ઈંગ્લીશ ફિલ્મોનાં ગુજરાતી ડબિંગ !


એક મૂવી ચેનલ હોલીવુડની ઇંગ્લીશ ફિલ્મોનું હિન્દીમાં ડબિંગ કરીને ટીવીમાં મુકે છે. અમે કહીએ છીએ કે બોસ, આવું ડબિંગ ગુજરાતીમાં પણ થોડા દેશી વઘારના છણકારા સાથે કરવા જેવું છે ! જુઓ, કેવી નોવેલ્ટી લાગે છે...

***

“ભગવાન જિલા ! ભગવાન જિલા !” એક જાપાનિસ ડોસો તીણા અવાજે ચિત્કાર કરી રહ્યો છે.

એની આજુબાજુ ઊભેલા અમેરિકન વૈજ્ઞાનિકો માથાં ખંજવાળે છે. “યાર, આ ભગવાન જીલા વળી કોણ છે ?”

મરણપથારી પર પડેલો પેલો જાપાની ડોસો ફાટેલા અવાજે ફરી બોલે છે : “ભગવાન જીલા ! ભગવાન જીલા ! મેં એને જોયો છે.”

“કોને ?”

“ભગવાન જિલાને !” ડોસો આટલા શબ્દો બોલીને મરી જાય છે.

વૈજ્ઞાનિકો માથાં પછાડવા લાગે છે. “યાર ! આ ભગવાન જિલા એટલે શુંઉંઉંઉં?”

ત્યાં અચાનક પેલો ડોસો બેઠો થાય છે. “ડોબાઓ, ભગવાન જિલા એટલે ગોડજિલા!!”

***

‘જેમ્સ બોન્ડ’ની કોઈ મૂવીનું ગુજરાતીમાં ડબિંગ સાંભળો...

સૂટબૂટ પહેરેલો હેન્ડસમ યુવાન હોઠ ઉપર સ્ટાઈલીશ રીતે લટકાવેલી સિગારેટ પોતાના સોનેરી લાઈટર વડે સળગાવતાં કહે છે :

“મારું નામ છે, બંધન... રત્નનું બંધન...”

“બંધન ?” સામે ઊભેલો ધોળા વાળવાળો વિલન બગલમાં બિલાડીને પંપાળતા પૂછે છે.

“હા...” યુવાન સિગારેટનો ધૂમાડો છોડતાં કહે છે “બંધન, શૂન્ય શૂન્ય સાત..”

“ઓહ...” ધોળા વાળવાળો વિલન કપાળમાં કરચલીઓ પાડતાં પૂછે છે કે “પૂર્ણાંક કે અપૂર્ણાંક?”

“હેં?”

“અર્થાત્ આ શૂન્ય શૂન્ય સાત પૂર્ણાંક સંખ્યા છે કે અપૂર્ણાંક સંખ્યા ? અને આ નામ જરા વિચિત્ર ના કહેવાય ?... બંધન ?”

“ઓફ્ફો !” યુવાન વીફરે છે “માય નેમ ઈઝ બોન્ડ.”

“ઓહો, બોન્ડ એટલે બંધન ! પણ ... રત્નનું બંધન?”

“અરે જેમ્સ બોન્ડ!!”

***

આ બે સીન તો બરોબર, પણ ‘પર્લ હાર્બર’ જેવી ફિલ્મનું અસલી કાઠીયાવાડીમાં ડબિંગ કર્યું હોય તો?

- કે હવાર હવારનાં ખળભાંખળા અજવાળામાં પર્લ હારબર નામની અમેરિકન સિપાહીઓની છાવણીયુંમાં જવાન સિપાઈડા પથારીયુંમાંથી હજી આળસ મરડીને બગાસાં ખાતાં બેઠા થઈ રિયાં છે ન્યાં તો ઊંચા વોચ-ટાવર ઉપર બેઠેલો દૂરબીનવાળો ચોકીયાત રાડ્યું પાડવા માંડે છે :

“એલા... મ્હારા વ્હાલીડાવ ! ઝાગજો ! ઝાગજો ! હેઈ ને... ઓલી ઓતરાદી દિશાએથી જાપાની વિમાન્યુંનાં ઝુંડનાં ઝુંડ તીડનાં વાદળુંની માફક ઉડતાં ઉડતાં આવી રિયાં છે... ને આ દખણાદિ દિશાએથી ઓલ્યા ઝાપાનીઓ એમનાં વાઘ-મોઢાં ચીતરેલાં વિમાન્યું વડે બોમ્બગોળાની ધબડાટીયું બોલાવતાં ધસી રિયાં છે ! અણી કોર ઉગમણી વાટ્યે ધડબડ ધડબડ ધડબડાટીયું બોલાવતી ઝાપાની સિપાઈયુંની ફોજ, ધૂળનાં ગોટેગોટ ઉડાડતી, હાથમાં અણિયાળી બરછીયુંવાળી બંધૂકો, ને માથે લોખંડી હેલમેટું પે’રીને ધરતી ધમરોળતી આવી રઈ છે ! અલ્યાવ, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય એવા નરબંકાવ ઝાગજો ! આજે તમારી અમેરિકન મા ભોમકાની રક્ષા કાજે માથાં વાઢીને ધરી દેવાનો રૂડો અવસર આઈવો છે, બાપલ્યા ! ઝાગજો !”

વોચટાવર ઉપર ઊભેલા દૂરબીનધારી ચોકીદારની ચેતવણી હાંભળીને અમેરિકન નરબંકા પોતપોતાનાં તંબૂઓમાંથી છલાંગ મારતાંકને બહાર આવી ગ્યા છે. કોકના ગાલે હજી દાઢીના સાબુનું ફીણ ચોંટ્યું છે તો કોકના ગાલે ઓલી રૂપાળી નર્સના ગુલાબી હોઠની લિપ્સિટીકના ડાઘ લૂંછાણાં નથી.

ઉપર ઊભેલો ચોકિયાત આલબેલ પોકારે છે “મા ભોમની રક્ષા કાજે માથે કફન બાંધીને હાલી નીકળો મારા જોધ્ધાવ ! આજે તો ઝાપાની દુશ્મનોની ખેર નથી ! એમને છઠ્ઠીનાં ધાવ યાદ નો આવી ઝાય તો મા અમેરિકાની સોગંધ ! એય હાલોઓઓ.... હાલોઓઓ...”

ત્યાં નીચે ઊભેલો એક સૈનિક બગાસું ખાતાં પછે છે “અલ્યા ક્યારનો આમ રાડ્યું પાડે ચે ઈના કરતાં ઓલી સાયરનનું બટન કાં નથી દાબી દેતો ?”

ચોકીયાત કહે છે “એલા માટીપગા ! ઇમ સાયરનુંનાં ભૂંગળાં વગાડ્યે ધીંગાણાં જીતાતાં હોત તો અમે અમારા કાઠીયાવાડમાં રણશીંગા અને બૂંગિયા ઢોલને બદલે ડાયરેક્ટ સાયરનું વગાડવા અમેરિકન ધોળિયાવને જ નોકરીએ નો રાખ્યા હોત ?”

- મન્નુ શેખચલ્લી

Comments