ચૂંટણીની જાહેરાત પછી દરેક પક્ષોમાં ટિકીટોની વહેંચણીનું કામ ધમધમાટથી ચાલી રહ્યું છે.
ભાજપ હોય કે કોંગ્રેસ, સવાલ એ છે કે ટિકીટો કોને આપવી ? આના માટે દરેક પક્ષની ક્લિયર કટ મેથડ છે ! જુઓ…
***
ભાજપની ટિકીટ મેથડ
ભાજપમાં ટિકીટ આપવા માટે ઉમેદવારની પસંદગીમાં નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે.
(1) શું ઉમેદવાર કહ્યાગરો છે ?
(2) બહુ દોઢ-ડાહ્યો તો નથી ને ?
(3) પોતાના એરિયામાં બહુ ફેમસ તો નથી ને ?
(4) સાહેબનો ભક્ત છે ને?
(5) અચ્છા, દેશભક્ત પણ છે ને ?
(6) પ્રચાર માટે ભીડ અને ચૂંટણી ફંડ બન્ને ટાર્ગેટ મુજબ, ભેગું કરી લાવે તેવો તો છે ને ?
- તો એને કહો, તમારા જેવા છ ડઝન ઉમેદવારો છે ! સાહેબ સિક્કો ઉછાળીને ફાઈનલ કરે પછી જાણ કરવામાં આવશે.
***
કોંગ્રેસ ટિકીટ મેથડ
કોંગ્રેસમાં ટિકીટ આપવાની મેથડ બહારથી કદાચ ભાજપ જેવી ભલે લાગે પણ અંદરથી એમના ધ્યાન રાખવા જેવા મુદ્દા અલગ છે !
(1) એનો આઈક્યુ કેટલો છે ? બહુ વધારે તો નથી ને ?
(2) કુટુંબ-પ્રેમ કેવો છે ? ખાસ કરીને માતુશ્રી માટે, બહેન માટે અને બનેવી માટે કેવી લાગણી ધરાવે છે ?
(3) સોનિયાજીનો ભક્ત તો હોવો જ જોઈશે, પણ કાલે ઊઠીને અચાનક મોદી-ભક્ત તો નહિ બની જાય ને ?
(4) ટિકીટ શેના માટે માગે છે ? ચૂંટણી ફંડ ઉઘરાવીને ખાઈ જવા માટે ? ચૂંટણી જીતવા માટે ? કે જીત્યા પછી ભાજપમાં જોડાઈ જવા માટે ?
(5) એને ટિકીટ આપીએ તો એ 'આપણને' શું આપશે ? (ખાનગીમાં સ્પષ્ટ કરે)
(6) ભારત બહારના કેટલા નેતાઓનાં નામની પાછળ ‘જી’ લગાડી શકે છે ?
- તો એમને ખાનગીમાં કહેવડાવો કે તમારા જેવા બાર ડઝન છે ! પણ ખાતરી રાખજો, મેડમ ચીઠ્ઠી ઉપાડે એમાં તમારું જ નામ હશે ! બસ, હાઈ-કમાન્ડ જોડે ‘ટચ’માં રહેજો…
***
ગઠબંધન ટિકીટ મેથડ
આ લોકોની મેથડ સાવ સિમ્પલ છે.
(1) મોદીથી છંછેડાયા છો ? મોદીથી દાઝ્યા છો ? મોદીને હરાવવા માગો છો ?
- આવી જાવ ! લડી લઈશું… પહેલાં અંદરો-અંદર, પછી ભેગા મળીને, પછી ફરી અંદરો-અંદર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment