‘મૈં ભી ચોકીદાર’ ઝુંબેશને આખા દેશમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે ! (કોંગ્રેસ સહિત!)
શહેરે શહેરે, ગામે ગામે, ગલીએ ગલીએ નવા નવા ચોકીદારો નોંધાઈ રહ્યા છે ! સિનેરીયો એવો થઈ ગયો છે કે વાત ના પૂછો…
***
અમને લાગે છે કે હવે સંસદ ભવન ઉપર આતંકવાદી હુમલો થાય એની શક્યતા ‘ઝિરો’ થઈ ગઈ છે કારણકે ત્યાં કમ સે કમ 282 ચોકીદારો ‘ઓન-ડ્યૂટી’ છે !
***
દરમ્યાનમાં નેપાળના ગુરખાઓમાં કોઈ મોટી ગેરસમજને કારણે અફવા ફેલાઈ રહી છે કે “આપણા સૌની નોકરીઓ હવે ખતરામાં છે !”
***
પેલી બાજુ “મૈં ભી અણ્ણા” લખેલી ટોપીઓ બનાવી આપનાર વેપારીઓએ ભાજપમાં પૂછાવડાવ્યું છે કે “આ વખતે કેટલા લોકોને ટોપી આપવાની છે ?”
***
નિતિપંચ (આયોજન પંચ)માં નવું કન્ફ્યુઝન ઊભું થયું છે. જુના આંકડાઓ મુજબ દેશમાં 9 કરોડ બે-રોજગારો હતા. પણ નવા આંકડાઓ મુજબ માત્ર પાંચ દિવસમાં 11 કરોડની નવી રોજગારી ઊભી થઈ ગઈ છે !
***
પોલીસ ખાતુ પણ કન્ફ્યુઝનમાં છે. ત્યાં ગુંચવાડો એ છે કે “ભઈ, આપણે જે હપ્તા લેતા હતા તે ચાલુ રાખવાના છે કે એમાંથી યે હપ્તા ‘આપવાના’ થશે ? ”
***
ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં તો સખત કન્ફ્યુઝન છે. કેમ કે કોંગ્રેસનો દાવો છે કે ‘ચોકીદાર જ ચોર છે !’… તો હવે ક્રાઈમ-રેટ વધ્યો કહેવાય કે ઘટ્યો કહેવાય ?
***
જોકે 'ફેસબુક' ‘વોટ્સએપ’ ‘ટ્વીટર’ વગેરે કંપનીઓને રાહત થશે કારણ કે 90 ટકા ચોકીદારો તો ‘ઓનલાઈન’ હશે !
બીજી તરફ સાચુકલા ચોરો (ઓફ-લાઈન ચોરો)ને જરાય ફરક નથી પડતો… કારણ સેઈમ છે : 90 ટકા ચોકીદારો તો ‘ઓનલાઈન’ હશે !
***
‘જાનમાં કોઈ જાણે નહિ, ને હું પણ વરની ફોઇ !’
- સોરી, આ કહેવત ભૂલમાં લખાઈ ગઈ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment