોસિપ ફરી ચાલુ થઈ. એક જણાએ એક જાડિયાની ઓળખાણ કરાવી. “જો, આ હતો સોનમનો નંબર વન…”
બિચારો ગોલગપ્પા જેવો જાડિયો શરમાઈ ગયો. “યાર, હું તો ખાલી હિસ્ટ્રીની ડેટના હિસાબે નંબર વન છું. બાકી એવું કશું હતું નહિ… મારા ગાલ એ વખતે એટલા મસ્ત હતા ને, કે સોનમ મને રોજ સ્કુલના બાથરૂમમાં ખેંચી જઈને મારા ગાલ ઉપર કિસો કરતી હતી !”
“વ્હુઉઉઉ !” છોકરીઓએ ચીસો પાડી. ત્યાં તો નંબર ટુ આગળ આવ્યો. “યુસી, સોનમ બારમામાં સો ટકા ફેઈલ થાય એમ હતી પણ સાલીએ મને સિડ્યૂસ કર્યો… અને છેલ્લી નાઈટ સુધી મારાં ટ્યૂશન લીધાં હતાં !”
“એય, એય ! વોટ ડુ યુ મિન બાય છેલ્લી નાઈટ ?” છોકરીઓના સવાલથી નંબર ટુ નર્વસ થઈ ગયો. “યાર, એવું બધું ના પૂછો ને ?”
આ વાતો નીકળી એમાં સોનમના નંબર થ્રી, ફોર અને ફાઈવ આવી પહોંચ્યા. નંબર થ્રીએ રુઆબથી કહ્યું ‘ફર્સ્ટ યરમાં બેબી ડોલ મારી ઉપર ફીદા હતી..’
ત્યાં તો નંબર ફોરે એની વાત કાપી નાંખી. “ઓય, ફર્સ્ટ યર નહિ, ફર્સ્ટ સેમિસ્ટર બોલ ! સેકન્ડ સેમિસ્ટરમાં તો એ મારી બાઈક પાછળ બેસીને ફરતી હતી.”
“પણ બકા, તારી બાઈક સેકન્ડની હતી ને, એટલે તને તો ત્રણ જ મહિનામાં બેબીએ ડ્રોપ કરેલો !”
“અને તને ચાર જ મહિનામાં….” નંબર ફાઈવ એન્ટ્રી મારીને આગળ આવતા કહ્યું. “મારી જોડે સોનું સૌથી લાંબુ ચાલેલું…”
“રહેવા દે ભઈલા, રહેવા દે. એ તો તારી PGવાળી સેપરેટ રૂમ હતી એટલે. બાકી, એ પછી તો એ મારા બંગલે આવતી હતી.”
જબરી ચડસા ચડસી ચાલી ! સૌ પોતપોતાના ‘પેશનેટ અફેર’ની વાતો કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે એ બાબતે પણ ઝગડો ચાલ્યો કે કોના ‘પછી’ કોનો નંબર હતો ! અહીં તો સેકન્ડ હેન્ડ, થર્ડ હેન્ડ નહિ, સિકસ્થ હેન્ડ અને સેવન્થ હેન્ડનું ડિસ્કશન ચાલવા લાગ્યું !
મઝાની વાત એ હતી કે જે ‘ઓથેન્ટિક નંબર ટેન’ હતો તે વટ કે સાથ ‘10’ લખેલું ટી-શર્ટ પહેરીને આવ્યો હતો ! જોગાનુજોગ એવો પણ હતો કે નંબર ‘સિક્સ’ ખરેખર જરા ‘એવો’ જ હતો !
“હેય ગાય્ઝ ! મને એક બ્રિલિયન્ટ આઈડીયા આવ્યો છે ! આપણે આખી ઈલેવન ગ્રુપમાં ઊભા રહીને ફોટો પડાવીએ તો કેવું ?”
“સુપબ્ર આઈડિયા છે !” બધાને મઝા પડી ગઈ.
ત્યાં સાઈડમાં ઊભેલા એક ડેકોરેટીવ જોધપુરી સૂટ પહેરેલા એક યંગ મેનને બધાએ રિકવેસ્ટ કરી. ‘હેય બડી, અમારો એક ગ્રુપ ફોટો લઈ આપો ને !’
પેલાએ કહ્યું “હા ! આ તો યાદગાર મોમેન્ટ છે. પહેલાં તો હું મારા જ મોબાઈલમાં તમારો ફોટો લઈશ !”
એ પછી, એટલે કે ‘ફોટો-સેશન’ પત્યું પછી થોડીવારે બેબીડોલ એટલે કે સોનમ સ્ટેજ ઉપર આવી કે તરત એક દુર્ઘટના બની ગઈ !
પેલો ગ્રુપ ફોટો પાડી આપનારો યંગ મેન એને સ્ટેજ ઉપર જ ઝૂડવા જ માંડ્યો. “સોનમ ! આઈ હેટ યુ ! તેં મને આવો ઉલ્લુ બનાવ્યો ?તારા અગિયાર અફેર હતા? હું બારમો ખેલાડી છું? યુ આર અ ચિટર !”
દૂરથી તો સોનમનું મોં સરખું દેખાયું નહિ પણ મોટો ભવાડો થાય એ પહેલાં બધા યંગસ્ટર્સ ત્યાંથી ભાગી છૂટ્યા…
આખરે બીજા દિવસે સાવ ઊંધુ જ સસ્પેન્સ ખુલ્યું… એ યંગસ્ટર્સને સેટેલાઈટના નહિ, પણ નારણપુરાના પ્રસંગ પાર્ટી પ્લોટમાં જવાનું હતું ! બોલો.
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment