વર્લ્ડ ઊંઘ- ડે...?!


બોલો, ગઈકાલે 'વર્લ્ડ સ્લીપ-ડે' હતો ! હદ કહેવાય, નહિ ? આખો દિવસ ઉજવાઈ ગયો અને આપણે બધા ઊંઘમાં જ રહ્યા !

***

ખરેખર તો વર્લ્ડ સ્લીપ-ડે સરકારનાં તમામ ખાતાંઓ દ્વારા ઉજવાવો જોઈએ ! કારણ કે તેઓ વરસમાં 100 વખત ઊંઘતા ઝડપાય છે !

***

એમ તો પોલીસોએ પણ આ ‘ઊંઘ-ડે’ ઉજવવો જોઈએ, ખાસ કરીને નાઈટ ડ્યૂટીમાં !

***

આ તહેવારોનું ભારતીયકરણ કરવું હોય તો તેને ભારતમાં ‘વિશ્વ કુંભકર્ણ દિવસ’ તરીકે ઉજવવો જોઈએ !

બસ, કન્ફ્યુઝન એ રહેવાનું કે આ દિવસે કુંભકર્ણને ઊંઘાડવાનો ? કે જગાડવાનો ?

***

માર્કેટિંગની દ્રષ્ટિએ જુઓ તો આખા દેશમાં તમામ ગાદલાં-ગોદડાં વેચનારાઓએ આ દિવસ ઉજવવો જ જોઈએ !

***

કોલેજના સૌથી બોરિંગ પ્રોફેસરને ‘ઊંઘેશ્વરી’ એવોર્ડ એનાયત થવો જોઈએ કારણકે ભલે તે પોતે ના ઊંઘતા હોય પણ કંઈ કેટલાય વિદ્યાર્થીઓને પોતાના લેકચર દ્વારા ઊંઘવાની ‘પ્રેરણા’ તો આપે છે ને !

***

આ દિવસે સારી ઊંઘના ફાયદા દર્શાવતા કાર્યક્રમો ઠેરઠેર થવા જોઈએ ! પણ એમાં ક્યા કાર્યક્રમને શ્રેષ્ઠ ઊંઘ-કાર્યક્રમનો એવોર્ડ મળવો જોઈએ ?

- જેમાં સૌથી વધારે પ્રેક્ષકો ખુરશીમાં બેઠા બેઠા ઊંઘી ગયા હોય !

***

સંસદ તથા વિધાનસભાના સત્ર દરમ્યાન ગૃહમાં જેણે સૌથી વધુ સમય સુધી ઊંઘવાનો રેકોર્ડ નોંધાવ્યો હોય તેને ‘બેસ્ટ ડેમોક્રસી સ્લીપર’ની ઉપાધિ એનાયત થવી જોઈએ.

ઉપાધિમાં તેઓશ્રીને બે જોડી મજબૂત ‘સ્લીપર’ પહોંચાડવા જોઈએ… એ પણ છેક શ્રોતાઓની ગેલેરીમાંથી !

***

અચ્છા, વર્લડ સ્લીપ-ડેના ભારતીય એમ્બેસેડર કોણ હોઈ શકે ?

અરે, મોદી સાહેબ ! કારણકે… "તમે બધા ઊંઘી જાવ, ચોકીદાર જાગે છે !"

***

અને હા, યાર, એ દિવસે રેલ્વેના ‘સ્લીપર-કોચ’માં મફત મુસાફરી ના હોવી જોઈએ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments